Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

વડાલ પાસે બાઇક ડિવાઇડરમાં અથડાતાં રાજકોટના સાગર કોળીનું મોતઃ તેના કાકા અને મિત્રને ઇજા

તોરણીયા મંદિરે દર્શન કરવા જતી વખતે મોડી રાત્રે બનાવઃ યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૩: જુનાગઢના વડાલ પાસે ત્રણ સવારીવાળુ બાઇક ડિવાઇડરના થાંભલામાં ભટકાતાં રાજકોટના કોળી યુવાનનું મોત નિપજ્યું છે. જ્યારે તેના કાકા અને મિત્રને ઇજા પહોંચી છે. ત્રણેય તોરણીયા ગામે મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હતાં ત્યારે બનાવ બન્યો હતો.

જાણવા મળ્યા મુજબ ખોખડદળ નદી પાસે વેલનાથપરામાં રહેતો સાગર મનુભાઇ ચારોલા (કોળી) (ઉ.૧૯) અને તેના કાકા જગદીશભાઇ તથા મિત્ર સંજય શૈલેષભાઇ મદ્રેસાણીયા (ઉ.૨૯) ગત રાતે તોરણીયા મંદિરે જવા રાજકોટથી બાઇક પર નીકળ્યા હતાં. રાત્રીના સાડા બારેક વાગ્યે જુનાગઢના વડાલ પાસે પહોંચ્યા ત્યારે રોડ ડિવાઇડરમાં બાઇક અથડાતાં ત્રણેય ફંગોળાઇ જતાં નાની-મોટી ઇજા થઇ હતી. જેમાં જગદીશભાઇને ઓછી ઇજા પહોંચી હતી જ્યારે સાગર અને સંજયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

અહિ સાગરનું વહેલી સવારે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોહાણે કાગળો કરી જુનાગઢ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર સાગર બે ભાઇમાં નાનો હતો અને કારખાનામાં મજૂરી કરતો હતો. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(12:05 pm IST)