Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

રતનપર અને હડાળા વચ્ચે 'હિટ એન્ડ રન': રામકૃષ્ણનગરના વિશાલભાઇ ચોટાઇનું મોત

લોહાણા યુવાન વાસ્પા હંકારીને જતા'તા ત્યારે અજાણ્યો વાહન ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ પરિવારમાં ગમગીનીઃ વાહનવાળાને શોધતી કુવાડવા પોલીસ

રાજકોટ તા. ૨૩: મોરબીરોડ પર રતનપર અને હડાળા વચ્ચે મેલડી માતાજીના મંદિર પાસે સ્કૂટરને પાછળ અજાણ્યા વાહનના ચાલકે ઠોકરે ચડાવતાં સ્કૂટર ચાલક રામકૃષ્ણનગરમાં રહેતાં લોહાણા યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે. કુવાડવા રોડ પોલીસે હિટ એન્ડ રનની આ ઘટનામાં ગુનો નોંધી ભાગી ગયેલા વાહન ચાલકની તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ રામકૃષ્ણનગર-૨માં મધુવીલા ખાતે રહેતાં વિશાલભાઇ રમણીકભાઇ ચોટાઇ (ઉ.૪૪) ગઇકાલે બપોર બાદ ત્રણેક વાગ્યે પોતાનું વાસ્પા સ્કૂટર જીજે૩એએ-૪૩૨ હંકારીને રતનપર તરફ જતાં હતાં ત્યારે રતનપર-હડાળા વચ્ચે કોઇ વાહનનો ચાલક સ્કૂટરને ઉલાળીને ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં ૧૦૮ના ઇએમટી કોમલબેન અને પાઇલોટે તાકીદે ઘટના સ્થળે પહોંચી ઘાયલ વિશાલભાઇને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ તેમણે દમ તોડી દીધો હતો.

મૃતકના મોટા ભાઇ રૂપેનભાઇ રમણિકભાઇ ચોટાઇ (ઉ.૪૬-રહે. રામકૃષ્ણનગર)ને જાણ થતાં કુવાડવાના પીએસઆઇ વી. પી. આહિર, એએસઆઇ ફતેહસિંહ સોલંકી અને રાઇટર જયંતિભાઇએ તેમની ફરિયાદ પરથી ભાગી ગયેલા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃત્યુ પામનાર વિશાલભાઇ વેફર્સ નમકીનના સેલ્સમેન તરીકે કામ કરતાં હતાં. તે ત્રણ  ભાઇમાં નાના અને અપરિણીત હતાં. બનાવથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે.

(12:04 pm IST)