Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

માણાવદર પાસે લાખોની આંગડિયા લૂંટ : સંચાલક ઉપર હુમલો

રાત્રે જ એસ.પી. સૌરભસિંઘે સ્‍થળની મુલાકાત કરી માર્ગદર્શન આપ્‍યું : આંગડિયા સંચાલક યોગેશ ગોંધીયા જૂનાગઢમાં સારવાર હેઠળ : સીસીટીવીમાં બે શખ્‍સો બાંટવાથી પીછો કરતા હોવાનું જણાયું : લૂંટનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચ સહિત પાંચ ટીમની કવાયત

જૂનાગઢ તા. ૨૩ : માણાવદર પાસે રાત્રે આંગડિયા સંચાલક પર હુમલો કરી અજાણ્‍યા શખ્‍સો રૂા. ૨૦થી ૨૫ લાખની રોકડ સાથેના થેલાની લૂંટ ચલાવીને નાસી જતાં ખળભળાટ મચી ગયો હતો.

આ બનાવનાં પગલે એસ.પી. સૌરભસિંઘે રાત્રે જ સ્‍થળ પર દોડી જઇને તપાસ અંગે માર્ગદર્શન આપ્‍યું હતું. આંગડિયા સંચાલકને માથામાં ઇજા થતાં જૂનાગઢ ખાતે સારવાર હેઠળ છે.

લૂંટનો ભેદ ઉકેલવા માટે ક્રાઇમ બ્રાંચ સહિત પાંચ ટીમે કવાયત શરૂ કરી છે.

સનસનીખેજ લૂંટના બનાવની વિગતો એવી છે કે, માણાવદરમાં બહારપરા વિસ્‍તારમાં પોલીસ લાઇન પાસે રહેતા લોહાણા યોગેશભાઇ ગોંધીયા બાંટવા ખાતે પી.એન.એન્‍ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢી ધરાવે છે.

ગઇકાલે સાંજે ૭.૩૦ના અરસામાં યોગેશભાઇ આખા દિવસના હિસાબના રૂા. ૨૦થી ૨૫ લાખ રોકડ ભરેલા થેલા સાથે પોતાના મોટરસાયકલ નં. જીજે૧૧બીબી- ૧૩૮૧ ઉપર બેસીને માણાવદર પરત આવી રહ્યા હતા.

ત્‍યારે માણાવદર - બાંટવા રોડ પર સુલતાનાબાદ ગામના સ્‍મશાન પાસે અજાણ્‍યા શખ્‍સોએ યોગેશભાઇને આંતરી અને તેના ઉપર કોઇ હથિયાર વડે હુમલો કરી તેની પાસેના રૂા. ૨૦થસ ૨૫ લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવીને નાસી ગયા હતા.

આ અંગેની જાણ થતાં માણાવદરના પી.એસ.આઇ. હેરભા સહિતનો પોલીસ કાફલો સ્‍થળ પર દોડી ગયો હતો અને યોગેશભાઇ ગોંધીયાને તાત્‍કાલિક જૂનાગઢની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.

તપાસના પ્રારંભે સમગ્ર બનાવ લૂંટનો હોવાનું માલુમ પડતા જૂનાગઢ એસ.પી. સૌરભસિંઘ રાત્રે જ સ્‍થળ પર દોડી ગયા હતા અને લૂંટારૂઓને પકડવા માટે નાકાબંધી કરાવી તપાસ અંગે માર્ગદર્શન આપ્‍યું હતું.

લૂંટ અંગે રાત્રે માણાવદર પોલીસે યોગેશ ગોંધીયાના પુત્ર ભૌતિકની ફરિયાદ લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જિલ્લા પોલીસવડા સૌરભસિંઘે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, લૂંટનો ભેદ ઉકેલવા માટે ક્રાઇમ બ્રાંચના પી.આઇ. આર.કે.ગોહિલ, માણાવદરના પી.એસ.આઇ. એચ.આર.હેરભા, એસઓજી પી.આઇ. જે.એમ.વાળા, બાંટવા પોલીસ સહિતની પાંચ ટીમ બનાવવામાં આવી છે.

પોલીસ અધિક્ષક સૌરભસિંઘે વધુમાં જણાવેલ કે, લૂંટનો ભોગ બનેલા યોગેશભાઇ ગોંધીયાની પેઢી આસપાસના સીસીટીવી ફુટેજમાં બે શખ્‍સોએ બાઇક પર યોગેશભાઇનો પીછો કયોૃ હોવાનું માલુમ પડયું છે.

બાદમાં આ શખ્‍સોએ માણાવદર - બાંટવા રોડ પર સુલતાનાબાદ નજીક લૂંટને અંજામ આપીને નાસી ગયા હોવાનું અનુમાન છે. લૂંટ ચલાવીને નાસી ગયેલા શખ્‍સો અન્‍ય પ્રાંતના હોવાનું અનુમાન હોવાનું જણાવી એસ.પી. સૌરભસિંઘે લૂંટનો ભેદ નજીકના સમયમાં ઉકેલાય જશે તેમ જણાવ્‍યું હતું.

 

(11:38 am IST)
  • એસસી/એસટી એક્ટમાં થયેલા નવા સુધારાને પડકારતી અરજીઓ ઉપર ૨૬ ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરવા સુપ્રીમ કોર્ટ આદેશ આપ્યો છે access_time 1:19 am IST

  • દાહોદના ઝાલોદની RTO ચેકપોસ્ટ પર એસીબીનો દરોડો :કોમ્પ્યુટર ઓપરેટરની મિલિ ભગતથી વાહનચાલકો પાસેથી નાણાં ઉઘરાવવાનું કૌભાંડ બહાર આવ્યું :ડિકોય ટ્રેપ કરી આસિસ્ટન્ટ મોટર વહીકલ ઇન્સ્પેકટર અને કોમ્પ્યુટર ઓપરેટરને ઝડપી પાડ્યા:વાહન દીઠ રૂપિયા 500 ઉઘરાવતા હતા. access_time 6:45 pm IST

  • સુરતના ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં ડો. પ્રફુલ દોશીનો હાઇકોર્ટમાંથી છુટકારો:ફરિયાદી પરિણીતાએ આ કેસમાં હવે આગળ નહીં વધવા માટેનો ઈરાદો જાહેર કરતા હાઈ કોર્ટમાં કરાયેલી ડો. પ્રફુલ દોશીની ક્વોશિંગ પિટિશન મંજૂર access_time 7:15 pm IST