Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

કેન્દ્રિય કેબિનેટ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં જાફરાબાદ ખાતે સાગર પરિક્રમા યાત્રા યોજાશે

કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી જીતુભાઈ ચૌધરી, સામજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી આર સી મકવાણા સહિતના ઉપસ્થિત રહેશે:માછીમારોને હાથોહાથ વિવિધ સહાય યોજનાઓનો લાભ આપવામાં આવશે

અમરેલી: માછીમારોના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે માછીમારોના કલ્યાણ અર્થે સાગર પરિક્રમા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની મત્સ્ય ઉદ્યોગ કલ્યાણકારી યોજનાઓનો લાભ માછીમારોને મળી રહે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી કેન્દ્રિય કેબિનેટ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં, અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર સ્થિત કામનાથ મહાદેવ મંદિર નજીક આવેલા સમૂહ લગ્ન મેદાન ખાતે  માછીમારોને હાથોહાથ વિવિધ સહાય યોજનાઓનો લાભ આપવામાં આવશે.

 કાર્યક્રમમાં ભારત સરકારના મત્સ્યપાલન અને પશુપાલન રાજ્યમંત્રી ડૉ. સંજીવકુમાર બાલિયાન, ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી ડૉ. એલ મુરુગન, કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી જીતુભાઈ ચૌધરી, સામજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રી આર સી મકવાણા, સાંસદ નારણભાઈ કાછડીયા, ભારત સરકારના મત્સ્યપાલન વિભાગના સચિવ જે એન સ્વેન સહિતના ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ માછીમારો અને જાફરાબાદ તાલુકાના નાગરિકોને ઉપસ્થિત રહેવા, ભારત સરકારના મત્સ્યપાલન સંયુક્ત સચિવ જે. બાલાજી અને ગુજરાત રાજ્ય સરકારના મત્સ્યપાલન  સચિવ ભીમજીયાણીએ અનુરોધ કર્યો છે.

(11:29 pm IST)