Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

મોરબીમાં નવરાત્રીની તૈયારીનો ધમધમાટ, ચોકે-ચોકે સર્જ્યો સોળે શણગાર: બાળાઓ ખેલયાઓમાં પણ અનેરો થનગનાટ.

વર્ષો જૂની શક્તિ ચોક ગરબી, મંગલ ભુવન ગરબી સહિતની પ્રાચીન ગરબીઓમાં મંડપ, લાઈટ ડેકોરેશન સહિતના શણગારને અપાતો આખરી ઓપ: બે વર્ષ બાદ ખેલૈયાઓ પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબે ઝૂમવા ભારે ઉત્સાહિત : ગ્રામ્ય વિસ્તારોમાં ગરબીની સાથે ગૌમાતાના લાભાર્થે યોજાશે ઐતિહાસિક નાટકો ભજવાશે

મોરબી : માં આદ્યશક્તિની આરાધના અને ઉપાસનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવને હવે ત્રણ દિવસની જ વાર હોવાથી મોરબીમાં નવરાત્રીની તૈયારીઓના ધમધમાટ પુરજોશમાં ચાલી રહ્યો છે.વર્ષો જૂની શક્તિ ચોક ગરબી, મંગલ ભુવન ગરબી સહિતની શેરીએ ગલીએ, વિસ્તાર, મહોલ્લામાં જમાવટ કરતી મોટાભાગની પ્રાચીન ગરબીઓમાં મંડપ નાખવા અને લાઈટ ડેકોરેશન સહિતનો શણગાર કરવાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. નવરાત્રીને લઈને ચોકે-ચોકે સોળે શણગાર સર્જયો હોય દરેક જગ્યાએ પ્રાચીન ગરબીમાં રોશનીની સજાવટ સહિત અદભુત શણગાર કરાયો છે.
તા.26 સપ્ટેમ્બરથી શરૂ થનાર જગત જનની માં જંગદબાની ભક્તિ કરવાના સુવર્ણ અવસર સમાન નવરાત્રી મહોત્સવ શરૂ થઈ રહ્યો હોય આ વખતે બે વર્ષ બાદ અગાઉની જેમ મુક્તપણે દરેક જગ્યાએ પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવ યોજવાના હોવાથી દરેક જગ્યાએ વર્ષો જૂની યોજાતી પ્રાચીન ગરબીઓ માટે તાડામાર તૈયારીઓ થઈ રહી છે. જેમાં દરેક વિસ્તારમાં મંડપ નાખવા માતાજીને આભૂષણો સાથે શણગાર કરવો તેમજ રોશનીની સજાવટ કરવામાં આવી છે. જ્યારે વર્ષોથી આકર્ષણ જમાવતી શહેરના ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલ શક્તિ ચોક ગરબી અને મંગલ ભુવન ગરબીને અર્વાચીન રાસોત્સવને પણ ટક્કર મારે તેવો ભવ્યાતિભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. શક્તિ ચોક ગરબી અને મંગલ ભુવન ગરબીમાં ભવ્ય મંડપ, વિશાળ સ્ટેજ અને રોડ ઉપર અદભુત રીતે રોશનીની સજાવટ કરવામાં આવી છે. આ ગરબીને આધુનિક રંગ જરૂર સ્પર્શયો છે. પણ એકદમ પ્રાચીન ઢબે આજે પણ બાળાઓ રાસ ગરબે રમીને માતાની ભક્તિ કરે છે. જેમાં માડી તારા અઘોર નગારા જેવા પ્રાચીન રાસ ભારે જમાવટ કરે છે. આ પ્રાચીન રાસ જોવા હજારો લોકો ઉમટી પડે છે.
શહેરના રવાપર રોડ, શનાળા રોડ પરની સોસાયટીઓ, જુના બસ સ્ટેન્ડ, ગાંધીચોક, વંસત પ્લોટ, સાવસર પ્લોટ, કાયાજી પ્લોટ, કાયાજી પ્લોટ, ગાંધીચોકમાં માત્ર પુરુષો દ્વારા યોજાતી અનોખી ગરબી, ગ્રીનચોક અને દરબાર ગઢ આસપાસના નાના મોટા અનેક વિસ્તારોમાં, સામાકાંઠે રોટરી, રિલીફ, વિધુતનગર, જન કલાયણનગરમાં માં ગરબી ફ્રી સ્ટાઇલ દાડિયા રાસ, જુના નવા ગુજરાત હાઉસિંગ બોર્ડ, ત્રાજપર વિસ્તારમાં, સોઓરડીમાં મેલડી ગરબી, વરિયા પ્રજાપતિ ગરબી, શક્તિ ગરબી સહિતના દરેક વિસ્તારમાં પ્રાચીન ગરબીનું આયોજન થયું છે. સાથેસાથે અર્વાચીન રાસોત્સવના આયોજન થયા છે. જેમાં પાટીદાર નવરાત્રી મહોત્સવ, ઉમિયા નવરાત્રિ મહોત્સવ અને યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ મોટાભાગના યુવાનો નવરાત્રીમાં રાસ ગરબે ઘુમવા માટે ભારે ઉત્સાહિત છે. અનેક યુવક યુવતીઓ ડાંડીયા રાસ કલાસીસમાં ત્રણ મહિનાથી રાસ ગરબાના અવનવા સ્ટેપ્સની તાલીમ મેળવી રહ્યા છે.
મોરબીના દરેક ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાચીન ગરબીના આયોજન થયા છે. મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌમાતાના ઘાસચારા માટે ઐતિહાસિક નાટકો વર્ષોથી નવરાત્રી દરમિયાન ભજવાઈ છે. જેમાં વિરપર, લજાઈ સહિતના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં ઐતિહાસિક નાટક થકી ગૌમાતાના આખા વર્ષના ઘાસચારા માટે એક જ રાતમાં ફાળો એકત્ર થઈ જાય છે. આ નાટકો ભારે પ્રચલિત બન્યા છે. એટલે લોકો નાટકો જોવા મોટી સંખ્યમાં ઉમટી પડે છે. ત્યારે નવરાત્રીના આયોજનને હવે આખરી ઓપ આપતો હોય નવરાત્રી દરમિયાન દરેક પ્રાચીન ગરબીમાં ઢોલ, નગારા, પેટી અને મંજીરા તેમજ માતાજીના કર્ણપ્રિય રાસ ગરબે જંગદબા સ્વરૂપા બાળાઓ દરેક રઢિયાળી રાત્રે ચોકમાં આવીને રાસ ગરબે રમી માતાજીની ભક્તિ કરશે.

(9:54 pm IST)