Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક ખારાપાટ હાજીપુર વિસ્તારના ગામોમાં ચાર-પાંચ કિ.મી. ચાલતા જઈને બાળકોને પોલિયોની રસીનાં ટીંપાં પીવડાવતા સીએચઓ પિન્કીબેન

ભુજ તાલુકાના ખાવડા સામુહિક આરોગ્ય કેન્દ્ર હસ્તક આવેલ હાજીપુર પેટા આરોગ્ય કેન્દ્રના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પિન્કીબેન પટેલે તેમના કાર્યક્ષેત્રના ગામોમાં એક પણ બાળક પોલિયોની રસી પીવાથી વંચિત રહી ન જાય તેવો નિર્ધાર તેમણે કર્યો છે.
 દેશમાં 'પોલિયો મુક્ત ભારત અભિયાન' હેઠળ શુન્યથી પાંચ વર્ષનાં બાળકોને પોલિયોની રસીના ટીંપા પીવડાવવામાં આવે છે. જેના ભાગરૂપે પિન્કીબેને ભુજ તાલુકાના ભારત-પાકિસ્તાન બોર્ડર ની નજીક ધોરડો રણને અડીને આવેલા જ્યાં વાહનો જઈ શકતા નથી તેવા ખારોપાટ અને ખૂબ જ પાણી ભરાયેલ છે તેવા દુર્ગમ વિસ્તારના પીટારા મોટા અને પીટારા નાના, લુણા મોટા અને લુણા નાના, બુરખલ, ગારવાંટ ગામે ચારથી પાંચ કિલોમીટરથી વધુ ચાલીને તેમણે બાળકોને પોલિયોની ટીપાના બુંદ પીવડાવ્યા છે.
પિન્કીબેન પાસેથી મળેલ માહિતી મુજબ આ ગામોમાં મોટાભાગે બન્ની વિસ્તારના જત, સુમરા અને શેખ સમુદાયના પરિવારો વસે છે.  આ પરિવારો તેમની કેટલીક માન્યતાઓ, રિવાજો કે અન્ય કોઈ કારણોસર રસી કે આરોગ્ય સેવાઓ લેવાનું ટાળતા હોય છે. તેવા સમયે પિન્કીબેન સ્થાનિક પ્રા. શાળાના શિક્ષક અને સરપંચનો સહકાર લઈ સૌ મા-બાપને સમજાવી અને શૂન્યથી પાંચ વર્ષનાં ૭૦ જેટલા ભૂલકાંઓને શોધી શોધીને ખૂબ જ વ્હાલથી પોલિયોના બે બુંદ પીવડાવી પોલિયોથી રક્ષિત કરવામાં સફળતા મેળવી છે.
પિન્કીબેન મૂળ ગાંધીનગર જિલ્લાના સરઢવના વતની છે. તેમના પતિ અમદાવાદ ખાતે ફાયરમેન તરીકે ફ૨જ બજાવે છે. તેમના સંતાનને અહીંના વિપરીત વાતાવરણના લીધે સાથે રાખી શકતા નથી. તેમ છતાં તેમના વહાલસોયા બાળકથી અને વતનથી ખૂબ જ દૂર અહીં એકલા રહી હાજીપુર આરોગ્ય કેન્દ્રમાં સંવેદનશીલતા અને સેવાભાવ સાથે લોકોને આરોગ્ય સેવાઓ પહોંચાડવાની ફરજ બજાવે છે, જેમાં તેમને તેમના પતિ યોગેશભાઈ પટેલ અને તેમના મિત્ર જયંતીભાઈ શેખાણી તરફથી સતત પ્રોત્સાહન મળતું રહ્યું છે.
આરોગ્યદૂત સમાન કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પિન્કીબેન કડિયાની પ્રેરણાદાયક ફ૨જનિષ્ઠાને સલામ છે.

(7:42 pm IST)