Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

જામનગરના એમ.પી. શાહ કોમર્સ કોલેજના મેદાનમાં સંસ્કૃતિ - સહ - સેવાના સમન્વય સમો 'સહિયર નવરાત્રી મહોત્સવ'

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: આદ્યશકિત આરાધનાના પર્વ શારદીય નવરાત્રીનો તા. ૨૬ સપ્ટેમ્બરથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ભકિત તથા સંસ્કૃતિ સંગાથે સેવા પ્રકલ્પના મનસુબા સાથે શહેરના જાણીતા 'રંગતાલી ગ્રુપ' દ્વારા ફકત ટ્રેડીશ્નલ વેશભૂષા પરિધાન કરેલા યુવતિઓ-યુવકો માટેના અર્વાચીન દાંડીયા મહોત્સવ 'સહિયર'નો તા. ૨૬-૦૯-૨૦૨૨ને રવિવારે રાત્રીના ૯.૩૦ કલાકે શુભારંભ થશે.

પ્રથમ નોરતે મહોત્સવના દીપ પ્રાગટય - પ્રારંભ પ્રસંગે નગરના મેયર શ્રીમતિ બીનાબેન કોઠારી, જિલ્લા કલેકટર શ્રી ડો. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ, જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી વિજય ખરાડી, અધિક કલેકટરશ્રી ભાવેશ એન. ખેર, પ્રાંત અધિકારી શ્રી ડી.ડી.શાહ, 'નોબત'ના તંત્રીશ્રી પ્રદીપભાઇ માધવાણી, ગોવા શિપ યાર્ડના ડાયરેકટર એડવોકેટ હસમુખ હિંડોચા, લોહાણા જ્ઞાતિના પ્રમુખ શ્રી જીતુભાઇ લાલ, ડે. મેયરશ્રી તપનભાઇ પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી મનિષભાઇ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, વિદ્યોતેજક મંડળના મંત્રીશ્રી રમેશભાઇ શાહ, સહમંત્રી શ્રી હસમુખભાઈ શાહ (ગટુભાઈ), લોહાણા જ્ઞાતિના પ્રમુખશ્રી જીતુભાઇ લાલ, અગ્રણી બિલ્ડર શ્રી મહેશભાઇ નંદાણીયા હર્ષ પોલીસ પ્રાઇવેટ લિમિટ કંપનીના ડાયરેકટર શ્રી કૈલાશભાઈ બધિયાણી વગેરે ઉપસ્થિત રહેશે.

સાત રસ્તા પાસેના શ્રી એમ.પી. શાહ કોમર્સ કોલેજના વિશાળ પટાંગણમાં કોઇપણ બાળા - યુવતિ કે મહિલાઓ ઉપરાંત માત્ર નવરાત્રીના પરંપરાગત વસ્ત્રધારી યુવકો તાલીરાસ, પંચિયા રાસ, ચોકડી રાસ, ફ્રી સ્ટાઇલનું સ્પર્ધાત્મક રાસ-ગરબાનું કૌશલ્ય પ્રદર્શિત કરશે. જ્યારે દાંડિયારાસ નિહાળવા માટે ભાઇઓ-બહેનો કોઇપણ પ્રવેશપાત્ર હશે.

'રંગતાલી ગ્રૂપ' દ્વારા 'બેટી બચાવો, બેટી પઢાઓ' પ્રકલ્પ અંતર્ગત નવ બાળાઓને શૈક્ષણિક હેતુસર દત્તક લઇ તેમના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની તત્પરતાવાળા સેવા -કલ્પના કારણે શહેરમાં આ મહોત્સવને લઇને ભારે ઉત્સાહ પ્રવર્તિ રહ્યો છે.

'સહિયર નવરાત્રી મહોત્સવ'ના સંયોજક શ્રીમતી રીટાબેન સંજયભાઇ જાનીના માર્ગદર્શન હેઠળ આ દાંડિયા મહોત્સવ બહેનો દ્વારા આયોજીત અને બહેનો દ્વારા સંચાલિત હશે. પ્રવેશદ્વારથી લઇને ટિકિટ વેચાણ, ડી.જે., એરીના વ્યવસ્થા, ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, સ્વાગત, આરતી, ઉદ્ઘોષણા, નિર્ણાયક, ભેટ સ્વીકાર, સુરક્ષા, સ્વયંસેવક જેવી તમામ બાબતોનું સંચાલન માત્ર બહેનો દ્વારા જ કરવામાં આવશે.

 તદઉપરાંત નવરાત્રી દરમિયાન દરરોજ મહિલા સશકિતકરણ અભિયાનના વિવિધ પાસાંઓની નવરાત્રીના મેદાન પર પ્રસ્તૃતિ કરવામાં આવશે.

(1:23 pm IST)