Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

જામનગરના લાખેણા લાખોટા તળાવને પણ ‘સૌની' યોજના હેઠળ છલકાવી દેવાની તંત્ર દ્વારા તૈયારી

જામનગર મહાનગરપાલિકા દ્વારા ૩૦ થી ૪૦ એમસીએફટી પાણી કેનાલ મારફતે પહોંચાડવા માંગણી : આગામી ટૂંક સમયમાં રંગમતી ડેમ માંથી પાણી છોડીને દરેડની કેનાલ મારફતે લાખોટા તળાવમાં પાણી પહોંચાડાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા ૨૩ : જામનગર શહેરની શાન સમા લાખોટા તળાવમાં આ વખતે ચાલુ વરસાદે પૂરતા પ્રમાણમાં પાણી ની આવક થઈ ન હોવાથી તળાવનો અમુક હિસ્‍સો હજુ ખાલી રહ્યો છે, અથવા તો તળાવ પૂરું ભરાયું નથી.

 જેથી સૌની યોજના હેઠળ તળાવને પાણીથી છલકાવી દેવા માટે મહાનગરપાલિકા ના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા દરખાસ્‍ત તૈયાર કરીને જળ સંપત્તિ વિભાગને મોકલવામાં આવી છે, અને આગામી ટુંક સમયમાં જ લાખોટા તળાવમાં વગર વરસાદે પાણી પહોંચાડી છલકાવી દેવાની તૈયારીઓ ચાલી રહી છે.

 જામનગરના લાખોટા તળાવમાં ચાલુ વરસાદી સિઝનમાં પૂરતા પ્રમાણમાં પાણી આવ્‍યું ન હોવાથી તળાવનો કેટલો કિસ્‍સો હજુ ખાલી છે. વર્ષ દરમિયાન તળાવના પાણીને લઈને શહેરના અનેક વિસ્‍તારોમાં બોર- ડંકીના તળ સાજા રહે, તે માટે પાણી પૂરતા પ્રમાણમાં ભરવું અત્‍યંત જરૂરી છે. જ્‍યારે સૌની યોજના હેઠળ જામનગર જિલ્લાના તમામ ડેમો અને ચેક ડેમો ને સાંકળી લેવાયા છે, અને લગભગ ઓવરફ્‌લો થઈ ગયા છે.

 જ્‍યારે ‘‘સૌની'' યોજના હેઠળ લાખોટા તળાવમાં પણ અગાઉ પાણી પહોંચાડવામાં આવ્‍યું હતું. તે જ રીતે આ વખતે પણ તળાવને ફરીથી છલકાવી દેવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, ડે. કમિશનર ભાવેશ જાની, અને વોટર વર્કસ વિભાગના  કાર્યપાલક ઇજનેર પી.સી. બોખાણી વગેરે દ્વારા દરખાસ્‍ત તૈયાર કરવામાં આવી હતી. નગરના મેયર બીનાબેન કોઠારી, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, તેમજ ડેપ્‍યુટી મેયર તપનભાઈ પરમાર વગેરે દ્વારા લાખોટા તળાવને ‘‘સૌની''ઁ યોજના હેઠળ પાણીથી ભરી દેવા માટે નો પત્ર તૈયાર કરીને ગુજરાત રાજ્‍યના જળ સંપત્તિ વિભાગને મોકલવામાં આવ્‍યો છે.

 જે રજૂઆત ને ધ્‍યાનમાં રાખીને જળ સંપત્તિ વિભાગ દ્વારા પણ તે દિશામાં કદમ ઉઠાવી લેવામાં આવ્‍યું છે, અને આગામી ટૂંક સમયમાં જ જામનગરના લાખોટા તળાવમાં સૌની યોજના હેઠળનું પાણી પહોંચાડવાની પ્રક્રિયાઓ શરૂ કરી દેવાશે, તેમ જામનગર જિલ્લાના જળ સંપતિ વિભાગના અધિકારી એસ.એસ. હરદયા દ્વારા જણાવાયું છે.

 જામનગરનો રંગમતી ડેમ, કે જેને તાજેતરમાં જ  ‘‘સૌની''યોજના હેઠળ છલકાવી દેવાયો છે, જેનું ઓવરફ્‌લો થયેલું પાણી ખોડીયાર મંદિર -દરેડ પાસે આવેલી કેનાલમાં પહોંચાડવામાં આવશે, અને ત્‍યાર પછી દરેડ થી જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી કેનાલ કે જે કેનાલનું પાણી છેક જામનગરના લાખોટા તળાવ સુધી પહોંચે છે, જેના મારફતે પાણી પહોંચાડવાની પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવશે.

 હાલ લાખોટા તળાવમાં ૩૦ થી ૪૦ એમસીએફટી જેટલું પાણી ઠાલવી શકાય તેટલો તળાવનો હિસ્‍સો ખાલી રહ્યો છે.

 જેથી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ૩૦ એમસીએફટી સુધીનું પાણી પહોંચાડવા માટેનો પત્ર પાઠવાયો હતો, જેના અનુસંધાને કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે. અને જામનગરના લાખોટા તળાવમાં વગર વરસાદે પાણીની આવક થઈ જશે. જેથી નગરજનો માટે જળ સંપત્તિ વિભાગની ‘‘સૌની''યોજના આશીર્વાદરૂપ સાબિત થશે.

(1:18 pm IST)