Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

આમરણમાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રને સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર તરીકે અપગ્રેડ કરવા રજુઆત

૧૪ ગામનાં સરપંચો અને સહકારી ક્ષેત્રના આગેવાનો દ્વારા મુખ્‍યમંત્રી અને આરોગ્‍ય મંત્રીને રજુઆત

(મહેશ પંડયા દ્વારા) આમરણ,તા. ૨૩ : આમરણ ખાતેના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર PHCને સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર (CHC)માં અપગ્રેડ કરવાની છેલ્લા પાંચ વર્ષથી ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરી માંગણી કરવામાં આવી રહી હતી. પરંતુ તાજેતરમાં અંતરિયાળ આમરણ ચોવીસી પંથકમાં ભોગે રાજકીય દ્રષ્‍ટિકોણથી માળિયા (મિ.) તાલુકાના પીપળિયા ચાર રસ્‍તા ખાતે સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રને મંજુરી આપી દેવાતા આ વિસ્‍તારની જનતામાં અસંતોષ અને કચવાટની લાગણી જોવા મળી રહી છે.

ઉપરોકત બાબતે આમરણ ચોવીસી પંથકના ૧૪ ગામમોના સરપંચો તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો દ્વારા મુખ્‍યમંત્રી તેમજ આરોગ્‍યમંત્રીને આવેદન પત્ર પાઠવી આ સંદર્ભે પુનઃવિચાર કરવા અથવા ખાસ કિસ્‍સા તરીકે આમરણને CHC તબીબી સુવિધા મંજુર કરવા માંગણી કરી હતી.

આવેદનપત્રમાં રજુઆત કરતા જણાવેલ છે કે, આમરણને સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર આપવા બાબતે આ અગાઉ મોરબી જિ.પં. આરોગ્‍ય સમિતિ અને સામાન્‍ય સભામાં પણ બહાલી આપી રાજ્‍યના આરોગ્‍ય વિભાગને ભલામણ કરવામાં આવી હતી. તદપરાંત સાંસદ પુનમબેન માડમ તથા કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા પણ વારંવાર લેખિત-મૌખિક રજુઆતો કરી ભલામણ કરવામાં આવી હતી. બાદમાં રજુઆતો સંદર્ભે ગત વર્ષે આરોગ્‍ય વિભાગના અધિક નિયામક દ્વારા માંગણીનો અસ્‍વીકાર કરતા જણાવાયું હતુ કે, મોરબી તાલુકામાં હાલ જેતપર ખાતે CHC તેમજ જિલ્લા કક્ષાએ હોસ્‍પિટલ કાર્યરત હોય તથા તાલુકા ગ્રામ્‍યની વસતિને ધ્‍યાને લેતા CHC મંજુર થઇ શકે તેમ નથી.

માળિયા (મિં.) તાલુકા મથકે હાલ CHC કાર્યરત છે. તદુપરાંત તાજેતરમાં માળિયા (મિ.)થી માત્ર ૨૦ કિ.મી.ના અંતરે જ આવેલા પીપળીયા ચાર રસ્‍તા ખાતે રૂા. ૩ાા કરોડના ખર્ચે નવું સામુહિક કેન્‍દ્ર નિર્માણને મંજુરી આપવામાં આવી છે. જે સ્‍થળ કોઇ ગામ નથી કે રહેણાંક વસતિ ધરાવતુ નથી. માત્ર હાઇવે પરના ચાર રસ્‍તા છે. કોઇ પણ વિસ્‍તારની જનતાની આરોગ્‍ફ સુવિધામાં વધારો થાય તે ખુશીની વાત છે જેમાં વાંધો વિરોધ હોઇ શકે નહીં પરંતુ તબીબી સુવિધા ઝંખતા અંતરિયાળ વિસ્‍તારને પ્રથમ પ્રાધાન્‍ય આપવાને બદલે હળાહળ અન્‍યાય કરવો એ શરમજનક બાબત છે.

આ વિસ્‍તારની સ્‍થિતી વર્ણવતા વધુમાં જણાવાયું છે કે, જોડિયા અને મોરબી તાલુકામાં વિભાજીત આમરણ ચોવીસી પંથક જામનગર અને મોરબી જિલ્લાનો છેવાડાનો દરિયાકાંઠે આવેલો અંતરિયાળ વિસ્‍તાર છે. આમરણ સહિતના ૧૪ ગામોને થોડા વર્ષે પૂર્વે જોડિયા તાલુકામાંથી નવનિર્મિત મોરબી જીલ્લામાં ભેળવી દેવાયા છે. આમરણની ફરતે ૧૩ કિમીની ત્રિજયામાં ૨૪ ગામોનો મુખ્‍યત્‍વે ખેતી-પશુપાલન વ્‍યવસાય સાથે સંકળાયેલો અને આર્થિક, સામાજિક, શૈક્ષણિક પછાતવર્ગની અંદાજે ૬૦ હજારની વસતિ ધરાવતો ઝુમખા સ્‍વરૂપનો અલાયદો પછાત વિસ્‍તાર છે જેનું મુખ્‍ય કેન્‍દ્ર આમરણ છે. આમરણથી સંલગ્ન તાલુકા મથકો મોરબી-માળિયા (મિં.)-જોડિયા-ધ્રોલ ૪૦ કિ.મી.ના અંતરે આવેલા છે.

આમરણ ચોવીસી પંથકની હાલની મજબુરી એ છે કે મોરબી તાલુકામાં સમાવિષ્‍ટ આમરણ સહિતના ૧૪ ગામો જુના જામનગર સંસદીય મત વિસ્‍તારના ૭૬ કાલાવડ વિધાનસભા મતક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેથી રાજકીય વર્ચસ્‍વની ઉણપ પણ વર્તાઇ રહી છે. આ વિસ્‍તારની જનતાની હાલાકીને ધ્‍યાનમાં લઇ વિશેષ તબીબી સુવિધાનો લાભ આપવા માંગણી કરવામાં આવી છે.

(11:04 am IST)