Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કોરોનાકાળમાં ગરીબ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે નેસડાનાં ઝંૂપડે ઝૂંપડે જઇને શિક્ષકો કરાવી રહ્યા હતા અભ્યાસ

માલીડા પ્રાથમિક શાળામાં નર્સરી બનાવી ઔષધીય વૃક્ષોનો ઉછેર કરી વિદ્યાર્થીઓના ઘરે ઘરે કરાયું વાવતેર

જૂનાગઢ,તા. ૨૩: કોરોનાની પરિસ્થિતિ વચ્ચે પણ માલીડા અને પરિદ્ય વીસ્તારમાં આવતા નેસના બાળકોનાં શિક્ષણનો ઉજાસ પ્રસરાવવા ઘણા બધા સકારાત્મક કાર્યો માલીડાની શાળા અને શિક્ષક પરીવાર દ્વારા ફળિયા શિક્ષણથી થયા છે. પ્રશ્ન થાય કે ફળિયા શિક્ષણ એટલે શું?સામાન્ય રીતે શહેરોમાં સોસાયટીઓ હોય છે એવી રીતે માલીડાગામ અને આસપાસના નેસડાઓમાં ફળીયા હોય છે જે ફળિયામાં ૧૦ થી ૧૨ જેટલા પરિવાર રહેતા હોય,સરકારશ્રી ની માર્ગદર્શિકા પ્રમાણે ઓનલાઇન શિક્ષણ આપવાનું નક્કી થયેલું હતું. જેમાં સરકાર દ્વારા એપ્લિકેશનો અને બીજું મટીરીયલ પુરૂ પાડવામાં આવતું હતું. પરંતુ માલીડા ગામ અને તેની આસપાસનો વિસ્તાર એવો વિસ્તાર છે કે જયાં મોટાભાગનાં દ્યરોમાં એન્ડ્રોયડ મોબાઈલની સુવિધા છે જ નહીં ટૂંકમાં કહીએ તો ત્યાં ઇન્ટરનેટના માધ્યમથી શિક્ષણ આપવું એ અશકયને નજીક છે.

આવી પરિસ્થિતિમાં બાળકોના ભવિષ્યનો વિચાર કરી અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માલીડા ગામનાં આચાર્ય બાદ્યુભાઇ ડોબરીયા અને શિક્ષકોની ટીમે મળી એવી રીતનું આયોજન કર્યું કે જેના દ્વારા બાળકોને કે જયાં રહે છે ત્યાં જઈ અને તેને શિક્ષણ આપી શકાય. જેથી બાળકોને શિક્ષણ પણ મળી રહે. આ રીતે ફળીયા શિક્ષણની શરૂઆત પ્રથમ લોકડાઉનના સમયથી કરવામાં આવેલી હતી. વિદ્યાર્થીઓને અલગ-અલગ ગ્રુપમાં સરકારની કોરોના ગાઈડ લાઈન પ્રમાણે એક ફળિયામાં ભેગા કરી અને તેને શિક્ષણ આપવું. કાર્ય કરવામાં આવ્યુ હતુ. આ રીતે પહેલું શિક્ષણ એ એક પ્રકારના પર્સનલ ટ્યુશન જેવું થઈ ગયું જેથી બાળક માટે તે ફાયદાકારક છે.આ રીતે અપાઇ રહેલા શિક્ષણમાં વાલીઓનો પણ પૂરેપૂરો સપોર્ટ મળે છે,જો કોઈ બાળક ભણવા આવ્યું ન હોય તો જેતે ફળિયાના વડીલ તેમને બોલાવી આપે છે તેથી બાળકોની બિનજરૂરી ગેરહાજરી પણ રહેતી નથી જે શિક્ષણ બાળકોને શાળાએ મળતું તે જ શિક્ષણ બાળકોને પોતાના ઘરઆંગણે મળે છે.

બાઘુભાઇ ડોબરીયાનું કહેવુ હતુ કે આ સિસ્ટમ દ્વારા બાળકોને ભણાવવા ના દ્યણા બધા ફાયદાઓ છે સૌપ્રથમ તો મોટો ફાયદો એ કે બાળકોના મગજમાંથી જે સ્કૂલ પ્રત્યેનો અણગમો છે તે આ સિસ્ટમમાં દૂર થઈ જાય છે,જે બાળકોને વર્ગખંડનો ડર હતો તે નીકળી જાય છે,આ ફળીયા શિક્ષણ થકી જાણવા મળ્યું કે જે બાળક વર્ગખંડમાં કશું બોલતા નથી તે બાળક ફળિયાશિક્ષણમાં ખુલીને બોલે છે અને પ્રશ્નોત્ત્।રી કરે છે.આ પ્રકારનું શિક્ષણ એ ભવિષ્ય માટે ખુબ જ અસરકારક પુરવાર થઈ શકે છે કેમકે આ શિક્ષણમાં શિક્ષકો વ્યકિતગત રીતે એક બાળક પર ધ્યાન આપી શકે છે,સરકારની ગાઈડલાયન્સ તો ઓનલાઇન શિક્ષણ માટે હતી પરંતુ આવા અંતરિયાળ વિસ્તારમાં ઓનલાઇન શિક્ષણ શકય ન હોવાથી શિક્ષકોએ પોતે આ કાર્ય ઉપાડ્યું હતુ માલીડા ગામની શાળાનાં શિક્ષકોના પ્રેરણાદાયી શિક્ષણ કાર્યને આજે વિદ્યાર્થીનાં વાલી બિરદાવતા કહે છે. ભાઇ.... અમારા બાળકોને ભણાવવા ગામની નિહાળનાં સાયબો અમારે આંગણે આવે ને ત્યારે અમેય બે અક્ષર શીખી ગયા છીએ.

માલીડા શાળાનાં આચાર્ય પોતાની શાળાની કામગીરીની વિગતો આપતા જણાવ્યુ હતુ કે અમારી શાળામાં બાળકોને શિક્ષણકાર્યની સાથે પ્રકૃતિ સંવર્ધન, સ્વચ્છતા, સંસ્કારનાં પણ પાઠ ભણાવવામાં આવે છે. શાળા દ્વારા કીચન ગાર્ડન, બીજ બેંક, વાંચનાલય,પ્રયોગશાળા સહિતની સવલતો થકી પ્રત્યક્ષ જ્ઞાનની પણ સગવડ કરીએ છીએ. સમયાંતરે બાળકોને ટુંકા પ્રવાસો કરાવી ભૈાગોલીક અને સાંસ્કૃતિક બાબતોનો પરિચય કરાવીએ છીએ. અમારી શાળાનાં પટાંગણમાં અમે વૃક્ષોનું વાવેતર બાળકોનાં હાથે કરાવી રોપ ઉછેર કરીએ છીએ અને જે રોપ ઉછરીને તૈયાર થાય એ રોપનું બાળકો તેમનાં આંગણે,ખેતરનાં શેઢે કે શેરીનાં નાકે વાવેતર કરીને ઉછેર કરે છે. સામાન્ય રીતે સરગવાનું વૃક્ષ સર્વ ગુણોથી સભર હોય તેનાં છોડને અમે વિદ્યાર્થીઓ પાસે વાવેતર કરાવી મહત્વતા સમાવીએ છીએ. અમારૂ માલીડા ગામ ગિરનારનાં વનકાંઠામાં વસેલુ પ્રકૃતિ પ્રેમી ગામ છે. અને માલીડા આસપાસ માલધારી પરિવારનાં લોકો પશુપાલન કરી જીવન નિર્વાહ કરતા હોય છે. આવા પરિવારનાં બાળકો પાસે શહેર કે ગામડાની તુલનાએ સવલતો હોતી નથી ત્યારે તેમનાં જીવનમાં શિક્ષણક્ષેત્રે પછાતપણુ ના આવે તેની તમા અમારી શાળા દ્વારા રાખવામાં આવે છે. વન પ્રદેશ નજીક હોવા છતા આ બાળકો વૃક્ષોનાં વાવેતર કરી તેનાં સંવર્ધનમાં અગ્રીમ હોય છે... આમ અમારૂ માલીડા ગામ શિક્ષણક્ષેત્રે અનેકતામાં એકતાનાં સુર પુરાવી વૈવિધ્ય સભર કાર્ય કરીએ છીએ. અમો શિક્ષક ગણે કોરોનાં સમયમાં એકપણ દિવસની રજા વગર સતત શીક્ષણનું પ્રત્યક્ષ કાર્ય જે નેસ કે ગામનાં ફળીએ ફળીએ જઇને ચલાવ્યુ હતુ એ અમારી ફરજ અને કર્તવ્ય હતુ જેમાં અમોને વિદ્યાર્થીનાં વાલીઓ તરફથી ખુબ હુંફાળો પ્રતીસાદ સાંપડ્યો હતો.

(1:18 pm IST)