Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

મોરબી જીલ્લામાં ૯૭ કરોડની પાણી પુરવઠા યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી ઇ-લોકાર્પણ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૩ : મોરબી શહેરતેમજ જિલ્લામાટે પાણી પુરવઠા હેઠળના પેકેજની યોજનાનું ઈ-લોકાર્પણ અને બ્રાહ્મણીડેમ આધારીત NCD-4  ગૃપ સુધારણાની રૂ.૭૯ કરોડની યોજનાના ઈ-ખાતમુહૂર્તવીડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરી વિસ્તારનો મોરબી ટાઉનહોલ ખાતે જિલ્લા કલેકટર જે.બી.પટેલની ઉપસ્થિતીમાં તેમજ ગ્રામ્ય વિસ્તરનો હળવદ તાલુકાના ચરાડવા તેમજ સમલી ગામ ખાતે કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં દરેક ઘરને પીવાનું શુદ્ઘ–ફિલ્ટર્ડ વોટર નળ દ્વારા પહોચાડીને સૌના તંદુરસ્ત સ્વસ્થ જીવન માટેની પ્રતિબદ્ઘતા વ્યકત કરી છે. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના મોરબી શહેરને પીવાનું પાણી પૂરું પાડનારી રૂ. ૧૯ કરોડની યોજનાનો ઇ-લોકાર્પણ તેમજ બ્રાહ્મણી ૧ અને ૨ ડેમ આધારિત NCD-4 ગ્રૂપ સુધારણાની રૂ. ૭૯ કરોડની યોજનાના ઇ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યુ હતુ.એક જ દિવસમાં રૂ. ૯૭ કરોડના વિકાસ કામોની ભેટ ગાંધીનગર ખાતે તેમણે મોરબીને આપી હતી.

પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા તેમજ સચિવ ધનંજય દ્વિવેદી પણ આ અવસરે ગાંધીનગરથી તેમજ મોરબી ખાતે ભાજપા અગ્રણીઓ,પૂર્વ ધારાસભ્યો,પદાધિકારીઓ જોડાયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે,મોરબી સહિત સૌરાષ્ટ્રમાં ભૂતકાળમાં નાગરિકોને પાણી માટે બોર કરાવવા પડતા,ડંકી-હેન્ડ પંપ દ્વારા પાણી મેળવવું પડતું અને એક બેડા પાણી માટે ગામડાની બહેનોને દૂર-દૂર જવું પડતું. હવે એ સ્થિતિને,પાણીના દુકાળને ભૂતકાળ બનાવી,સૌની યોજનાથી ૧૧૫ ડેમ નર્મદા જળથી ભરીને સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

(11:30 am IST)