Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

૧૦ કેસ નિકળ્યા છતાંયે ભુજના બહુમાળી ભવનમાં સલામતી વગર પ્રવેશ

નવા ૩૩ કેસ અને વધુ એક મોત સાથે કચ્છમાં કોરોનાની બેકાબૂ ગતિ : એકટીવ કેસ વધીને ૩૬૭

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : કચ્છમાં કોરોનાના કેસો અને મોતનો આંકડો બંને બેકાબૂ ગતિએ વધી રહ્યા છે. નવા ૩૩ કેસ સાથે અત્યારે ૩૬૭ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જોકે, એકિટવ કેસની સાથે વધુ એક દર્દીના મોત સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧૪૦૫ છે. જયારે અત્યાર સુધીમા કુલ કેસ ૧૮૭૫ થયા છે. સૌથી વધુ ચર્ચા મોતના આંકડાને લઈને છે. સરકારી ચોપડે ૬૦ મોત દર્શાવાય છે. પણ, બિન સત્તાવાર મોતનો આંકડો સદી પાર કરી ૧૦૨ થયો છે.

કચ્છના વહિવટીતંત્ર સમક્ષ મોતનો આંકડો જાહેર કરવાની કોંગ્રેસની માંગ પછી પણ તારિખવાર યાદી જાહેર કરાતી ન હોઈ કોરોનાનો મૃત્યુ આંક છુપાવાતો હોવાની શંકા લોકોને થઈ રહી છે. જોકે, એક બાજુ તંત્ર કોરોનાથી સાવધાન રહેવા અને સલામતીના નિયમોનું પાલન કરવા ચેતવણી આપે છે. પણ, બીજી બાજુ ૩૩ સરકારી ઓફિસો ધરાવતા ભુજના બહુમાળી ભવનમાં પ્રવેશતા અરજદારો માટેનું સેનેટાઇઝર મશીન બંધ છે.

દરરોજ સમગ્ર જિલ્લાના અલગ અલગ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાથી આવતા અરજદારોને પ્રવેશ આપતાં પહેલાં થર્મલ ગનથી ચેક કરવાની વ્યવસ્થા જ નથી.

અહી છેલ્લા એક મહીનામા દસ પોઝિટિવ કેસ નિકળ્યા હોવા છતાં સરકારી બહુમાળી ભવનમાં કોરોના સામે સલામતીનો અભાવ જોવા મળે છે. કચ્છમાં વહિવટીતંત્ર વચ્ચે સંકલનનો અભાવ શરૂઆતથી જ ચર્ચામાં છે.

(11:54 am IST)