Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

...અને એમ્બ્યુલન્સમાં જ જન્મ્યા જોડીયા બાળકો

કચ્છના ગ્રામીણ વિસ્તારમાં ૧૦૮ હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ પ્રસુતિ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : કોરોનાની મહામારી વચ્ચે તબીબી સેવા મેળવવી એ મુશ્કેલ કપરું કાર્ય છે. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરમાં તબીબી સેવા મેળવવા પહોંચવું એ વધુ મુશ્કેલ અને પડકારજનક કામ છે. પણ, કચ્છમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ ફરી એકવાર લાઈફ લાઈન તરીકેની પોતાની યથાર્થતા પુરવાર કરી છે અને એક માતા, બે જોડીયા નવજાત શિશુઓ સાથે ત્રણ ત્રણ માનવ જિંદગીઓને નવું જીવન આપ્યું છે. એક પ્રસુતા માતાના મનમાં ચાલતી વ્યાકુળતા, પીડા અને માતૃત્વની ઝંખના વચ્ચે તેની મદદે આવેલ આરોગ્ય કર્મીઓની માનવીય સંવેદના સાથેની કામગીરી હૃદયને ઝંકૃત કરી મુકે તેવી છે.

માંડવીના દરશડી ગામના ૩૩ વર્ષીય પ્રસુતા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં પહેલાં તેમને પરિવારજનોએ ગઢશીશા દવાખાને લઈ ગયા હતા. પણ, તેમની તબિયત નાજુક હોઈ ભુજ ખસેડવા પડે એવું લાગતા નજીકમાં મોથાળા ગામે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરાઇ હતી. કોલ મળતાંજ પહોંચી આવેલા ઈએમટી પ્રહલાદ રાઠોડ અને પાયલોટ હરિભાઈ ચારણે તેમને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જવા ગઢશીશાથી રવાના થયા હતા. પણ, ભુજ સુધી ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ મિરઝાપર ગામ પાસે પ્રસુતા મહિલાની તબિયત બગડી હતી. દર્દીની પરિસ્થિતિ નાજુક બનતી જોઈને જોખમ પારખી ઈએમટી પ્રહલાદભાઈ રાઠોડ અને પાયલોટ હરિભાઈ ચારણે એમ્બ્યુલન્સમા જ પ્રસુતિ કરાવવાનું નક્કી કર્યું.

એક પ્રસુતા દર્દીનો જીવ બચાવવાની સાથે જ આવનાર નવજાત શિશુઓ તરફ મા ની આશાભરી લાગણી પણ સંકળાયેલી હોઈ બંને ઉપર મોટી જવાબદારી હતી. પણ, અહીં ૧૦૮ ની ટીમને અપાતી તબીબી સેવા માટેની તાલીમ ઉપયોગી બની. પણ, સફળ રીતે પ્રસુતિનું કાર્ય પુરું થયું. એક સાથે બબ્બે જોડીયા બાળકોનો જન્મ થયો હોઈ સૌની આંખોમા હર્ષના આંસુ હતા. પણ, આ કાર્ય આસાન નહોતુ, મુશ્કેલ હતું, પણ, ૧૦૮ની ટીમે બંને નવજાત જોડીયા બાળકોની સાથે માતાનો પણ જીવ બચાવ્યો. પ્રસુતિ બાદ તરત જ ત્રણેયને જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ૧૦૮ ના પોગ્રામ મેનેજર ધવલ પારેખે મોથાળા ૧૦૮ની ટીમના કાર્યની સરાહના કરી છે. કોવિડની મહામારી દરમ્યાન પણ સમગ્ર કચ્છ જિલ્લામાં ૧૦૮ ની ટીમની કામગીરી સરાહનીય રહી છે.

(11:42 am IST)