Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

નિલેશકુમાર કાનજીયાએ મોરબીથી જમ્મુ સુધી બાઈક ઉપર ૧૭૫૦ કિ.મી.નો પ્રવાસ કર્યો : ધ્વજવંદન કર્યુ

મોદી સરકારે ૩૭૦ની કલમ હટાવતા જમ્મુમાં ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેવા નિર્ણય કર્યો : દરેક જગ્યાએ આર્મી કેમ્પોમાં રહેવા - ભોજનની સુવિધા આપી, હાઈવે ઉપર દરરોજ ૩૦૦થી ૩૨૫ કિ.મી. બાઈક ચલાવતા

રાજકોટ, તા. ૨૩ : મોરબીના દેશપ્રેમીએ અનોખી દેશદાઝ બતાવી છે. જમ્મુ સુધી બાઈક ચલાવી ત્યાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. તેઓએ કુલ ૩૭૨૦ કિ.મી. બાઈક ચલાવ્યુ હતું.

મુળ બગથળા ગામ (તા.મોરબી) અને હાલ મોરબી રહેતા શ્રી નિલેશકુમાર ધિરજલાલ કાનજીયાએ મોદી સરકાર દ્વારા ૩૭૦ કલમ અને ૩૫ એ જમ્મુ કાશ્મીરમાંથી દૂર કરાતા મોરબીથી જમ્મુ અને જમ્મુથી મોરબી પરત બાઈકમાં પ્રવાસ ખેડ્યો હતો. તેઓ ગત ૮ ઓગષ્ટના મોરબીથી બાઈક ઉપર રવાના થયા હતા. તેમણે જણાવેલ કે હાઈવે ઉપર આર્મીના કેમ્પમાં જ રહેવા - જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી. બાઈકમાં કપડા સાથે સરસાધનો પણ લઈ ગયા હતા. તા.૧૪ ઓગષ્ટના રોજ જમ્મુ પહોંચી ગયા હતા.

મોરબીથી જમ્મુ ૧૭૫૦ કિ.મી. અને પરત મોરબી ફરતા આમ કુલ આશરે ૩૭૨૦ કિ.મી.નો પ્રવાસ ખેડ્યો હતો. તેઓ દરરોજ લગભગ ૩૦૦ થી ૩૨૫ કિ.મી. હાઈવે ઉપર બાઈક ચલાવતા.

તેમણે જણાવેલ કે જમ્મુ પહોંચ્યા બાદ ત્યાંના લોકોએ અને આર્મીના જવાનોએ ખૂબ સહકાર આપ્યો. જમ્મુના પરેડ ગ્રાઉન્ડમાં સ્વાતંત્ર્ય પર્વના ધ્વજવંદન સહિતના કાર્યક્રમમાં ભાગ લઈ પરત ફર્યા હતા.

નિલેશકુમારના આ સાહસ બદલ તેઓને મો. ૯૪૨૮૭ ૦૧૫૫૧ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:32 pm IST)