Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

સોમનાથ મહાદેવને દાતાઓ દ્વારા સોના સહિત જંગી દાન

સોમનાથના ૧૫૦૦થી વધુ કળશને સોનાથી મઢાશે :૧૪૦ કિલો સોના સહિતનું દાન : વર્ષમાં તમામ કળશને સોનાથી મઢવાની કામગીરી પુર્ણ થાય તેવો હાલનો અંદાજ

અમદાવાદ, તા.૨૨ : દેશનાં પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર પરના ૧૫૦૦થી વધુ કળશને હવે સુવર્ણ જડિત કરવામાં આવશે. સોમનાથ મંદિરના વિવિધ ભાગો સોને મઢાયા બાદ હવે વધુ એક ભાગ સુવર્ણ જડીત બનશે. સોમનાથ મહાદેવ મંદિરનો હાલ જાણે સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. વિવિધ દાતાઓ તરફથી સોમનાથ મહાદેવને ૧૪૦ કિલો સોના સહિત રોકડનું મોટુ દાન પ્રાપ્ત થયુ છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સોમનાથ મંદિરના કળશ સોનાથી મઢવાના કાર્યને લઇ શિવભકતોમાં પણ ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.

   આ અંગે સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પી. કે. લહેરીએ જણાવ્યું હતું કે, સુપ્રસિધ્ધ સોમનાથ મંદિરના કળશને હવે સોનાથી મઢવાનું કામ બહુ ટુંક સમયમાં શરૂ થવાનું છે. એક વર્ષમાં તમામ કળશને સોનાથી મઢવાની કામગીરી પુર્ણ થાય તેવો અંદાજ છે. સોમનાથ મંદિરના ઘુમ્મટ પર ૧૫૦૦ કળશ છે. આ ૧૫૦૦ કળશને સોનેથી મઢવા માટેનાં આયોજનમાં આગામી દિવસોમા દાતાઓ માટેનું આયોજન કરાશે. સોમનાથ મંદિર પરના ૧૫૦૦ જેટલા કળશને સુવર્ણ મઢિત કરવા માટે જે સોનાની જરૂર હતી. તેમાં સોનું અલગ અલગ દાતાઓ દ્વારા દાનમાં રોકડ રૂપે મળ્યું છે. દાતાઓએ ૨૧ હજારથી સવા લાખ રૂપિયા સુધી એક એક કળશને મઢવા માટે દાન આપ્યું છે. અત્યાર સુધીમાં સોમનાથ મંદિર પાસે અંદાજે ૧૪૦ કિલો સોનું દાનમાં આવ્યું છે. આ સોનાથી મંદિરના અલગ અલગ ભાગને સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મુંબઇના લખી પરિવારે ભુતકાળમાં ૧૧૦ કિલો સોનું સોમનાથ મહાદેવને દાન આપ્યું હતું. જેમાંથી મંદિરનાં ગર્ભગૃહ, ત્રિશુલ, ડમરું, નાગ દંશ, પિલરો દરવાજા સહિત અનેક ભાગો સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે. ત્યારે મંદિરનો વધુ એક ભાગ હવે સુવર્ણ જડિત થવા જઇ રહ્યો છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૨૨૦૦થી ૨૫૦૦ યાત્રિકો માટે રહેવા અને જમવાની સુવિધા આપી રહ્યું છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે અને તેનું બહુ અનેરુ અને ચમત્કારિક મહાત્મ્ય છે.

(8:39 pm IST)