Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સોમનાથ દાદાના સોશ્યલ મીડીયા ઉપર દર મહિને ૬.પ૦ કરોડ મુલાકાતીઓઃ ગૌરવરૂપ ઘટનાને વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન અપાવવા ગતીવીધી તેજ

સોમનાથ મંદિર વિકાસના ૧૬ પ્રોજેકટના અભ્યાસ અહેવાલ તૈયાર કરવા કેન્દ્રની ટીમે સોમનાથની મુલાકાત લીધી

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ, તા., ર૩: વિશ્વ પ્રસિધ્ધ ભારત બાર જયોર્તીલીંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર વિશ્વના ૪૭ થી પણ વધુ દેશોમાં સોશ્યલ મીડીયા દ્વાર દર્શન કરાય છે. વિક્રમજનક વિશ્વ શિવભકતોના પ્રતિસાદ અંગે સોમનાથ ટ્રસ્ટ -ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઇ લહેરી કહે છે સોશ્યલ મીડીયા ઉપર દર મહીને ૬.પ૦ કરોડ મુલાકાતીઓ સાથે આ વિક્રમ સંખ્યાને ગીનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મેળવે તે માટે કાર્યવાહી શરૂ થઇ ચુકી છે.

એટલુ જ નહી તેઓના જણાવ્યા અનુસાર તા.ર જુલાઇએ તેઓએ શ્રી સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ટ્રસ્ટી અમીત શાહને રૂબરૂ દિલ્હી ખાતે મળી વિનંતી કરી કે સમુદ્ર દર્શન માર્ગ (પ્રોમેનેટેડ) અને નવીનીકરણ થયેલ માતોશ્રી અહલ્યાદેવી મંદિર અને મંદિર શિલ્પ સ્થાપત્યના આગવી રીતે રજુ કરતા સંગ્રહાલય-મ્યુઝીયમ લોકાર્પણ કરવા તેઓ સમય ફાળવે જેમાં તેઓ રૂબરૂ શકય નહી બને તો વર્ચ્યુઅલ લોકાર્પણ કરવા માટેની તારીખ જણાવશે.

તાજેતરમાં જ ભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ આયકોનીક વિકાસ પ્રોજેકટની સુચીત કરાયેલા ૧૬ પ્રોજેકટોનો વિગતવાર અહેવાલ તૈયાર કરવા કેન્દ્રની ટીમે સોમનાથની મુલાકાત લીધી અને વિગતવાર અહેવાલ તૈયાર કરી ભારત સરકારમાં રજુ કરવામાં આવી રહયો છે. આ ટીમ તા.૯-૭-ર૧ સોમનાથ ખાતે સ્થળ તપાસ કરી વિકાસ પ્રોજેકટો આગળ વધારવા નિરીક્ષણ કર્યુ હતું.

સોમનાથની ગૌશાળામાં શરૂઆતમાં માત્ર ૨૦ ગૌવંશ સંખ્યા હતી જે ૧૧૬ સુધી પહોંચી છે. અને દૈનિક રપ૦ લીટરથી વધુ ગાયના દુધના ઉત્પાદન સાથે દેશી પધ્ધતી પ્રમાણે ઘી પણ બનાવાઇ રહયું છે. 

સોમનાથ મંદિરમાં તા.૧૭ જુલાઇથી દર્શન સમયમાં વધારો અને નિયંત્રણ સાથે આરતી દર્શન પુણ્ય પ્રાપ્ત થતા ભાવીકો કોવીડ ૧૯ના નિયમ પાલન સાથે ઉમટી રહયા છે. તા.૧ જુલાઇથી તા.ર૧ જુલાઇ સુધીમાં ર,૪૧,૯૩પ દર્શનાર્થીઓએ દર્શન કર્યા. જે જુલાઇ માસ અંતે દર્શનાર્થી આંકડો સાડા ત્રણ લાખ વટાવી આસ્થા-સલામતી-સંયમ સાથે પાર કરશે.

(2:51 pm IST)