Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મઘરવાડાથી પકડાયેલું ૧૦ હજાર લિટર પ્રવાહી બાયોડિઝલ હતું: રિપોર્ટ બાદ ગુલાબ વાટીકાના નારૂભા જેઠવાની ધરપકડ

૧૨/૫ના રોજ ડીસીબીની ટીમે ટેન્કર પકડ્યું હતું: બાયોડિઝલ ખરીદનાર જામનગરના નરેન્દ્રસિંહ જાડેજા અને ટેન્કર ડ્રાઇવર ટંકારાના ટોર ગામના રમેશ ફાંગલીયાની શોધખોળ

રાજકોટ તા. ૨૩: બાયોડિઝલના ગેરકાયદે વેપલા પર રાજ્યભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. દરમિયાન બે મહિના પહેલા ડીસીબીની ટીમે મઘરવાડા ગામ પાસેથી ૧૦ હજાર લિટર પ્રવાહી ભરેલુ ટેન્કર પકડી લઇ શંકાસ્પદ નમુના પરિક્ષણ માટે ગાંધીનગર ડી.એફ.એસ.એલ.માં મોકલ્યા હતાં. તેના રિપોર્ટમાં એ પ્રવાહી બાયોડિઝલ હોવાનું સ્પષ્ટ થતાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી શાપરમાં ડેલો ધરાવતાં રાજકોટ અમીન માર્ગ ગુલાબ વાટીકા-૫ સત્યમ્ ખાતે રહેતાં નારૂભા હનુભા જેઠવા (ઉ.વ.૬૩)ની ધરપકડ કરી છે. જ્યારે બાયોડિઝલ તેની પાસેથી ખરીદનારા જામનગરના નરેન્દ્રસિંહ જાડેજા તથા ટેન્કરના ડ્રાઇવર ટંકારના ટોર ગામના રમેશ કરસનભાઇ ફાંગલીયાની શોધખોળ હાથ ધરી છે.

આ મામલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં  પીએસઆઇ એસ. વી. સાખરાએ ફરિયાદી બની ટોર ગામના ટેન્કર ડ્રાઇવર રમેશ ફાંગલીયા, જામનગરના નરેન્દ્રસિંહ જાડેજા અને રાજકોટના નારૂભા જેઠવા તથા તપાસમાં ખુલે તેની સામે આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ ૩, ૭, ૧૧ તથા આઇપીસી ૨૮૫, ૧૧૪ મુજબ ટેન્કર નં. યુપી-૭૮-ડીએન-૬૨૨૨માં રૂ. ૪,૬૦,૦૦૦નું બાયોડિઝલ ભરી ગેરકાયદેસ રીતે હેરાફેરી કરવાનો ગુનો નોંધ્યો છે.

વિગત એવી છે કે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં તા. ૧૨/૫/૨૧ના રોજ ડીસીબીની ટીમના પીએસઆઇ એસ. વી. સાખરા, હેડકોન્સ. ધીરેનભાઇ માલકીયા, કોન્સ. મહેશભાઇ મંઢ, હિરેનભાઇ સોલંકી, ભગીરથસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડા, દિપકભાઇ ડાંગર, જયપાલસિંહ ઝાલા અને કિરતસિંહ ઝાલા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ઉમેશભાઇ, ભગીરથસિંહ, જયપાલસિંહ અને સંજયભાઇની બાતમી પરથી મઘરવાડા ગામથી આગળ રફાળા ગામ તરફ જતાં ગોહેલ પરિવારના મેલડી માતાજીના મંદિર પાસેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલુ ટેન્કર મળી આવતાં તે બાયોડિઝલ હોવાનું જણાતાં જાણવા જોગ એન્ટ્રી કરી પ્રવાહીના નમુના લઇ એફએસએલમાં ગાંધીનગર મોકલાયા હતાં. જેનો રિપોર્ટ આવતાં એ પ્રવાહી બાયોડિઝલ હોવાનું સ્પષ્ટ થતાં હવે ગુનો નોંધાયો છે.

હાલ તુર્ત આ ગુનામાં અમીન માર્ગ પર રહેતાં અને શાપરમાં ડેલો ધરાવતાં નારૂભા જેઠવાની આ ગુનામાં ધરપકડ કરી છે. ડ્રાઇવર રમેશ ફાંગલીયાએ જામનગરના નરેન્દ્રસિંહ જાડેજાના કહેવાથી શાપરથી નારૂભાના ડેલેથી ટેન્કરમાં પ્રવાહી ભર્યુ હોવાનું જે તે વખતે કબુલ્યું હતું. આ બંનેના પણ આરોપીમાં નામ સામેલ કરી તપાસ યથાવત રખાઇ છે.

પોલીસે ૪ લાખ ૬૦ હજારનું બાયોડિઝલ અને ૧૦ લાખનું ટેન્કર કબ્જે કર્યા છે. વિશેષ તપાસ પીએસઆઇ એસ. વી. સાખરાએ હાથ ધરી છે.

(12:51 pm IST)