Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુરૂપુર્ણીમાની બે દિ' ઉજવણી

સદગુરૂદેવ રણછોડદાસજી આશ્રમ, સ્વામીનારાયણ મંદિર, સતાધાર શ્રી આપા ગીગાની જગ્યા સહીત અનેક સ્થળોએ કાલે ઉજવણી કરાશે

રાજકોટ, તા., ર૩: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અને કાલે બે દિવસ ગુરૂપુર્ણીમા પર્વની બે દિવસીય ઉજવણી કરવામાં આવી રહી છેે.

શાસ્ત્રોકતવિધિ મુજબ આજે સવારે ૧૦.૪પ થી કાલે શનીવાર સવારના ૮.૦૯ વાગ્યા સુધી ગુરૂપુર્ણીમાનું પર્વ આવે છે. જેથી બે દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે.

રાજકોટ શ્રી સદગુરૂદેવ રણછોડદાસજી આશ્રમ, સ્વામીનારાયણ મંદિર, સતાધાર શ્રી આપા ગીગાની જગ્યા સહીત અનેક જગ્યાએ કાલે ઉજવણી કરવામાં આવશે.

જો કે આજે પણ સવારથી જુદી-જુદી  જગ્યાએ ગુરૂપુર્ણીમા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.

કોરોના મહામારીના કારણે રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં સાદાઇથી ઉજવણી થઇ રહી છે.

રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ે આજે શુક્રવારે  અને કાલે શનીવારે અષાઢ સુદ પુનમે ગુરૂપુર્ણીમા  ઉત્સવ કોરોના ગાઇડલાઇન અનુસાર ઉજવાશે. આ તકે પાદુકા પુજન, ગુરૂપુજન, સમાધી પુજન, સત્ય નારાયણની કથા, સુંદરકાંડના પાઠ, સંતવાણી સેવાકીય કાર્ય સહીતના કાર્યક્રમો યોજાનાર છે. ત્યારે વિવિધ ધર્મસંસ્થાઓ, સામાજીક, સેવાકીય  સંસ્થાઓમાં ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂ દેવો  મહેશ્વર, ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરૂવે નમઃ ના નાદ સાથે ગુરૂપુર્ણીમાની ભાવસભર ઉજવણી થશે.

રાજકોટના સદગુરૂ આશ્રમે શનીવારના વહેલી સવારે મંગળા આરતી પ.૩૦ કલાકે તથા સાંજે મહાઆરતી૭.૩૦ કલાકે કરવામાં આવશે. સવારના ૮.૩૦ થી ૧૦.૩૦ વાગ્યા સુધી સદગુરૂદેવ ભગવાનનું પૂજન ષોડશોપચાર પૂજન કરાશે. સદગુરૂદેવના દર્શન ઝાંખી માટે સવારે પ.૩૦ થી બપોરે ર વાગ્યા  સુધી તથા બપોરે ૩ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી નીજ મંદિર ખુલ્લુ રહેશે. ભાવીકોને  કોવીડની ગાઇડલાઇનને કારણે મર્યાદીત સંખ્યામાં જ વ્યકિતઓને પ્રવેશ આપવામાં આવશે. તેમજ ઉજવણીના કાર્યક્રમનું ઓનલાઇન પ્રસારણ પણ કરાશે.

સ્વામીનારાયણ ગુરૂકુળ રાજકોટ આગામી તારીખ ર૪ને શનીવારે ગુરૂપુર્ણીમા મહોત્સવ ઓનલાઇન મનાવાશે.

યુ-ટયુબમાં રાજકોટ ગુરૂકુળના આઇડી ઉપરથી સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરાશે. ઘનશ્યામજી મહારાજનું ષોડશોપચાર પૂજન તથા અભિષેક દર્શન સવારે ૬ કલાકે થશે. અન્નકુટ દર્શન અને આરતી સવારે ૯ કલાકે થશે. સ્થાનીક ભાવીકો માટે દર્શનનો સમય બપોર પછી ર થી ૬ કલાક દરમિયાન રખાશે. ગુરૂવંદના કાર્યક્રમ શનીવારે સવારે ૯ થી ૧ર કલાક દરમિયાન યોજાશે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : પ.પૂ. સંત શ્રી સીતારામજીબાપુની નિશ્રામાં શિવકુંજ આશ્ર અધેવાડા ભાવનગર મુકામે ગુરૂપૂર્ણિમા ઉત્સવ સાદગીપૂર્ણ રીતે ઉજવાશે. જેમાં પ.પૂ. સંત શ્રી સીતારામબાપુના આશિર્વાદ તથા ગુરૂમહિમા સંદેશ યુ-ટયુબ અને ફેસબુકના માધ્યમથી ઘરે બેઠા લાઇવ પ્રાપ્ત થશે.

આશ્રમ ખાતે ગુરૂપૂજન તથા સત્સંગ રહેશે. કોરોનાની પરિસ્થિતિ ધ્યાનમાં લઇને સરકારશ્રીની ગાઇડ-લાઇન મુજબ કાર્યક્રમ રહેશે. મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવેલ નથી.

જસદણ

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ :.. ગુરૂને વંદના કરવાનો દિવસ આવી રહ્યો છે ત્યારે જસદણ પંથકમાં ઠેરઠેર ગુરૂપુર્ણીમાં મહોત્સ્વ ઉજવાશે જસદણ શહેર અને આ તાલુકામાં ગુરૂપૂર્ણીમા નિમિતે સરકારી ગાઇડ લાઇન અનુસાર માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ સાથે કાર્યક્રમ યોજાશે. દરમિયાન સામાજિક યુવા કાર્યકર પટેલ હરીભાઇ વેલજીભાઇ હિરપરા (મો. ૯૭ર૩૪ ૯૯ર૧૧) એ જસદણ પંથકના લોકોને ગુરૂપુર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે જસદણ પંથકમાં ગુરૂપુર્ણીમા મહોત્સવ આન બાન શાનથી ઉજવાય ભાવિકો ગુરૂને હૃદયપૂર્વક વંદન કરે છે પણ આ વર્ષે કોરોનાના રંગને કારણે થોડી ઝાંખપ લાગી છે. પણ ગુરૂને વંદન કરવાનો લોકોનો રંગ બરકરાર રહ્યો છે. તેમણે છેલ્લે પણ આ અવસરની નાગરીકોને શુભેચ્છા પાઠવી હતી.

ભાવનગર

ગુરૂપૂર્ણીમા પર્વ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળીયા ખાતે સાદગીથી પૂજન વંદના કાર્યક્રમ થશે. કોરોના બિમારી સંદર્ભે સરકારની માર્ગદર્શિકા મુજબ ગુરૂપુર્ણીમાનું આયોજન શ્રી શિવકુંજ આશ્રમ જાળીયા ખાતે કરાયું છે. શ્રી વિશ્વાનંદમયી માતાજીના માર્ગદર્શન સાથે ગુરૂ પૂજન વંદના કાર્યક્રમ સાદગી સાથે યોજાશે.

શાસ્ત્રોકત રીતે આજે સવારથી કાલે સવાર સુધી ગુરૂપૂનમ

રાજકોટ, તા. ૨૩ :. શાસ્ત્રોકત રીતે આજે શુક્રવારથી કાલે શનિવાર સવાર સુધી ગુરૂપૂનમ પર્વ મનાવાય રહ્યો છે.

અષાઢ સુદ ચૌદશને તારીખ ૨૩ને શુક્રવારે ચૌદશની તિથિ સવારે ૧૦.૪૫ કલાક સુધી છે અને ત્યાર બાદ પૂનમની તિથિ બેસી જશે. જ્યારે શનિવારે ૨૪મીએ સવારે ૮.૦૯ સુધી પૂનમની તિથિ છે. આથી બધા જ પંચાંગમાં ગુરૂપૂર્ણિમા શુક્રવારે જ મનાવાશે. ગુરૂનું ઋણ અદા કરવાનો અવસર શહેરના મોટા મંદિરો, ધાર્મિક સંસ્થાઓમાં મનાવાશે.

આ દિવસે ભાવિકો પોતાના ગુરૂનું પૂજન કરે છે. શહેરની જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ આ દિવસે ગુરૂપૂર્ણિમા મહોત્સવ પણ ઉજવે છે. કેટલીક ધાર્મિક સંસ્થાઓ અને મંદિરો શુક્રવારે તો કેટલાક શનિવારે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરશે. મોટાભાગે સંસ્થાઓ ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઓનલાઈન ઉજવણી કરશે.

(11:07 am IST)