Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

જ્યારે ઘરથી વિખૂટા પડેલા ૩ વર્ષના માસૂમ ગોવિંદને નિહાળી તેના શ્રમિક મા-બાપના આંખમાં શ્રાવણ ભાદરવો ઉમટયા

મુન્દ્રાના દુર્ગમ વિસ્તારમાં ઝૂપડપટ્ટીમાં રહેતા બાળકને જન સેવા સંસ્થાએ મા બાપ સુધી પહોંચતો કર્યો, પત્રકાર અને યુવા સામાજિક કાર્યકર રાજ સંઘવીએ અત્યાર સુધી ગુમ થયેલા ૧૩ બાળકોને પરિવાર સુધી પહોંચાડયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : ત્રણ વર્ષનો માસૂમ બાળક રમત રમતમાં પોતાના પરિવારથી વિખૂટો પડી જાય તો શું થાય? માનવ તસ્કરી અને બાળ અપહરણના આ વર્તમાન સમયમાં માસૂમ બાળકના ગુમ થવાનો બનાવ કોઈ પણ પરિવારના મનમાં અનેક શંકા કુશંકા સર્જી શકે છે. પરંતુ આવા સમયમાં પણ રણમાં મીઠી વીરડી જેવી સંસ્થાઓ અને સામાજિક કાર્યકરોમાં માનવતા મહેકે છે. વાત મુન્દ્રાના દુર્ગમ ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી ગુમ થયેલા એક શ્રમિક પરિવારના બાળકની અને તેના પરિવારની પીડા તેમ જ દુઃખની છે. મુન્દ્રા તાલુકા પંચાયત થી થોડેક દૂર એક બાળક તેના પરિવાર થી ગુમ થયેલો છે એવો ફોન મુન્દ્રા ના દામજી ભાઈ દનીચા નો જન સેવા સંસ્થા ની હેલ્પ લાઈન પર આવ્યો હતો. આ ફોન આવતાં જ જન સેવાના રાજ સંઘવી તરત જ તાલુકા પંચાયત નજીક એ બાળક પાસે પહોંચી ગયા હતા. આઘાત પામેલો ત્રણ વર્ષનો એ બાળક બોલી શકવા સક્ષમ નહોતો પણ તેને ધીરે ધીરે આશ્વાસન આપી રાજ સંઘવીએ તેનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ આ બાળક અંગે જાણ કરનાર સેવાભાવી સજજન દામજી દનિચા અને અન્ય બે યુવાનો સાથે રાજ સંઘવી એ બાળક જે તરફ ઈશારો કરતો હતો એ તરફ આગળ વધી તેને શ્રમજીવી વસાહત લઈ ગયા હતા. જોકે, ઘણું ફર્યા પછી છેલ્લે બાપા સીતારામ નગર નજીક આવેલ એક ઝુંપડપટ્ટીની વસાહતમાં એ બાળકે હાથથી ઈશારો કરી જણાવતા તેને તેના ઝૂપડા સુધી પહોંચતો કર્યો હતો. પોતાના ગુમ થયેલા બાળકને શોધવા ભારે મથામણ કરનાર મા બાપે જયારે પોતાના પુત્રને જોયો એ સાથે જ એમની આંખમાં શ્રાવણ ભાદરવો વરસ્યા હતા.

એક શ્રમજીવી પરિવારના બાળક અને તેના માતા પિતાની ખુશી નિહાળી સૌની આંખો ભીની થઈ હતી. જન સેવા ના રાજ સંઘવીએ ગુમ થયેલા બાળકના પિતાનું નામ નરેશ તેમજ એ બાળકનું નામ ગોવિંદ હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે મુન્દ્રા પીઆઈ મિતેષ ભાઈ બારોટનું ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે તેમણે પોલીસની મદદ માટે તરત જ વાહન મોકલવા તૈયારી દર્શાવી હતી. નોંધનીય બાબત એ છે કે, પત્રકાર અને યુવા સામાજિક કાર્યકર રાજ સંઘવીએ જન સેવા સંસ્થાના માધ્યમ દ્વારા મુન્દ્રા પોલીસ અને સોશિયલ મીડિયા ના સહયોગથી ૧૩ જેટલાં ગુમ થયેલા બાળકોનું ફરી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે.

(10:52 am IST)