Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ધારાસભ્યો,મંત્રીઓ,સરકારી અધિકારીઓને અપાતી પગાર સહિતની સવલતો મુદ્દે ફેરવિચારણા જરૂરી

નિયમ અને ધારાધોરણોમાં સુધારાની તાતી આવશ્યકતા : જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયાનો આક્રોશ

જસદણ તા.૨૩ : જસદણનાં પૂર્વ ધારાસભ્ય અને ભીખાભાઇ બાંભણીયાએ કર્મચારીઓની નિવૃતિ વયમર્યાદા વધારવા અંગે ચાલી રહેલી સરકારી હિલચાલ સામે આક્રોશ  વ્યકત કરીને સરકારી નોકરીયાતો માટેના નિયમ અને ધારાધોરણોમાં સુધારાની તાતી આવશ્યકતા હોવાનું જણાવ્યું હતુ.

ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું કે, કર્મચારીઓની નિવૃતિ વયમર્યાદા વધારવા અંગે સરકાર વિચારણા કરી રહી હોવાના અહેવાલો સમુહ માધ્યમોમાં પ્રકાશીત પ્રસારીત થઇ રહ્યા છે પરંતુ આવી વિચારણા કોઇપણ સંજોગોમાં યોગ્ય નથી. હાલમાં સમાજમાં એન્જિનિયર ગ્રેજયુએશન કે ડબલ ગ્રેજયુએશનની ડીગ્રી ધરાવતા હજારો યુવાનો બેકારીનો સામનો કરી રહ્યા છે અથવા તો સામાન્ય પગારમાં ખાનગી કંપનીઓમાં ૧૨-૧૨ કલાક કામગીરી કરી રહ્યા છે. આ સંજોગોમાં જો નિવૃતિ વયમર્યાદા વધારવામાં આવે તો જે તે જગ્યાઓ ખાલી થવાનો કોઇ પ્રશ્ન રહેતો નથી અને ખરા અર્થમાં લાયકાત ધરાવતા યુવાનોને નોકરીનો લાભ મળવાનો નથી. સરકારની આ પ્રકારની હિલચાલ શિક્ષિત બેકારોની સંખ્યામાં વધારો કરનારી બની રહેશે.

આ ઉપરાંત સરકારી કર્મચારીઓને અપાતા પગાર ધોરણમાં પણ અમુક રકમ સુધીની મર્યાદા નકકી કરવાની બાબત પર ભાર મૂકતા શ્રી બાંભણીયાએ વિશેષમાં જણાવ્યું હતુ કે, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો કે મંત્રીઓને અપાતી પગાર સહિતની સવલતો અંગે ફેર વિચારણા કરવાની જરૂરીયાત છે. સરકારી નોકરીયાતોને દર વર્ષે અપાતા ઇજાફા સમયે સમયે વધારાતા મોંઘવારી ભથ્થાઓ, ટીએડીએ ઓવરટાઇમ, પગારપંચ, વાહનવ્યવસ્થા, વધારાની રજાઓ, ચાલુ પગારે અપાતી અન્ય રજાઓ, ડીલેવરી સમયે ચાલુ પગારે અપાતી રજાઓ પેન્શન વગેરે અંતે તો પ્રજાના પૈસામાંથી જ આપવામાં આવે છે ત્યારે આ અંગે નીતી વિષયક નિર્ણય કરી કાપ મુકવાની અનિવાર્યતા છે.

કેટલાક સરકારી વિભાગોમાં નોકરી દરમિયાન પરિવાર સાથે રહેવાની ખૂબ ઓછી તક ઉપલબ્ધ હોય છે. ત્યારે કર્મચારી પાછલી જિંદગીમાં કુટુંબ સાથે રહી શકે તે હેતુથી પણ સમય પુરો થયે કર્મચારીઓને નિવૃત કરી દેવા જોઇએ. મોંઘવારી કે અન્ય ખર્ચ એકલા સરકારી કર્મચારીઓ પદાધિકારીઓ હોદ્દેદારો કે ધારાસભ્યો અને મંત્રીઓ જ નડે છે એવુ નથી સામાન્ય માણસને મોંઘવારીનો સામનો કરવો પડે છે ત્યારે સરકારે નિતી વિષયક નિર્ણય લઇ આ સંદર્ભે તાકીદે ફેરફાર કરવો જોઇએ તેમ ભીખાભાઇ બાંભણીયાએ નિવેદનના અંતે ઉમેર્યુ હતુ.

(11:45 am IST)