Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ભીચરી (અમીરગઢ) ગામે કાનુની સતા મંડળ દ્વારા અમૃતમ વાત્સલ્ય કાર્ડનો કેમ્પ યોજાયો

રાજકોટ તા. ૨૩ :ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તામંડળના ઉપક્રમે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા સમાજના વિવિધ વર્ગના લોકોને સરકારી યોજનાનો લાભ મેળવવામાં મદદરૂપ થવામાં આવે છે. તથા વિવિધ યોજનાઓ અંગે જરૂરી માહિતી મેળવી જરૂરીયાતવાળા સ્થળે કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

આ સંદર્ભે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ , રાજકોટ દ્વારા ચેરમેન તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કુ. ગીતા ગોપીના માર્ગદર્શન હેઠળ તા. ૨૧.૦૭.૨૦૧૯ના રોજ રાજકોટ તાલુકાના ભીચરી (અમરગઢ) ગામે ''મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય'' કાર્ડ અંગેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ.  આ કેમ્પ કરતાં અગાઉ જિલ્લા કાનુની સેવા સતા મંડળના પેરા લીગલ વોલન્ટીયર્સ-કુ. ધારા મુલસા તથા કુ. આશા ચૌહાણ દ્વારા ભીચરી (અમરગઢ) ગામે સરપંચ , તલાટી તથા ગ્રામપંચાયત ના સભ્યોની મદદથી ગામના લોકોને  પાંચ થી છ વખત મળી તેમના દસ્તાવેજો જો તે કચેરી પાસેથી મેળવવામાં મદદરૂપ થઇ 'મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય' કાર્ડ મેળવવાપાત્ર થતા હોય તેઓના ફોર્મ ભરી દસ્તાવેજો  એકત્ર કરવામાં આવેલ.

આ તમામ દસ્તાવેજો સાથેના ફોર્મ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટમાં જમા કરાવવામાં આવેલ. ત્યારબાદ જિલ્લા કાનુની સેવા સતા મંડળ , રાજકોટ દ્વારા  જિલ્લા પંચાયત , રાજકોટનો કેમ્પના આયોજન  અંગે સંપર્ક કરવામાં આવેલ. અને સદરહું કેમ્પનું આયોજન કરવા માટે જિલ્લા પંચાયત , રાજકોટ દ્વારા  તા. ૨૧.૦૭.૨૦૧૯ના રોજની નક્કી કરવામાં આવેલ.  જેથી જિલ્લા કાનૂની સેવા  સતા મંડળ , રાજકોટના પેરા લીગલ વોલન્ટીયર્સ દ્વારા  ગામના ગ્રામજનોએ અગાઉથી જાણ કરી જીલ્લા પંચાયત , રાજકોટના ડી.પી. સિંઘ, ડિસ્ટ્રીકટ કવોલીટી એસ્યોરન્સ ઓફિસર તથા નિખિલભાઇ જાદવ , ડી.પી.સી. ના ઉત્સાહપૂર્વકના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવેલ. સદરહું કેમ્પમાં  જિલ્લા કાનુની સેવા સતામંડળના સેક્રેટરી  એચ.વી. જોટાણીયા, પેરા લીગલ વોલન્ટીયર્સ તથા કાર્ડ ઓપરેટર હાર્દિકભાઇ હાજર રહેલ હતા. સદરહું કેમ્પમાં ગામના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અને કુલ-૫૯ મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવેલી હતી. જેનો કુલ -૨૪૫ વ્યકિતઓને લાભ મળવાપાત્ર થશે.

વધુમાં જે કોઇપણ વ્યકિતને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડ મળવાપાત્ર હોય તેમણે આ અંગેનું ફોર્મ જિલ્લા કાનુની સેવા સતા મંડળ, એ.આર.ડી. ભવન , પ્રથમ માળ , ડીસ્ટ્રીકટ કોર્ટ કમ્પાઉન્ડ, રાજકોટ ખાતેથી મેઇવી લેવુ. સદરહું કાર્ડ મેળવવા માટે જેમની વાર્ષિક આવક રૂ. ૪,૦૦,૦૦૦/- સુધીની હોય અને સિનિયર સિટિઝનની આવક વાર્ષિક રૂ. ૬,૦૦,૦૦૦/- સુધીની હોય તેમને જ મળવાપાત્ર થાય છે. સદરહું કાર્ડ મેળવવા માટે (૧) આવકનો દાખલો(ચાલુ વર્ષનો) (સિટી/તાલુકા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રીની કચેરીમાંથી) (૨) ઓળખના પુરાવા માટે ચુંટણી કાર્ડ/ આધાર કાર્ડ (૩) રેશનકાર્ડ- ઝેરોક્ષ નકલ ફોર્મ સાથે રજુ કરવાની રહે તથા અસલ દસ્તાવેજી પુરાવા કેમ્પમાં સાથે લાવવા જરૂરી છે અને કેમ્પના આયોજનની તારીખ નક્કી થાય એટલે કેમ્પના દિવસે પરિવારના તમામ સભ્યો (રેશનકાર્ડ મુજબના તમામ- વધુમા વધુ પાંચ) ને કેમ્પમાં સાથે લાવવા જરૂરી છે.

આથી જાહેર જનતાને 'મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડ ' કઢાવવા માટે જિલ્લા કાનૂની સેવા સતા મંડળ , એ.ડી.આર. ભવન ,પ્રથમ માળ, ડીસ્ટ્રીકટ કોર્ટ કમ્પાઉન્ડ, રાજકોટનો સંપર્ક કરવા જણાવેલ છે.

(11:43 am IST)