Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ગીરનાર સ્પર્ધામાં ૨૩૪૨ યુવક તેમજ યુવતી જોડાયા

વિધાનસભામાં માહિતી અપાઈ

અમદાવાદ,તા.૨૨ : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું છે કે રાજ્યના યુવાનોમાં સાહસિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય તથા રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે પ્રતિવર્ષ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાય છે જેમાં છેલ્લા બે વર્ષમાં ૨૩૪૨ યુવક-યુવતીઓએ ભાગ લીધો છે આ માટે ૨૬.૫૮ લાખનો ખર્ચ કરાયો છે. વિધાનસભા ખાતે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ગ્રાન્ટ ફાળવણીના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઉમેર્યું કે, આ સ્પર્ધા ૧૯૭૧માં શરૂ થઈ હતી અને આજે રાજ્ય-રાષ્ટ્રકક્ષાએ બે સ્પર્ધા યોજાય છે. રાજ્યકક્ષાની સ્પર્ધા જાન્યુઆરીમાં અને રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા ફેબ્રુઆરીમાં યોજાય છે જેમાં વિવિધ રાજ્યના યુવક-યુવતીઓ ભાગ લેતા હોય છે જે માટે યોગ્ય પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. જિલ્લા રમતગમત અધિકારી દ્વારા અરજીઓ એકત્ર કરીને ગિરનાર ખાતેના પર્વતારોહણ કેન્દ્ર ખાતે મંગાવીને સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વિજેતાને ૫૭૫૦નું ઇનામ અપાય છે એ જ રીતે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ રૂપિયા એક લાખથી વધુ રકમના ઇનામોનું વિતરણ કરવામાં આવે છે આ સ્પર્ધાના આયોજન માં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ એનસીસી, એનએસએસના યુવાનોનો પણ વ્યાપક સહયોગ સાંપડે છે. સાથે-સાથે સલામતી માટે પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે સ્પર્ધાના દિવસે સામાન્ય નાગરિકો માટે ગિરનાર પર્વત પર પ્રવેશ બંધ કરવામાં આવે છે.

(9:20 pm IST)