Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ : ખેડૂતોમાં ખુશી

ગીર સોમનાથમાં ચાર ઇંચ સુધીનો વરસાદ થયો : પોરબંદર, જેતપુર, પંચમહાલ, છોટાઉદેપુર સહિત તમામ વિસ્તારોમાં વરસાદ : ભારે વરસાદની ફરીવાર ચેતવણી

અમદાવાદ, તા. ૨૨ : ગુજરાતમાં જુદા જુદા ભાગોમાં આજે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ચાર ઇંચ સુધીનો વરસાદ પડી ગયો હતો. ગીરસોમનાથમાં બે કલાકના ગાળામાં જ ચાર ઇંચ સુધીનો વરસાદ પડી જતાં અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જેતપુર, પોરબંદર, અમરેલી, રાજકોટ, જુનાગઢમાં પણ ભારે વરસાદ થયો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ થયો હતો. ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક સ્થળોએ હળવા ઝાપટા પડ્યા હતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની ચેતવણી પણ હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રના ગીરસોમનાથમાં સૌથી વધુ ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. પંચમહાલ, છોટાઉદેપુર, બગસરા, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારે વરસાદ થયો હતો. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉલ્લેખનીય વરસાદ થયો હતો. અમદાવાદ શહેરમાં પણ વરસાદ પડ્યો હતો. ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર ઉપર અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે જેથી વરસાદી માહોલ હાલમાં અકબંધ રહી શકે છે. ઉત્તર ગુજરાત પ્રદેશ અને ખાસ કરીને આણંદ, ખેડા, પંચમહાલ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદ થયો છે.  ગીરસોમનાથમાં સૌથી વધુ વરસાદ થયો છે. મોર્નિંગ સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર ઉપર પ્રવર્તી રહી છે અને આ સ્થિતિ આગળ વધતાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે. મધ્યમથી હળવા વરસાદી ઝાપટા સાબરકાંઠા અને બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ અને પંચમહાલ પણ જારી રહી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, કચ્છમાં પણ વરસાદી ઝાપટાની સંભાવના દર્શાવવામાં આવી છે. આજે સૌથી વધારે વરસાદ લિલિયા અને લાઠીમાં થયો હતો. ધાર્મિક વિસ્તાર ગણાતા શામળાજી, ખેડબ્રહ્મા અને અંબાજીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ તમામ જગ્યાઓએ દર્શન કરવા માટે દરરોજ પહોંચે છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો છે. રાજકોટમાં વિજળી પડતાં એકનું મોત થયું હોવાના અહેવાલ મળ્યા છે. વરસાદના લીધે ચેકડેમમાં નવી આવક થઇ છે. જામનગરના કાલાવાડમાં પણ ધોધમાર વરસાદ થયો છે. રાજકોટમાં ભારે વરસાદના કારણે કેટલાક વાહનો તણાઈ ગયા હતા. ગુજરાતમાં અપેક્ષા મુજબનો વરસાદ મોનસુનની સિઝનમાં હજુ પણ નોંધાયો નથી. રાજ્યમાં ઓછા વરસાદનો આંકડો અથવા તો રેઇન ડેફિસિટનો આંકડો ૪૪ ટકા રહ્યો છે. ૧૮મી જુલાઈ સુધીમાં સામાન્યરીતે ગુજરાતમાં ૨૬૧.૨ મીમી સુધીનો વરસાદ થઇ જાય છે પરંતુ હજુ સુધી માત્ર ૧૪૫.૭ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. હાલમાં ભારે વરસાદ થયો હોવા છતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધારે માઠી અસર થઇ છે. અહીં ઓછો વરસાદનો આંકડો ૬૩ ટકા સુધીનો રહ્યો છે. સામાન્યરીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં મોનસુનની સ્થિતિ ઉલ્લેખનીયરીતે રહે છે એ વખતે ગુજરાતમાં મોટાભાગનો વરસાદ થાય છે. આઈએમડીના અધિકારીઓના કહેવા મુજબ મોનસુનની સ્થિતિ ખુબ જટિલ બની ચુકી છે. વરિષ્ઠ અધિકારીઓના કહેવા મુજબ ગુજરાતમાં વરસાદ સામાન્યરીતે બંગાળના અખાતમાં ઉભેલી સ્થિતિ સાથે શરૂ થાય છે.

સૌરાષ્ટ્રમાં વરસાદ.....

*   સૌરાષ્ટ્રભરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો

*   ગીરસોમનાથમાં બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ

*   જુનાગઢ, જેતપુર, પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો

*   પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ વરસાદ

*   સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી અકબંધ રખાઈ

*   ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર ઉપર અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ સર્જાઈ ગઈ

*   ગીર સોમનાથમાં વધુ વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી

*   ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ હોવાથી તંત્રની પણ પરિસ્થિતિ પર ચાંપતી નજર

(8:44 pm IST)