Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર નજીકના ખિલાવડ રેવન્યુ વિસ્‍તારમાંથી પ્લાસ્ટીકની થેલીમાં સિંહબાળનો મૃતદેહ મળ્યોઃ હત્યા થયાની આશંકા

ગીર-સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ખિલાવડ રેવન્યુ વિસ્‍તારમાંથી ૨ મહિનાના સિંહબાળનો મૃતદેહ પ્લાસ્ટીકની થેલીમાંથી મળતા ચકચાર જાગી છે. સિંહબાળની હત્યા કરવામાં આવી છે કે અન્ય કારણથી મોત થયું છે તે અંગે વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે.

એશિયાટીક સિંહનું એક માત્ર રહેઠાણ માત્ર ગુજરાતમાં છે. આ જંગલ લગભગ કુલ ૧,૪૧૨ ચો.કી.મી. (૨૫૮ ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧,૧૫૩ ચો.કી.મી. અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલું છે. લોકો દેશ-વિદેશથી સિંહ દર્શન માટે અહીં આવે છે. સિંહ અને જંગલના અન્ય વન્ય પ્રાણીઓનું રક્ષણ રાજ્યનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરે છે. તો પણ કેટલાક લેભાગુ તત્વો દ્વારા ગેરકાયદે સિંહ દર્શનની પ્રવૃતિ થયાની અને પજવણીના વીડિયો સામે આવતા હોય છે. પરંતુ આજે એક સિંહ બાળનો શંકાસ્પદ મૃતદેહ મળવાની ઘટના સામે આવી છે.

જંગલખાતાના માણસો રાઉન્ડ પર હતા ત્યારે એક પ્લાસ્ટિકની થેલીમાં સિંહ બાળ હોય તેવું દેખાતા, ફોરેસ્ટ કર્મચારીઓએ તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીમાંથી 2 મહિનાનું સિંહ બાળ મળી આવ્યું છે. જે રીતે પ્લાસ્ટિકની થેલીમાંથી મૃતદેહ મળ્યો છે, તે જોતા પ્રાથમિક તારણ મુજબ સિંહ બાળની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલમાં જંગલખાતાના અધિકારીઓ દ્વારા સિંહ બાળના મૃતદેહને પોસ્ટ માર્ટમ માટે જસાધાર ખસેડવામાં આવ્યો છે. હવે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે, સિંહ બાળના મોતનું સાચુ કારણ શું છે.

ઉલ્લેખનીય છે કે, સાસણમાં સિંહ દર્શન કરવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં દર વર્ષે વધારો થતો જાય છે. આ સાથે જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરાવવાની પ્રવૃત્તિ પણ ખુબ વધી રહી છે. કેટલાક સ્થાનિક લોકો થોડા પૈસાની લાલચે સિંહ દર્શન કરાવવા ગેરકાયદે પશુનું મારણ કરાવી લોકોને સિંહનો લાઈવ શિકાર પણ બતાવતા હોય છે. કેટલીક વાર વાહનમાં બેસી સિંહની પજવણીની ઘટનાઓ પણ સામે આવી છે. જંગલ, સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓની સુરક્ષાની જવાબદારી ફોરેસ્ટ ખાતાના અંતર્ગત આવે છે, પરંતુ વારંવાર આવી અનેક ઘટના સામે આવતા જંગલખાતાની બેદરકારી છાપરે ચઢી પોકારી રહી છે.

(8:15 pm IST)