Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

રાજુલાના હિંડોરણા પાસેનો ધાતરવડી નદી ઉપરનો પુલ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં

 રાજુલા, તા. ર૩ : હિંડોરણા ગામ પાસે ધાતરડી નદી ઉપર આજથી લગભગ ૩પ વર્ષ પહેલા તત્કાલીન ધારાસભ્ય જસવંત મહેતાના પ્રયાસોથી આશરે ૯૦ મીટર જેટલી લંબાઇમાં અને પચ્ચીસેક મીટર જેટલી ઉંચાઇમાં બન્યો હતો તે વખતે રાજુલાથી ઉના-સોમનાથ જવા માટે આ રોડ ઉપર ટ્રાફીકનું ભારણ એકદમ ઓછું હતું.

આ પુલ પરથી આજુબાજુ સ્થાપેલી મહાકાય કંપનીઓમાં માલ-સામાન ભરી લઇ જવા લાવવા માટે ૧૮ વ્હીલરના મોટા ટ્રકો, નાના ટ્રકો, ટ્રેકટરો, એસ.ટી. બસો, પ્રા. વાહનો સેંકડોની સંખ્યામાં આવન-જાવન કરે છે મોટાભાગના વાહનો ઓવરલોડ હોય છે પરિણામે આ પુલની હાલત દિન-પ્રતિદિન નબળી પડી રહી છે.

છાશવારે અહીં આ પુલ ઉપર મોટામસ ગાબડાઓ પડતા હોય કલાકો સુધી બન્ને બાજુનો માર્ગ વ્યવહાર ઠપ્પ થઇ જાય છે. સેંકડોની સંખ્યામાં વાહનો થંભી જાય છે. વહીવટી તંત્ર દ્વારા આ કાયમી સમસ્યાનું કોઇ નિરાકરણ કરામાં નથી આવતુ માત્રને માત્ર ઠાગડ-ઠીંગડ કરી માર્ગને પુનઃ કાર્યરત કરવામાં આવી રહ્યો છે.

રાજુલના ધારાસભ્ય અંબરીષ ડેર અને માજી ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂએ આ પુલ અંગે એવું કહ્યું હતું કે ભારેખમ વાહનો આ જર્જરીત ડેમ ઉપરથી રોજના સેંકડોની સંખ્યામાં લોડીંગ વાહનો પસાર થતા હોય આ પુલ અત્યારના આ ભારે વરસાદથી એકદમ જર્જરીત થઇ ગયો છે. આટલુ જ નહિ બલ્કે આ પુલ ગમે ત્યારે ધરાશાયી થાય તેવો ભય ઉભો થયો છે. પૂર્વ અને વર્તમાન ધારાસભ્યશ્રીઓએ આ મુલ નેશનલ ઓથોરેટીના અંડરમાં આવે છે તેમના અધિકારીઓને તથા સરકારી ઉચ્ચ અધિકારીઓને આ પુલને સત્વરે મજબૂત બનાવવા માટેની રજુઆતો કરી છે. અંબરીષ ડેરે સરકારશ્રીમાં પણ આ પુલને અત્યારે નેશનલ હાઇવે ૮ જે ફોર સ્ટ્રેક રોડમાં રૂપાંતીત થઇ રહ્યો છે તેમાં આ પુલના કામને પ્રાધાન્ય આપવા માટેની ઉચ્ચસ્તરે રજૂઆતો કરી છે.

નેશનલ હાઇવે ઓથોરેટીનો સંપર્ક સાધતા તેમણે એવા જવાબ આપ્યો હતો કે આ બાબતે અમે કશું જ કરી ન શકીએ. રાજુલા આર એન્ડ બી ના ઇજનેરનો સંપર્ક સાધતા તેમણે પણ એવો જવાબ આપ્યો હતો કે આ માર્ગ મારા અન્ડરમાં નથી આવતો આવી ખો-ખો રમી રહેલા સરકારી તંત્રના પાપે જો આ પુલ તૂટી પડશે અને એમાં મોટી જાનહાની થશે તો કોની જવાબદારી રહેશે. (૮.૧૧)

(1:56 pm IST)