Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

જામનગરનાં જય ભીમવાસ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા રોષ

જામનગર તા.૨૩ : જામનગર બહુજન સમાજ પાર્ટીના શહેર પ્રમુખ મિલિન્દકુમાર આર.મકવાણાએ કમિશ્નરશ્રીને મહાનગરપાલીકાને પત્ર પાઠવીને જય ભીમવાસ નં.૧,૨,૩ માં વરસાદી પાણી તથા ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા માંગણી કરી છે.

શહેરમાંથી ગંદા પાણીના નિકાલ માટેની સૌથી મોટી કેનાલ જય ભીમવાસ નં.૧ (એ) તથા ૧, ૨ માંથી પસાર થાય છે. જે કેનાલ વર્ષોથી ખુલ્લી છે. આ કેનાલમાં વરસાદ દરમિયાન સમગ્ર શહેર અને ભીમવાસ નં.૧ (એ), ૧, ર તથા ૩ નુ પાણી ભળે છે. જેથી કેનાલ ઓવરફલો થઇ ભીમવાસના રહેણાંક વિસ્તારોમાં ફેલાય છે અને લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસી જાય છે. આ કેનાલ એક માસ થયે કહેવા માત્ર જ સાફ કરવામાં આવેલ. આ કેનાલનો અંદરનો કચરો સાફ બહાર કાઢતી વખતે ભીમવાસ નં.૧ અને ર તથા સ્વામીનારાયણનગરના ખૂણા પાસે, નવાગામ તરફ જતા રસ્તા પાસે કોર્પોરેશનની કામગીરીની બેદરકારી અને અણધડ કામગીરીને લીધે આ કેનાલમાં સુરક્ષીત ઇંટોની પાળી જેસીબી દ્વારા તોડી નાખવામાં આવેલ છે.

જય ભીમવાસ નં.૧(એ) તથા ૧,૨,૩ ની ભુગર્ભ ગટર કે સામાન્ય ગટરો આજદિન સુધી સાફ થયેલ ન હોય, પરિણામે આ વિસ્તારની ગટરોમાં કચરો ભરાયેલ હોય અને ગતરાત્રીના પડેલ ભારે વરસાદને લીધે વહેલી સવારના લોકોના ઘરમાં પાણી ઘુસવા લાગેલ અને સમગ્ર વિસ્તારમાં લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા અને ભીમવાસ નં.૧ થી ૩ના નિવાસીઓની હાલત બેટ જેવી થઇ ગયેલ હતી. જેથી લોકો સ્વયંભુ ભુગર્ભ ગટરના ઢાંકણા ખોલી પાણીનો નિકાલ કર્યો હતો. આ મુદ્દે તાકિદે યોગ્ય કરવા માંગ થઇ છે.

(12:10 pm IST)