Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

કચ્‍છનાં કંડલામાં છકડો રિક્ષામાંથી પટકાયેલ ૧૦ વર્ષના બાળક ઉપર બસ ફરી વળતા મોત

ભુજ તા. ૨૩ : કંડલા ઝીરો પોઇન્‍ટ પાસે સર્જાયેલા એક વિચિત્ર અકસ્‍માતમાં પિતાની સાથે છકડામાં ઘેર પરત ફરી રહેલા ૧૦ વર્ષના બાળકનું મોત નીપજયું હતું.

પોલીસના જણાવ્‍યા પ્રમાણે ગાંધીધામના ખોડિયારનગરમાં રહેતા મદનલાલ રેગર પોતાના ભાઈ રાજુરામ રેગર સાથે ગઈકાલે રવિવારે કંડલાની ગુજરી બજારમાં છકડો લઈને પાપડ વેંચવા ગયા હતા. પરત વળતી વખતે ઝીરો પોઇન્‍ટ પાસે રસ્‍તો ચીકણો હોઈ તેમનો છકડો સ્‍લીપ થઇ ગયો હતો, અને છકડામાં બેઠેલો ૧૦ વર્ષનો બાળક લક્ષમણ મદનલાલ રેગર બહાર ફેંકાઈ ગયો હતો તે જ ટાઈમે ત્‍યાંથી પસાર થતી ખાનગી કંપનીની સ્‍ટાફ બસ બાળકના માથા ઉપરથી ફરી વળતા આ માસુમનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. જોકે વધુ મુશ્‍કેલી ત્‍યારે થઈ કે ખોડીયારનગર માં પાણી ભરાયેલા હોઈ બાળકની લાશ ઘેર પહોંચી શકે તેમ નહોતી. આ સમયે પત્રકારોએ ધારાસભ્‍ય માલતીબેન મહેશ્વરી નું ધ્‍યાન દોરતા તેમને૫ તાત્‍કાલિક નગરપાલિકાને કહી વેક્‍યુમથી પાણી ખાલી કરાવ્‍યું હતું. અંતે લાશ ઘેર પહોંચી હતી.  દરમ્‍યાન આ ઘટના બાદ કંડલા ગાંધીધામ ના જાહેર માર્ગો ઉપર ઢોળાતા કેમિકલ ના કારણે ચીકણા રસતાઓ અકસ્‍માત સર્જતાં હોવાનો અને થોડા વરસાદ બાદ પણ ગાંધીધામના અનેક વિસ્‍તારો માં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાનો મુદ્દો સામે આવ્‍યો છે. તંત્રએ આ સમસ્‍યા તરફ ધ્‍યાન આપવું જોઈએ એવી લોકોની લાગણી છે.

(11:52 am IST)