Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

૩૬,૦૦,૦૦૦ની ચોરીની માહિતી આપે તેને ૫,૦૦,૦૦૦નું ઇનામ

વાંકાનેર પેલેસમાં ગુરૂવારે થયેલી ચોરીનો આંકડો વધીને હવે છેક ૩૬ લાખે પહોંચ્યો એટલે યુવરાજે જાહેર કર્યુ ઇનામઃ ચોરીમાં લિંકન હાઉસની ૪૦ કિલો ચાંદીની બનેલી પ્રતિકૃતિ પણ ચોરાઇ ગઇ

રાજકોટ તા ૨૩ : દેશભરમૉ જાણીતા અને અનેક ફિલ્મોમાં યુઝ થયેલા વાંકાનેરના રણજિતવિલાસ પેલેસમાં ગુરૂવારે થયેલી ચોરીમાં પ્રથમદર્શી પાંચ લાખની ચોરી થઇ હોવાની ખબર પડી હતી, પણ પછી તપાસ કરતા ગઇકાલે ખબર પડી કે પેલેસમાંથી કુલ ૩૬ લાખ રૂપિયાની ચોરી થઇ છે. ચોરી થયેલી આ તમામ ચીજ વસ્તુઓએન્ટિક યાદીમાં આવે છે એટલે એની એ રીતે બજાર કિંમત કરોડો રૂપિયામાં થાય છે. આ ચોરીની માહીતી આપનારને પેલેસ તરફથી પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહ ઝાલાએ કહ્યું હતુ કે ' ચીજવસ્તુઓ કરતા રાજપેલેસમાં આ ચોરી થાય એ શરમની વાત છે. જાણકાર જ આ કામ કરી શકે. ફિલ્મ માટે પણ પેલેસ ભાડે અપાતો હોવાથી પેલેસના જાણકાર ઘણા હોઇ શકે છે. કોઇ એક પર શંકા કરી ન શકાય'

રણજિતવિલાસ પેલેસના ગ્રાઉન્ડ ફલોરના ભાગમાં આવેલી બારીના કાચ તોડીને ચોર પેલેસમાં આવ્યા હતા. તેમણે ત્રીસ કીલો વજન ધરાવતી એક એવી બે ખુરશી, ગોલ્ડપ્લેટેડ વિકટોરીયન કલોક ચોરી હતી.. અમેરિકન કૌન્સિલે હમણાં જે જગ્યા વેચાઇ એ લિંકન હાઉસની જગ્યા પહેલાં વાંકાનેર રાજવીનો પેલેસ હતો. આ લિંકન હાઉસની ૪૦ કિલો વજનની પાંદીની પ્રતિકૃતિ પણ ચોર ચોરી ગયા. આ ઉપરાંત ચાંદીની નાની તોપ, મહિલાનું ચાર કિલો વજન ધરાવતું સ્ટચ્યું, પલંગના ચાંદીના ચાર પોલ, ચાંદીમાંથી બનાવવામાં આવેલા રાજા લખધિરસિંહજીનું સ્ટેચ્યું અને ચાંદીનો ઘોડો પણ ચોરાયા છે.

વાંકાનેર પોલીસનું કહેવું છે કે ચોરી કરનાર ટ્રક જેવા મોટા વાહન સાથે ચોરી કરવા  આવ્યા હશે.(૩.૨)

(10:18 am IST)