Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

રાજકોટ જિલ્લામાં પશુ સંવર્ધનની નોંધપાત્ર કામગીરી : દૂધ ઉત્પાદનમાં થયો વધારો

પશુપાલન વિભાગની યોજના દ્વારા ૭ કેટલ શેડની કામગીરી પૂર્ણ

ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના, રાજકોટ હેઠળ વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકા અને મોરબી જિલ્લાના ૫ તાલુકાઓમાં કુલ ૬૮ ઉપકેન્દ્રો  મંજુર થયેલ છે. રાજકોટ જિલ્લાની વર્ષ ૨૦૧૭-૧૮ ની ઘનિષ્ઠ પશુ સુધારણા અને પશુસંવર્ધનની વિવિધ કામગીરીથી માહિતગાર થઇએ.

કૃત્રિમ બીજદાનઃ આ કચેરી હેઠળ સરકારશ્રી દ્વારા હાલે 'શુધ્ધ સંવર્ધન'ની નીતિ અમલમાં હોઇ પશુપાલકોના ગાય વર્ગમાં ગીર તથા ભેંસ વર્ગમાં જાફરાબાદી ઓલાદના સીમેન ડોઝનો મહત્ત્।મ ઉપયોગ કરી ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાની કામગીરી કરવામાં આવે છે. કુલ ૬૪,૯૪૪ બીજદાન કરવામાં આવેલ અને ૧૦૨.૮૩ ટકા સિધ્ધી હાંસલ થયેલ છે.

કૃત્રિમ બીજદાનની કામગીરીથી કુલ ગીર ઓલાદમાં ૯૧૧૨ સંતતિ તથા જાફરાબાદી ઓલાદમાં ૧૨,૬૨૪ તથા સંકર ઓલાદમાં ૨૦૧૫ સંતતિનો જન્મ થયેલ. આમ, વર્ષ ૨૦૧૭-૧૮ માં કુલ ૨૩,૭૫૧ સંતતિ જન્મેલ તથા ગર્ભધારણમાં ૨૬,૧૧૪ સફળ ગર્ભ ધારણ થયેલ.

જાતિય આરોગ્ય સારવાર કેમ્પ :  કુલ ૧૯૮ કેમ્પોનું આયોજન કરેલ જેમાં ૨૧,૬૨૮ પશુઓને (૧૩૬.૫૪ ટકા સિધ્ધી) જાતિય રોગ નિદાન સારવાર કરેલ જેના પરિણામે પશુઓમાં દુધ ઉત્પાદનમાં વધારો થયો છે. તેમજ અન્ય રોગોથી પીડાતા પશુઓને સારવાર કરવાથી પશુઓની કાર્યક્ષમતા અને તંદુરસ્તીમાં વધારો થયો છે.

રસીકરણ : પશુઓને રોગચાળો આવે તે પહેલા રોગપ્રતિકારક રસી મુકવા માટે આગોતરૂ આયોજન કરી સમયબધ્ધ રીતે વર્ષ દરમિયાન ગળસૂંઢાની રસી ૭૮,૩૮૦ પશુઓમાં, ગાંઠીયો તાવની રસી ૫૮૫ પશુઓમાં, ખરવા મોવાસાની રસી ૨,૮૩,૩૯૯ પશુઓને તથા પી.પી.આર. ૩૯૯૬૬ મળી કુલ ૪૦૨૩૩૦ પશુઓને રસીકરણની કામગીરીમાં આવેલ હતી.

યોજનાકીય કામગીરીઃ વિસ્તરણની પ્રવૃતિ દ્વારા જિલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ અન્વયે જુદી જુદી પશુપાલન વિભાગની યોજના દ્વારા પશુ માટે ૭ કેટલશેડની કામગીરી પૂર્ણ કરી રૂ. ૪,૪૧ લાખની નાણાકીય સહાય આપવામાં આવેલ તેમજ ૧૦ પશુ માટે કેટલશેડની કામગીરી ૭ કેટલશેડની કામગીરી પૂર્ણ કરેલ જેમાં ૮,૭૫  લાખની નાણાકીય સહાય ચુકવવામાં આવેલ છે.

ખાસ અંગભૂત યોજના :  ૨ પશુ માટેના કેટલ શેડની કામગીરીમાં ૨૬ કેટલશેડ પૂર્ણ કરેલ જેમાં ૪,૮૦ લાખની નાણાકીય સહાય ચુકવેલ છે.

ઘાસચારા વિકાસ કાર્યક્રમ : પશુપાલકો સારી જાતના લીલાચારાનું ઉત્પાદન કરી શકે અને સારી જાતનું બિયારણ ઉપલબ્ધ થઇ શકે તે માટે અનુ.જાતિના ૧૨૫૦ પશુપાલકોને મકાઇ તથા ૧૨૫૦ પશુપાલકોને જુવારનું બિયારણ એમ કુલ ૨૫૦૦ ફ્રી બિયારણ મીનીકીટ ફાળવવામાં આવેલ છે.

ડેરી વિકાસ કાર્યક્રમઃ અનુ.જાતિના ૪ પશુપાલકોના ગાભણ પશુઓ માટે તથા ૧૨૧ જનરલ કેટેગરીના પશુપાલકોને અરજી મંજુર કરીને પ્રત્યેકને સમતોલ પશુદાણ ખરીદી સહાય પેટે રૂ.કુલ ૩,૬૬ લાખનું ચુકવણુ કરવામાં આવેલ છે.

પશુ વિકાસ અને પ્રોત્સાહન પ્રવૃતિઃ ૪૫ દૂધ ઉત્પાદન હરિફાઇ યોજવામાં આવી. પશુપાલન વિસ્તરણ ઝુંબેશમાં વર્ષ દરમ્યાન ૮૦૩ જુથસભામાં કુલ ૧૮,૨૭૫ પશુપાલકોને તાંત્રિક માહિતીનું માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.

પશુધન મોજણી કાર્યક્રમઃ વર્ષ દરમ્યાન ઉનાળુ, ચોમાસુ તથા શિયાળુ ઋતુ સહિત સ્મોલ સેમ્પલના ૬૦ ગામો તથા લાર્જ સેમ્પલના ૧૮૯ ગામોની જુદી જુદી એજન્સીઓ મારફતે એમ કુલ ૨૪૯ ગામોની સંકલિત નમૂનાની મોજણી કરવામાં આવેલ છે.

રાજયના શ્રેષ્ઠ પશુપાલક  માટેની યોજનાઃ રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાના કુલ ૨૨ પશુપાલકોને પ્રથમ, દ્વિતિય એવોર્ડની કુલ રકમ રૂ.૮૮,૦૦૦ એવોર્ડ રૂપે ચુકવવામાં આવેલ છે. ચાલુ વર્ષે અત્રેની કચેરી દ્વારા મેળવેલ અરજી માંથી શ્રી દિનેશભાઇ મોહનભાઇ છાયાણી ગામ- જસદણ એ રાજય કક્ષાએ શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરી રૂ.૧૦,૦૦૦ નું ઇનામ પ્રમાણપત્ર એવોર્ડ રૂપે મેળવેલ છે.(૨૧.૪)

સંકલન : અરવિંદ પી. જોશી

નાયબ માહિતી નિયામક, રાજકોટ

 

(9:25 am IST)