Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ, ૨૦ વર્ષનો વિશ્વાસ’ અંતર્ગત જિલ્લા કક્ષાનાં મેળા-પ્રદર્શન યોજાશે

સુરેન્દ્રનગરમાં મેળાના મેદાન ખાતે 7 દિવસીય મેળા-પ્રદર્શનની મુલાકાત લઈ લાભ લેવા નગરજનોને અનુરોધ:વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા જિલ્લા કક્ષાનાં પ્રદર્શન મેળાનો શુભારંભ કરાવશે

સુરેન્દ્રનગર:ગુજરાત સરકારની 20 વર્ષની વિકાસયાત્રાને જન-જન સુધી પહોંચાડવાના ઉદેશ્ય સાથે રાજ્યભરમાં 'વંદે ગુજરાત 20 વર્ષનો સાથ, 20 વર્ષનો વિશ્વાસ' વિષયક પ્રદર્શન કમ મેળાનું આયોજન થયું છે,જે શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કુટિર અને ગ્રામોદ્યોગ, મહિલા અને બાળ વિકાસનાં સંયુક્ત ઉપક્રમે ગુજરાત સરકારની 20 વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન તેમજ 7 દિવસીય જિલ્લા કક્ષાનાં અને તાલુકા કક્ષાનાં મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

 વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા સુરેન્દ્નગરમાં મેળાનાં મેદાન ખાતે યોજાનાર આ સામૂહિક  પ્રદર્શન કમ મેળાનો આવતીકાલે સાંજે 05.00 કલાકે શુભારંભ કરાવશે. તા.24 થી તા. 30 જૂન સુધી મેળાનાં મેદાનમાં  સવારના 10 થી રાત્રિના 10 વાગ્યા સુધી આ મેળો-પ્રદર્શન યોજાશે.  જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી બબુબેન પાંચાણી સહિતનાં મહાનુભાવો આ શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

 આ મેળામાં સરકારની વિકાસ યાત્રા દર્શાવવા સાથે જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ કાર્યરત મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદિત વસ્તુઓને પૂરતું બજાર મળી રહે, બહેનોને સ્વરોજગારની પ્રવૃત્તિઓ થકી આર્થિક ઉપાર્જન થાય તેમજ તેમને પ્રોત્સાહિત કરવાના હેતુથી 50 જેટલા સ્ટોલ આ મેળામાં લગાવવામાં આવશે. આ  સ્ટોલ્સ ખાતેથી ગુજરાત લાઇલીહુડ પ્રમોશન કંપની લિમીટેડ, ઉદ્યોગ કેન્દ્ર, આત્મા કચેરીનાં સહયોગથી હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ્સની બનાવટો સહિત વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન તેમજ વેચાણ કરવામાં આવશે. જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત કરાયેલા ખેતીપાકોનું પ્રદર્શન સહ વેચાણ પણ કરવામાં આવશે.

જિલ્લા કક્ષા ઉપરાંત તાલુકા કક્ષાએ પણ આ પ્રકારનાં મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજય સરકારની ગ્રામલક્ષી યોજનાઓના પ્રચાર પ્રસાર અર્થે ગુજરાત સરકારની 20 વર્ષની વિકાસયાત્રા પ્રદર્શન તેમજ 7 દિવસીય જિલ્લાકક્ષાનાં મેળાની મોટી સંખ્યામાં મુલાકાત લેવા પ્રજાજનોને  જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(8:42 pm IST)