Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ખાનગી શાળાને ટક્કર મારે તેવી ભાવનગરના ઘોઘા તાલુકાની વાવડી ગામની સ્‍માર્ટશાળા

શાળાના પટાંગણમાં પ્રવેશ કરતા શિક્ષણનો માહોલ કેવો હોવો જોઇએ તેવી અનુભૂતિ થાય

ભાવનગરઃ ભાવનગર તાલુકાના ઘોઘા પંથકની વાવડી ગામની સ્‍માર્ટ શાળામાં પ્રવેશ કરતા સ્‍વચ્‍છ વાતાવરણ અને લીલાછમ્‍મ વૃક્ષોથી આહલાદક અનુભૂતિ કરાવે છે. શાળામાં શિક્ષા-દિક્ષાથી સજ્જ પરિસર છે. દિવાલો પર વિવિધ ચિત્રો, યોગમુદ્રાની નિશાનીઓ, કાર્ટુન ચિત્રો અને રાષ્‍ટ્ર નાયકોના ચિત્રો છે. એમ્‍ફીથિયેટરથી બાળકોને દ્રશ્‍ય શ્રાવ્‍યથી શિક્ષણ અપાય છે.

સામાન્ય રીતે આપણે ગામડા ગામની કોઇ શાળામાં જઇએ તો સામાન્ય ઓરડાં, નળીયાવાળી છત, થોડાઘણાં વિદ્યાર્થીઓ અને વેરાન એવું મેદાન એવાં દ્રશ્યો સામાન્ય રીતે મનમાં અંકિત થાય. પરંતુ આજે આપણે એક એવી શાળાની વાત કરવી છે કે જે સ્માર્ટ સ્કૂલ તો છે જ પરંતુ ગ્રીન પણ છે.

રાજ્યમાં વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ આપવાં માટે દરેક તાલુકામાં ૨-૨ શાળાઓ સ્માર્ટ બનાવવામાં આવી રહી છે. તેમાંની જ એક સ્માર્ટ શાળા ભાવનગરના ઘોઘા તાલુકામાં આવેલ વાવડી ગામની છે જે સ્માર્ટ તો છે ઉપરાંત ગ્રીન પણ છે. વાવડી ગામની શાળાની જ્ઞાનની નાવડી માં બેસીને ગ્રામ્ય વિસ્તારના બાળકો શહેરને ટક્કર મારે તેવી શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે.

આવતીકાલથી સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત થવાં જઇ રહી છે ત્યારે આપણે એવી આગવી અને અનોખી શાળાની વાત કરવી છે કે, શાળાના પટાંગણમાં પ્રવેશ કર્યા બાદ તમને હાવર્ડ કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આવ્યાં હોય તેવી ફિલીંગ આવ્યા વગર ન રહે તેવું લીલુંછમ્મ મેદાન, સમગ્ર પરિસરમાં એક તળખલું પણ કચરો જોવાં ન મળે તેવું સ્વચ્છ વાતાવરણ તમને આહલાદક અનુભૂતી કરાવે તેવું છે. આ શાળામાં આવીને બાળકને જે શિક્ષણનો માહોલ મળે છે તે જોતાં જો તે ન ભણે તો તે વિદ્યાર્થીનો વાંક ગણાય એવી મુલાકાત લેવાં જેવી આ શાળા છે.

માત્ર શાળા કહેવું તેના માટે નાનું પડે તે રીતે સમગ્ર કેમ્પસને શિક્ષા- દિક્ષાના વાતાવરણની સજ્જ કરવામાં આવેલું છે.

શાળામાં કચરાં ટોપલીમાં જ બાળકો કચરો નાંખે તેવાં સંસ્કાર કેળવવામાં આવ્યાં છે. શાળાની દિવાલ પર વિવિધ રમતોના ચિત્રો દોરવામાં આવ્યાં છે. જેથી બાળકોમાં રમત-ગમત પ્રત્યે અનુરાગ જન્મે. શાળાની અંદરની દિવાલ પર વિવિધ યોગમુદ્રાની નિશાનીઓ દોરેલી છે જેથી વિદ્યાર્થીઓને ભારતીય યોગ વિશેની સમજ મળે. આપણે તો ગઇકાલે યોગ દિવસ મનાવ્યો વાવડી ગામના બાળકો તો આ જોઇએ તેમની રીતે પણ યોગ કરી જાણે છે.

શાળાની વચ્ચોવચ્ચ લીલોછમ્મ બગીચો છે. આ બગીચામાં સુશોભન માટે ગોઠવેલાં પથ્થર પર દેડકાં જેવાં પાણીમાં રહેતાં પ્રાણીઓના ચિત્રો દોરેલાં છે. જેથી બાળકોને જોઇને પાણીમાં રહેતાં જળચરો વિશેની આપોઆપ સમજ આવી જાય.

શાળામાં અન્ય દિવાલોને અડીને નિસરણી બનાવવામાં આવી છે કે જેથી બાળકો રિસેષના સમયમાં શાળામાં જ રમત રમી શકે. શાળામાં એમ્ફીથીયેટર છે જેના પર એ.બી.સી.ડી. અને અન્ય મૂળાક્ષરો લખેલાં છે જેથી બાળકો રમતાં-રમતાં મુળાક્ષરોનું જ્ઞાન મેળવી શકે.

શાળામાં પીવાના પાણીની પરબની એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે કે, તેમના દ્વારા ઢોળાયેલ પાણી સીધું બગીચામાં ફુલઝાડને જાય. આ માટે પાણીની પરબથી નીચેના ભાગમાં વનસ્પતિ બગીચો બનાવવામાં આવ્યો છે. જ્યાં વિવિધ ફુલઝાડ તેમના નામ અને વૈજ્ઞાનિક નામ, વિવિધ વનસ્પતિથી કયા ખનીજો શરીરને મળે છે. કયા ખનીજથી શરીરને શું લાભ થાય છે તેના વિગતવાર માહિતી ચિત્ર સાથે દર્શાવેલી છે.

શાળાના ક્લાસરૂમના દરવાજા પર મોટું, પતલું, ડોરેમોન વગેરે જેવાં કાર્ટુન ચિત્રો દોરેલાં છે જેથી નાના બાળકોને મજા આવે. દરેક વર્ગની દિવાલ પર ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, શહીદ ભગતસિંહ જેવાં ચિત્રો દોરેલાં છે જેથી બાળકોને આપણાં રાષ્ટ્રનાયકો વિશેની જાણકારી મળી રહે.

દરરોજ સવારની પ્રાર્થના માટે પણ માઇક, ઓડિયો સાથેના આધુનિક સાધનો સાથે ખંજરી, ઢોલક, મંજીરા છે જેના વાદન સાથે શાળાની શરૂઆત થાય છે. આ દ્વારા બાળકોમાં રહેલી સંગીત અને કલાની શક્તિને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

શાળામાં બાળકો માટે લખવાનાં ડેસ્ક છે. બધાં વર્ગખંડો ચોખ્ખા અને સ્વચ્છ છે. દરેક વર્ગખંડની દિવાલો પર નજર કરો તો કંઇને કંઇ જ્ઞાન પીરસતી માહિતીથી ભરપૂર છે. વિજ્ઞાનના વર્ગખંડમાં જઇએ તો વિજ્ઞાનના મોડલ, ગણિતના મોડલ, ગણતરીની સમજણ આપે તેવાં હાથથી બનાવેલાં મોડલ જોવાં મળે છે.

શાળામાં પ્રોજેક્ટર સાથેના રૂમ તો છે જ પરંતે બાળકોને વધુ સમજણ આપવાં પ્રોજેક્ટરની વિરૂધ્ધ દિશામાં કાળા પાટીયાની વ્યવસ્થા છે કે જેથી બાળકોને વધુ વિસ્તારથી લખીને સમજાવી શકાય.

શાળાની સીડીમાં આપણે જાડા અને પાતળાં દેખાઇએ તેવાં અંતર્ગોળ અને બહિર્ગોળ કાચ લગાવેલાં છે જેથી આ વિજ્ઞાનના આ નિયમો બાળકો ગમ્મત કરતાં- કરતાં શીખી શકે.

શાળામાં પીવાના કૂલરની પણ સગવડ છે. આ કુલરમાંથી વેડફાયેલું પાણી શાળામાં વાવેલાં છોડવાઓમાં જાય તેવી વ્યવસ્થા કરેલી છે. તેથી એકપણ પાણીના ટીંપાનો બગાડ ન થાય અને તેનો પૂરેપૂરો ઉપયોગ થાય. શાળાની દિવાલો પર પાઇપમાં ફુલછોડ વાવીને હાલમાં પ્રખ્યાત બની રહેલાં વર્ટિકલ ગાર્ડનનો ખ્યાલ પણ વિકસીત કરવામાં આવ્યો છે. શાળાની છત પર પણ પાણીની બોટલમાં મની પ્લાન્ટ લગાવીને ત્યાં પણ હરિયાળી લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યાં છે.

શાળાના દરેક વર્ગખંડ પર શિક્ષકનું નામ લખેલું છે જેથી ખબર પડે કે કયા વર્ગખંડમાં કોણ શિક્ષક છે. શાળાના પહેલાં માળે દિવાલની વચ્ચોવચ્ચ લોખંડની પાઇપ લગાવવામાં આવી છે કે જેથી કોઇ બાળક પારી પર બેસવાથી પડી ન જાય. આમ, બાળકની સુરક્ષાની પણ પૂરતી કાળજી રાખવામાં આવી છે. શાળામાં આવેલાં મોટા ઝાડના થડ પર સિહ, વાઘ, સસલું વગેરે પ્રાણીઓના ચિત્રો દોરેલાં છે જેથી બાળકો આ પ્રાણીઓ વિશે વગર વાંચે ચિત્રથી જ તેના વિશેની ઓળખ કરી શકે.

શાળામાં બાળકો પોતાની નિયમિત ઉંચાઇ માપી શકે તેવાં ચિત્રો તૈયાર કરવામાં આવ્યાં છે કે જેથી બાળકો તેમની રમત-રમતમાં પોતાની ઉંચાઇ માપી શકે. ટ્રાફિકના નિયમોનું ચિત્ર પર દિવાલ પર દોરવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓ ટ્રાફિક વિશેની જાણકારી શાળામાંથી શીખી શકે. બાળકો તેમના પગરખા પણ બહાર મૂકીને જઇ શકે તે માટેના શૂ રેક પણ મૂકવામાં આવ્યાં છે. શાળામાં મધ્યાહન ભોજન યોજનાનો શેડ પણ સુંદર તૈયાર કરવામાં આવેલો છે.

શાળાના આચાર્યની ઓફિસમાં પણ દરેક વિષય માટેના અને દરેક વર્ગ શિક્ષકો માટેના અલગ કબાટની વ્યવસ્થા છે જેથી જે વસ્તુની જરૂરિયાત હોય તે તુરંત શોધી શકાય. શાળાને મળેલાં એવોર્ડ પણ વિવિધ કબાટોમાં તેની માહિતી સાથે પ્રદર્શિત કરવામાં આવેલાં છે.

આ અંગે વાવડી ગામના સરપંચ મહેન્દ્રસિંહ ગોહિલ આ અંગે જણાવે છે કે, રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટનો ઉપયોગ કરીને સમગ્ર ભાવનગર જિલ્લામાં ન હોય તેવી સ્માર્ટ સ્કૂલ વાવડી જેવાં નાના ગામમાં બનાવવામાં આવી છે. જિલ્લાના અધિકારીઓ પણ ઉત્સાહી છે જેના કારણે આ શક્ય બન્યું છે. શાળાના શિક્ષકો પણ ઉત્સાહી છે જેના કારણે આ બધું શક્ય બન્યું છે.

શાળાના આચાર્ય હિતેષભાઇ જાદવ આ અંગે જણાવે છે કે, મારી શાળા સ્માર્ટ સાથે ગ્રીન તો છે જ પરંતુ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના ખ્યાલ સાથે શાળામાં ગ્રીન બગીચો, કીચન ગાર્ડન છે. આજનો સમય છે તે સ્પર્ધાત્મકતાનો છે તેને લઇને શાળાના બાળકો સાંપ્રત પ્રશ્નો વિશે સમજ કેળવે તે માટે વાંચનાલય, ડીજીટલ ક્લાસની સગવડ પણ આ શાળામાં ઉભી કરવામાં આવી છે. શાળામાં ૧૬ વર્ષ આચાર્ય રહીને આ શાળાને સ્માર્ટ બનાવવામાં મહત્વનો ફાળો આપનાર પૂર્વ આચાર્ય વિજયસિંહ ગોહિલ તેમની નિવૃત્તિ બાદ પણ તેમની માનદ સેવા આ શાળામાં આપી રહ્યાં છે.

તેમણે આ અંગે કહ્યું કે, અગાઉ આ શાળા નળીયાવાળી હતી. પરંતુ સરકારની સહાયથી સમયાંતરે નવાં ઓરડા બનાવી અને ગામ લોકોના સાથ સહકારથી આ શાળા આજે સમગ્ર જિલ્લામાં અવ્વલ પ્રકારની શાળા બની છે.

આવતીકાલથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત થવાં જઇ રહી છે ત્યારે ગુજરાત પણ આધુનિક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ગ્રામીણ સ્તરે પણ રાજ્ય સરકાર દ્વારા આવી અદભૂત શાળાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં શિક્ષણ મેળવીને ગુજરાતનું યુવા ધન વિશ્વ સામે સ્પર્ધા કરવાં માટે સક્ષમ બનવાનું છે તેમાં કોઇ શંકા નથી.

(5:11 pm IST)