Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

જામનગર- રાજકોટ બાયપાસથી કનસુમરા ગામના નિર્માણાધીન સી. સી. રોડનું ખાત મુહુર્ત કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

જાડા અને યુ.ડી.પી. ૭૮ હેઠળ ગ્રામ્‍ય સડક યોજના અંતર્ગત : કનસુમરાથી લઈને દરેડ, મસીતીયા ગામને જોડતા કુલ ૪.૫૦ કિમિ લાંબા નવનિર્મિત સી.સી. રસ્‍તાથી ઉદ્યોગક્ષેત્રમાં પણ બમણી ગતિ આવશે : કૃષિમંત્રીશ્રી

જામનગર, તા. ૨૩:  કેબિનેટ કક્ષાના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં જામનગર જિલ્લાના કનસુમરા ગામ ખાતે ફોર લેન સીસી રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. કનસુમરા ગામમાં વર્ષોથી ચોમાસાની ઋતુ દરમિયાન કાચા રસ્‍તા હોવાથી લોકોને તેમજ આ વિસ્‍તારમાં અનેક ઉદ્યોગો પણ હોવાથી માલ સમાન લઈ જવા માટે ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ વિસ્‍તારમાં અનેક ફેક્‍ટરીઓ હોવાથી ભારે વાહનોની અવર જવર હંમેશા રહેતી હોય છે. કનસુમરા ગામના આ ૧.૪ કિમી લાંબા કાચા રસ્‍તાની બંને બાજુ કેનાલ હોવાથી તેને ચોમાસની ઋતુમાં ઘણું નુકસાન થયું હતું. આ જૂના રસ્‍તાનું નવીનીકરણ કરવા માટે જાડા દ્વારા રૂ. ૪.૫૮ લાખ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્‍યું હતું. આ રસ્‍તાનું નવીનીકરણ થવાથી કનસુમરા અને માસિટિયા ગામના લોકોને અવર જવર કરવામાં તેમજ ઔદ્યોગિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા લોકો તેમનો માલ સામાન પણ સરળતાથી લઈ જઇ શકશે તેવું કૃષિ મંત્રીશ્રીએ કનસુમરા ગામના નિર્માણાધીન રોડના ખાત મુહૂર્ત પ્રસંગે જણાવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં જાડાના ચેરમેન તેમજ જામ્‍યુકો કમિશ્નર વિજય ખરાડી, જાડાના મુખ્‍ય અધિકારી જિજ્ઞાસાબેન ગઢવી, ઇજનેર  પંડયાભાઈ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્‍યક્ષ ભરતભાઈ બોરસદીયા, જિલ્લા પંચાયત સદસ્‍ય શ્રી મુકુંદભાઈ, શ્રી કુમારપાળ સિંહ રાણા, સરપંચ કાસમભાઈ, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:55 am IST)