Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

કચ્છના ૪ તાલુકામાં એક થી દોઢ ઈંચ વરસાદ સાથે મેઘરાજાની હાજરી: પવન સાથે તોફાની વરસાદ

ભુજમાં વરસાદ સાથે ગટરના પાણી વહ્યા, વીજળી ગુલ થતાં પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી હોવાનો કોંગ્રેસના પ્રવકતા ઘનશ્યામસિંહ ભાટીનો આક્ષેપ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩

 આદ્રા નક્ષત્રના પ્રારંભે જ કચ્છમાં મેઘરાજાએ શુકન કર્યા છે. ગઈ કાલે કચ્છના ૪ તાલુકાઓ ભુજ, નખત્રાણા, અંજાર અને ભચાઉમાં મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી હતી. ભારે પવન અને આકરા ઝાપટાં સાથે એક થી દોઢ ઇંચ પાણી પડી ગયું હતું. જોકે, આ વરસાદ છૂટો છવાયો હતો અને ક્યાંક માટે ઝાપટાં પણ પડયા હતા. પવનને કારણે ભુજમાં ઘણી જગ્યાએ વૃક્ષો સાથે જાહેરાતના બોર્ડ પડી ગયા હતા. જોકે, ભુજ શહેરની મુખ્ય બજાર, જાહેર રોડ અને સોસાયટી વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયાં હોઈ લોકોને ભારે મુશ્કેલી પડી હતી. ભુજ, માંડવી નખત્રાણા હાઇવે ઉપર હોટેલ પ્રિન્સ રેસીડેન્સી પાસે વરસાદના પાણી સાથે ગટરના પાણી રોડ ઉપર વહ્યા હતા. પરિણામે મુખ્ય હાઇવે ઉપર પસાર થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો, ભુજમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. વરસાદ પડતાં ની સાથે જ લોકોને થયેલી મુશ્કેલી સંદર્ભે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવકતા ઘનશ્યામસિંહ ભાટીએ ભુજ નગરપાલિકા તેમ જ તંત્ર દ્વારા થયેલી પ્રિ-મોન્સુન કામગીરી અને સમીક્ષા બેઠક સામે સવાલો ઉઠાવ્યા છે.

(9:44 am IST)