Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

મોરબીમાં અનેક સિરામિક ઉદ્યોગકારો સાથે છેરેતપિંડી આચરનાર બે શખ્સોને પોલીસે ઝડપી લીધા

આરોપીઓ અલગ-અલગ મોબાઈલ નંબર ઉપરથી ટાઇલ્સનો ઓર્ડર આપી પૈસાનું ચુકવણું ન કરી છેતરપીંડી આચરતા આરોપીઓ પાસેથી માલ ખરીદનાર સામે પણ કાર્યવાહીની તજવીજ

મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગો પાસેથી ટાઇલ્સ મંગાવ્યા બાદ પૈસાનું ચુકવણું ન કરી ધૂંબો મારી દેવાનો ગોરખધંધો કરતા બે શખ્સોને તાલુકા પોલીસની ટીમે સુરતથી ઝડપી પાડ્યા છે. આ બન્ને શખ્સોએ અત્યાર સુધીમાં અનેક ઉદ્યોગોને ધૂંબો માર્યો હોવાની કબૂલાત આપી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સિરામીક ઉદ્યોગોના માલીકોને વિશ્વાસમાં લઇ એક મહિનામાં મંગાવેલ માલનું પેમેન્ટ આપવાના વાયદા કરી ટાઇલ્સ મંગાવી તેનું પેમેન્ટ નહીં આપી વિશ્વાસઘાત કરનાર રાધે એન્ટરપ્રાઇઝ ના પ્રોપરાઇટર વિરૂદ્ધમાં અલગ અલગ ગુન્હા રજી. કરી આગળની તપાસ પીએસઆઈ વી.કે.કોઠીયા તથા વી.જી.જેઠવા ચલાવી રહ્યા હતા.

પોલીસે અલગ અલગ ટિમો બનાવીને સુરતથી આ કામના બે આરોપી નિલેશભાઇ પ્રવિણભાઇ સાવલીયા (ઉ.વ.27, રહે. રાજ રેસીડેન્શી, કામરેજ રોડ, સુરત, મુળ રહે. મોલડી, તા.સાવરકુંડલા, જી.અમરેલી) તથા જગદીશભાઇ શંભુભાઇ જોગાણી (ઉ.વ.37, રહે. સૌરાષ્ટ્ર રેસીડેન્શી, પાસોદરા રોડ, કામરેજ, સુરત, મુળ રહે. વાવેરા, તા.રાજુલા, જી.અમરેલી)ઓને પકડી પાડ્યા છે.

આ બન્ને શખ્સોની પૂછપરછ કરતા ઘટસ્ફોટ થયેલ કે બન્ને આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં અલગ અલગ પેઢી બનાવી તથા અલગ અલગ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરી મોરબી જીલ્લાના અલગ અલગ સિરામીકના માલીકો પાસેથી ટાઇલ્સ મંગાવી પૈસા ચુકવતા ન હતા. આરોપીઓ અલગ અલગ સાત મોબાઇલ નંબરોનો ઉપયોગ કરી આવા ગુનહાઓ આચરતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ આરોપીઓ પાસેથી માલ ખરીદનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે. મોરબીના અલગ અલગ સિરામીકના માલીકો સાથે આ આરોપીઓએ છેતરપીંડી આચરેલાનું સામે આવ્યું છે. જેથી આરોપીઓનો નામદાર કોર્ટનાહુકમ અન્વયે સબ જેલ મોરબી ખાતેથી કબજો મેળવી આગળની તપાસની તજવીજ હાથ ધરાઈ છે.

(1:01 am IST)