Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રાજુલાની રેલવે જમીન વિવાદ મુદ્દે ધારાસભ્‍ય અંબરીશ ડેરના સમર્થનમાં NSUI, યુવક કોંગ્રેસના રેલવે ટ્રેક પર ધરણા : પોલીસ દ્વારા અટકાયત

રાજકોટ : રાજુલા માં શહેરની વચ્‍ચોવચ આવેલી રેલવેની જમીન છેલ્લા ૨૫ વર્ષોથી પડતર પડેલી બિનઉપયોગી જમીનનાં કારણે માર્કેટિંગ યાર્ડ સામે ટ્રાફિક સમસ્‍યાઓ અને અકસ્‍માત સર્જાઇ છે ત્‍યારે આ વિસ્‍તારના ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર તથા રાજુલા નગરપાલિકાની માંગણી કરી હતી કે રાજુલામાં રેલવેની બિનઉપયોગી જમીન નગરપાલિકાને ચિલ્‍ડ્રન પાર્ક, સર્કલ,રસ્‍તાઓ, સિનિયર સિટીઝન પાર્ક, સાઇકલ ટ્રેક,વોક વે, સહિતના વિકાસ કામો માટે જમીન સોંપવાની માંગ કરી હતી. જેનાં માટે નગરપાલિકા અને રેલવે વચ્‍ચે જમીન ફાળવણી બાબતે કરારો પણ કરવામાં આવ્‍યા હતાં. પરંતુ ત્‍યારબાદ રેલવે વિભાગ દ્વારા નગરપાલિકા ને વિકાસ કાર્યો માટે જમીન નો કબજો સોંપવામાં ના આવતા અને રસ્‍તામાં બેરીકેટ ઉભા કરવામાં આવતા ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર દ્વારા છેલ્લા ૧૨થી વધુ દિવસોથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસની સૂચનાથી આ બાબતે સમ્રગ ગુજરાતમા રેલવે રોકો આંદોલનો કાર્યક્રમ હોવાથી આજે NSUI, યુવક કોંગ્રેસ અને સેવાદળના કાર્યકરો ધારાસભ્‍યના સમર્થનમા અમીનમાર્ગ પાસે આવેલા રેલવે ટ્રેક પર ધરણા પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્‍યો હતો.

જો કે પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરતા ભાજપ સરકાર અને રેલવે વિભાગ હાય હાય ના નારે લાગ્‍યા હતા. આ કાર્યક્રમમા NSUIના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત, સેવાદળના પ્રમુખ રણજીત મુંધવા, ભાવેશ પટેલ,યુવક કોંગ્રેસના મૌલેશ મકવાણા, NSUIના અભિરાજ તલાટીયા, હર્ષ આશર, પાર્થ બગડા, જીત સોની, મોહીત સોલંકી, પ્રશાંત રાઠોડ, મીત પટેલ સહીત કાર્યકરો જોડાયા હતા.

(4:33 pm IST)