Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

લોકોના દિલ જીતનાર કચ્છના ડે.કલે. મનીષ ગુરવાણીને દબદબાભેર વિદાયમાન : આઈએએસનું પ્રોબેશન પૂર્ણ કરી વલસાડના ડીડીઓ બન્યા, કર્મચારીઓએ પણ ફૂલડે વધાવ્યા

(વિનોદ ગાલા દ્વારા) : ભુજ) સરકારી અધિકારીઓ માટે લોકોનો અનુભવ મોટે ભાગે કડવો હોય છે. જોકે, એ જ સરકારી અધિકારી જ્યારે લોકભોગ્ય કામગીરી કરે ત્યારે લોકો એને પ્રેમપૂર્વક પોતાના હૃદયમાં સ્થાન આપે છે. જોકે, લોકોના હૃદયમાં સ્થાન મેળવવું અઘરું છે. પરંતુ  કચ્છમાં ડેપ્યુટી કલેકટર તરીકે પ્રોબેશન પીરીયડ માં કાર્યભાર સંભાળનાર આઈએએસ અધિકારી મનીષ ગુરવાણીએ પોતાની કર્મનિષ્ઠ કામગીરી સાથે સરકારી કર્મચારીઓ તેમ જ લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું. આજે તેમણે જ્યારે તેમનો ચાર્જ છોડ્યો ત્યારે ભુજની કલેકટર કચેરી મધ્યે તેમને સન્માનસહ ફૂલડે વધાવીને દબદબાભેર વિદાય અપાઈ હતી. મોટેભાગે આઈએએસ અધિકારી મીટીંગો સિવાય પોતાની ચેમ્બર છોડી બહાર નીકળતા હોતા નથી. પરંતુ મનીષ ગુરવાણી અપવાદ રહ્યા અને તેમણે લોકોની વચ્ચે રહીને કામગીરી કરી. કોરોના કાળમાં તેમણે ખડેપગે કામગીરી કરી. આ સમય દરમ્યાન સફેદરણમાં યોજાયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમો સફળતા સાથે પાર પડ્યા. લોકોના કામ માટે હકારત્મક અભિગમ દાખવી તેમણે સુંદર કામગીરી કરી લોકોનો પ્રેમ, આદર અને સન્માન મેળવ્યા. હવે તેઓ વલસાડ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યભાર સંભાળશે.

(1:31 pm IST)