Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

હળવદના બ્રાહ્મણી -૨ (શકિત સાગર) ડેમનો દરવાજો અડધો ફૂટ ખોલાયો : બ્રાહ્મણી -૧ (હરપાલ સાગર) ડેમમાં અડધો ફૂટ નવા નીર

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૨૩: તાલુકાના શિરોઈ નજીક આવેલ બ્રાહ્મણી-૨ ડેમનો દરવાજો ગઈ કાલથી અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. જેના કારણે નીચાણવાળા આઠથી વધુ ગામોને નદીના પટમાં ન જવા સૂચનાઓ આપવામાં આવી છે.

હળવદમાં બ્રાહ્મણી-૨ ડેમમાં ધ્રાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલથી પાણી ભરવામાં આવી રહ્યું છે. આ ડેમની ૧૮ ફૂટની સપાટી હોય, જેમાં રૂલ લેવલ ૧૨.૬૩ (આર.એલ-૪૩.મી) જાળવવાનું હોય. જેથી નર્મદા કેનાલના ઈન્ફલો સામે ડેમનો દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. હાલ બ્રાહ્મણી-૨ ડેમમાં ૪૦૦ કયુસેક પાણીની આવક છે. જેની સામે ૪૩૫ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે હેઠવાસના આઠ જેટલા ગામોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે.

હળવદમાં ૧૭થી ૨૧ તારીખ સુધી એટલે કે પાંચ દિવસમાં ચાર ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જેના કારણે ગોલાસણ નજીક આવેલ બ્રાહ્મણી (હરપાલ સાગર) ડેમમાં અડધો ફુટ નવા નીર આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ બ્રાહ્મણી ડેમની ૧૫.૭૫ ફુટની સપાટી ડેમ ભરાયેલો છે. જયારે ૨૭ ફુટે ડેમ ઓવરફ્લો થાય છે.

(11:44 am IST)