Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ર ઇંચ વરસાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવ

સાર્વત્રિક વરસાદની રાહ વચ્ચે કોઇ જગ્યાએ ભારે તો કોઇ જગ્યાએ વરસતો હળવો વરસાદ

ખીરસરાઃ રાજકોટ નજીકના કાલાવડ રોડ ઉપર આવેલ મેટોડા જીઆઇડીસીમાં વરસાદ વરસતા રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા હતા. (તસ્વીરઃ અહેવાલઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

રાજકોટ, તા., ૨૩: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવનો માહોલ યથાવત છે.  આવા વાતાવરણ વચ્ચે ભાવનગર જીલ્લાનાં મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ર ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

સાર્વત્રીક વરસાદની રાહ વચ્ચે કોઇ જગ્યાએ હળવો તો કોઇ જગ્યાએ ભારે વરસાદ વરસી જાય છે.

ગઇકાલે રાજકોટ, મેટોડા, લોધીકા સહીતના વિસ્તારોમાં સાંજના સમયે વરસાદ પડયો હતો.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર જીલ્લાનાં મહુવામાં બે ઇંચથી વધુ વરસાદ પડતા વાઘનગર ગામની ભાડોડ નદી અને બુટપામાં પાણી આવી ગયું હતું. મહુવાના અનેક ગામોમાં ભારે વરસાદ પડયો છે.

ભાવનગર શહેર અને મહુવાને બાદ કરતા અન્ય મેઘરાજાએ વિરામ લીધો છે.પરંતુ જીલ્લાના મહુવા અને મહુવાના ગામડાઓ તરેડ, રામવદર, ઉમાણીયા વિગેરે ગામોમાં બે ઇંચથી વધારે વરસાદ પડયો છે. મહુવા તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદ પડતા વાઘનગર ગામની ભાદ્રોડી નદી અને બુટીયામાં પાણી આવી ગયું હતું. બુટયા પાણી પુલ ઉપરથી વહી રહયુ છે અને રોડથી અવરજવર ખોરવાઇ ગઇ હતી. ધસમસતુ પાણી આવતા પુલ ઉપર કેટલીક ગાડીઓ પણ ફસાઇ ગઇ હતી.

દરમ્યાન આજે બુધવારે ભાવનગર શહેરમાંથી વરસાદી માહોલ વિખેરાઇ ગયો છે અને તડકો નિકળ્યો હતો.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ મહતમ તાપમાન ૩પ ડીગ્રી, લઘુતમ ર૪.૮ ડીગ્રી, હવામાં ભેજ ૭૯ ટકા અને પવનની ઝડપ ૧ર.૪ કી.મી. પ્રતિ કલાક રહી હતી.

(11:33 am IST)