Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

મોરબીના પીપળી ગામે દેશી દારૂના અડ્ડા પર પોલીસે રેડ કરતા મૃત પાંચ કાચબા મળી આવ્યા!

શું કાચબાનો દારૂ બનાવવામાં કે ખાવામાં ઉપયોગ થયો હશે? ફોરેસ્ટ ખાતાએ પણ તપાસમાં ઝંપલાવ્યું

મોરબી, તા., ૨૩: મોરબીના પીપળી ગામે એક આશ્ચર્ય પમાડે તેવો બનાવ સામે આવ્યો હતો. પીપળી પંથકમાં દેશી દારૂની બદીને ડામવા પીપળી ગ્રામ પંચાયતે પોલીસને સાથે રાખી ચોક્કસ જગ્યાએ રેડ કરી હતી અને ત્યાંથી દેશી દારૂ અને આથો તો મળી આવ્યા હતા. પરંતુ બાજુમાંથી પાંચ મૃત કાચબાના મૃતદેહ મળી આવતા પોલીસ સ્ટાફ તર્ક-વિકર્ત સાથે આશ્ચર્યમાં મુકાયા હતા.

મોરબી તાલુકાના પીપળી ગામે ગ્રામ પંચાયતના સભ્યો અને પોલીસે રેડ કરતા ત્યાંથી દેશી દારૂ-આથો અને સાથે પાંચ મૃત કાચબા મળી આવતા પીપળીના સરપંચે ફોરેસ્ટ ખાતાને જાણ કરી હતી અને વન વિભાગ આવી પહોંચી અને તપાસમાં જોડાયું હતું.

આ તકે ફોરેસ્ટ વિભાગના અધિકારી જાડેજા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે સરપંચ દ્વારા અમોને જાણ કરાતા અમો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃત કાચબાઓની અંતિમવિધિ કરી હતી અને વન્ય સંરક્ષણ અધિનિયમન મુજબ ગુનો નોંધી આરોપીને પોલીસ પકડે પોતાની કાર્યવાહી કરી લે ત્યાર બાદ કોર્ટમાં રજુ કરીશું અને વન્ય સંરક્ષણ ધારા મુજબ ગુન્હો નોંધી તેમની સામે કાર્યવાહી કરીશું.

દારૂની ભઠ્ઠી પાસેથી દેશી દારૂ, બનાવવાના સાધનો વગેરે મળે તે તો સ્વાભાવીક છે. પરંતુ ભઠ્ઠીની બાજુમાંથી મૃતક પાંચ-પાંચ કાચબાઓના દેહ મળે તે બાબત અતિ ગંભીર તો કહેવાય જ સાથોસાથ અનેક સવાલો પણ ઉભા કરે અને શંકાઓ પણ થાય કે આ મૃતક કાચબાઓનો ઉપયોગ દારૂ બનાવવામાં કર્યો હશે કે પછી તેને મારીને તેની મીજબાની કરવામાં કે પછી તેની ઢાલ સહીતના પાર્ટસ વેચવા માર્યા હશે? પોલીસ અને ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટે આ બાબતે તપાસ હાથ ધરી છે. (૪.૧૭)

 

(4:15 pm IST)