Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

કાલે વિંછીયા યાર્ડમાં સંમેલનઃ ૧૦૦થી વધુ ગામોના કોળી સમાજના ભાઈઓ-બહેનોની હજારોની સંખ્યામાં ઉપસ્થિતિ

જસદણ, તા. ૨૩ :. જસદણ અને વિંછીયા તાલુકાના કોળ ી સમાજનું સામાજિક સમરસતા સંમેલન રવિવારે બપોરે ૩ કલાકે વિંછીયા માર્કેટયાર્ડમાં યોજાશે. આ સંમેલનમા કોળી સમાજના હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાનો હોય ત્યારે આયોજકોના વડપણ હેઠળ બહોળી સંખ્યામાં સ્વયંસેવકોની ટીમો ખડેપગે તૈયાર કરવામાં આવી છે. સમાજના સભ્યોને કોઈ હાલાકી કે તકલીફ વેઠવી ન પડે તે માટે પાણીથી લઈ આરોગ્ય સુધીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જનમેદનીને ધ્યાને રાખી તંત્રએ પણ સજાગતા દાખવી છે. આ સંમેલનના મુખ્ય બે આયોજક અને સમાજના આગેવાનો જેસાભાઈ સોલંકી અને પોપટભાઈ રાજપરા એ સંમેલન અંગે જણાવ્યું કે આ સંમેલન લાંબા સમય પછી યોજાય રહ્યુ છે અને જેમા જસદણ અને વિંછીયા તાલુકાના ગામેગામથી સ્વયંભુ સમાજના લોકો આવશે.

સંમેલનનો મુખ્ય હેતુ એ છે કે સમાજમાં કન્યા કેળવણીનો હજુ વધુ વ્યાપ થાય અંધશ્રધ્ધાઓ દૂર કરવી, સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવું, જસદણમાં વિદ્યાર્થી ભવનનું કામ ઘણા સમયથી અટકયુ છે તે પૂર્ણ કરવું આવી અનેક બાબતો છે જેમાં ફકત ચર્ચા નહી પણ નક્કર કાર્ય થશે. બન્ને આગેવાનોએ વિશેષમાં જણાવ્યુ કે ગામડાઓમાં રાજકારણ અને ચૂંટણીને લઈને અનેક પરિવારોમાં મનદુઃખને કારણે વારંવાર ફસાદ અને કજીયાઓથી સમાજની અધોગતિ થતી હોય તેથી દરેક પરિવારો અને રાજકીય આગેવાનો વચ્ચે વાંધાવચકા, ગેરસમજો ફેલાયેલી છે. તે સમાજને વચ્ચે રાખી આવી બાબતો ભુલી જવા અને સંપીને રહેવાની સૂચના ઉપરાંત વિનંતી પણ કરીશું જેથી રાજ્ય દેશની પ્રગતિમાં વધારો થઈ શકે અને કાયદા કાનૂનને પણ સહયોગ આપવાનું પવિત્ર કાર્ય થઈ શકે ! પોપટભાઈ રાજપરા અને જેસાભાઈ સોલંકીએ વિશેષમાં ઉમેર્યુ હતુ કે, આ સંમેલન સમાજનું છે. જેમા સમાજના દરેક પક્ષો સાથે સંકળાયેલ રાજકારણીઓ પણ આવશે. તેમની વચ્ચે જે મતભેદો છે તે દૂર કરીશું. આ સંમેલન ફકતને ફકત સમાજ સંપથી રહે અને તેમની પ્રગતિ માટે યોજવામાં આવ્યું છે. રાજકારણએ દરેક વ્યકિતની અંગત બાબત છે કોને કયાં રહેવું ? શું કરવું ? અમારે તો એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવું છે ત્યારે સમાજના હિત માટે જ લોકો ગામેગામથી સ્વયંભુ જ સંમેલનમાં જોડાશે.

(11:54 am IST)