Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

કુંકાવાવના પૂર પ્રલયને ત્રણ વર્ષ પુરા

વર્ષ ૨૦૧૫ના પૂર પ્રલયમાં ઉડેલ પતરા હજી મલ્યા નથી...

કુંકાવાવ તા.૨૩: વર્ષ ૨૦૧૫ના સમયમાં આવેલ કુદરતી પુર પ્રલય યાદ આવતા માણસો કંપી ઉઠે છે. તા. ૨૪/૬/૧૫ ના સવારના ડેમ તુટતા ભયાનક તારાજી સર્જાય હતી ઉપરથી આભ માંથી પણ ૨૨ ઇંચ જેવો વરસાદ વરસ્યો હતો. જેમાં લાખો-કરોડો રૂપિયાના લોકોનું લોકોને નુકશાન થયા હતા તો ગામમાં સવારના ૮ થી પાણી ધીમેધીમે ગામમાં ઘુસી ગયા ત્યારબાદ ઉતરોતર વધારાના પાણીથી લગભગ ૧૦ વાગ્યાના સુમારે લોકોના ઘર દુકાનોમાં ઘુસી ગયા અને સાર્વત્રિક જળબંબાકાર થયો જેમા જે લોકો છત પર હતા તેને છત પર રહેવું પડયું તો નળીયાવાળા મકાન માંથી લોકો સુરક્ષીત ધાબાવાળા મકાન પર ચડી ગયા હતા તેમજ કુદરતના કહેર સામે પોતાનું રાચલચીલું તણખલા માફક પડતું, તણાતું જોઇ ચોધાર આંસુડા પાડી રહયા હતા. કુદરતના કહેર સામે માણસ કઇ કરી ન શકે, ગામના કાચા મકાન લગભગ તણાય જવા પામ્યા તો અમુક પાકા મકાનો પણ પાણીનો માર જીલી ન શકયા તેમાં પણ પાણીએ રસ્તો બનાવ્યો હતો.

આવા સંજોગોમાં બિજા દિવસે એન.ડી.આર.એફ.ની ટીમો દ્વારા પાણીના પાઉચનું વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ જેમ-જેમ સમાચાર મળતા ગયા તેમ-તેમ લોકોને સહાય કરવા લોકો પહોંચવા લાગ્યા હતા. લોકોને સહાય કરવા જુદી-જુદી સંસ્થાઓ દ્વારા પણ પોતાના વાહનો સાથે લોકોની મદદ કરી નાસ્તો, દૂધ, છાશ, ખીચડી, કરીયાણું પીવાનું પાણી, ગોદડા, બીડી, માવા, સહિતની સહાય સેવાભાવી ઓ દ્વારા કરવામાં આવી હતી.

સરકારશ્રી દ્વારા પણ લોકોને સહાય (તાત્કાલીક) મળે તે માટે સચીવાલયથી ટીમ સાથે કાર્ય કરવામાં આવ્યું હતું. અમુક મોટી કંપની દ્વારા પણ કિટનું વિતરણ કરવામાં આવેલ તેમા જરૂરીયાતમંદ ગરીબ કરતા મોટા ગરીબ લોકોને કિટ વિતરણ કરવામાં આવ્યા ના સમાચાર વાયુવેગે પ્રસરતા હતા. તો જેમના મકાન સંપુર્ણ પડી ગયા હતા. તેને આપવામાં આવેલ સહાય ખુબ ઓછી તો જેને નુકશાન ન હતુ તેને વધુ સહાયની બુમો ઉઠેલ હતી. ત્યારબાદ તાલુકા પંચાયતમાં ઉપવાસ આંદોલન પણ કરવામાં આવેલ જેમાં ૭૦ ટકા મકાન પડી ગયું હોવા છતાં માત્ર ૧૦,૧૨ હજાર રૂાની સહાય કરવામાં આવી ના અહેવાલ મળતા હતા. કુંકવાવ ઓફીસથી જવાબ મળતો કોર્ટ મેટર છે માટે અમરેલી જાવ ત્યાની ઓફીસે થી કહેતા કુંકાવાવ જાવ હજુ ત્રણ વર્ષ વિતવા છતાં જરૂરીયાતમંદ કે જે હકીકતમાં ગરીબ છે. એવા લોકો સરકારી સહાયની આશાહારી ચુકયા છે. તો ત્યારે ગ્રામપંચાયત દ્વારા પણ મકાન ઉપર ઢાંકવાના પતરા આપવાના હતા તેની માંગણી કરેલ હતી પરંતુ આજદિન સુધી પતરા ગરીબ સુધી પહોંચ્યા જ નથી તો હવે લોકોને પ્રશ્ન થાય છે કે આપણા પતરા કયાં ઉડી ગયા હશે? કે હજી મળતા જ નથી.

(11:53 am IST)