Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

આટકોટના પાંચવડાના જયશ્રીબેન પટેલની હત્યા બે બાવાઓએ કરી કે અન્યોએ ? તપાસનો ધમધમાટ

હત્યાનો ભોગ બનનાર મહિલાની પુત્રીઓ સાધુએ જ હત્યા કર્યાનું કહે છે પણ બંને સાધુઓ બાજુમાં કે ગામમાં કોઇ જગ્યાએ ભીખ માંગવા ગયા હોય તેવું કોઇએ જોયુ નથી ? વિવિધ દિશામાં તપાસ

આટકોટ, તા., ર૩: જસદણ તાલુકાના પાંચવડા ગામે ભીક્ષા માંગવા આવેલ સાધુઓ દ્વારા પટેલ મહિલાની હત્યા થયાના બનાવમાં હજુ પોલીસને કોઇ નક્કર કડી હાથ નથી લાગી ત્યારે સાધુ દ્વાાર જ હત્યા થઇ છે કે હત્યારા કોઇ બીની છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

દીન દહાડે ઘરમાં બે પુત્રીઓની હાજરીમાં સાધુઓએ માથામાં પાંચ ઘા મારી જયશ્રીબેનની હત્યા કરતા આ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બનાવ નજરે જોનાર સાહેદમાં જયશ્રીબેનની પુત્રીઓ હતી જેમણે જ હત્યા માંગવા આવેલા સાધુઓએ કરી હોવાનું પોલીસને જણાવ્યું છે.

પુત્રીના જણાવ્યા મુજબ સાધુઓ પૈસાની વાત માટે રકઝક કરતા હતા તે સાંભળ્યું હતું. જયારે સાધુઓએ જયશ્રીબેનને માથામાં ઘા માર્યા ત્યારે ઝપાઝપી અને રાડારાડ તો થઇ હશેતે તે શું પુત્રીઓને નહી સંભળાઇ હોય? આ સાધુઓ બાજુમાં કે ગામમાં કોઇ જગ્યાએ માંગવા ગયા હોય તેવું કોઇએ જણાવ્યું નથી તો શું આ સાધુ બાજુમાં આવેલા સારા મકાનોને બદલે આ સામાન્ય મકાનમાં જ સીધા આવ્યા? આવા અનેક સવાલો પોલીસને મુંઝવે છે.

આ ઘટનાનો તાગ મેળવવા અને બીજી બાબતોની તપાસ માટે રાજકોટ રૂરલ એસપી અંતરીપ સુદ પણ પાંચવડા આવ્યા છે. આ ઉપરાંત ગઇકાલે ડોગસ્કોડ અને આજે એફએસએલના અધિકારીઓ પણ પાંચવડા ખાતે આવી તપાસ હાથ ધરી છે.

મરનાર જયશ્રીબેનના પરીવારજનો સુરત હોય આજે સવારે તેઓ આવ્યા બાદ તેમની અંતિમવિધી કરાઇ હતી. જયશ્રીબેનનાં પિતાએ પણ ઘણી હૈયા વરાળ ઠાલવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

હાલ પોલીસ જુદી જુદી દિશામાં તપાસ કરી રહી છે. આ હત્યાના બનાવનાં તપાસનીશ અધિકારી આટકોટના પી. એસ. આઇ. અજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આમ તો આ હત્યાનો ભેદ પડકાર જનક છે પરંતુ પોલીસ હત્યારાઓને જરૂર પકડી પાડશે.(૪.૧૯)

(11:47 am IST)