Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

જામનગર જીલ્લામાં આરટીઇ અંતર્ગત ૫૯૨ છાત્રોને ખાનગી શાળામાં પ્રવેશ

રાજય સરકારની યોજનાથી ગરીબ અને મધ્‍યમ વર્ગના બાળકોને અપાઇ છે પ્રાઇવેટ સ્‍કુલોમાં એડમિશન

જામનગર સહિત ગુજરાતમાં આર.ટી.ઈ. હેઠળ ગરીબ અને મધ્‍યમ વર્ગના બાળકોને પ્રવેશ પ્રક્રિયા માટે બે તબક્કામાં કાર્યવાહી સંપન્ન થઈ છે. જામનગરમાં પણ આ યોજના અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિવિધ બાળકોને વિદ્યાભ્‍યાસ માટે આ પ્રક્રિયા કરવામાં આવી છે. જેને લઇને પ્રણામી સ્‍કૂલમાં એડમિશન મેળવનાર બાળક અને તેના માતા-પિતા પણ સરકારી યોજના થી ખુશ છે.(તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)(૨૩.૧૬)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: રાજય સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી ગરીબ અને મધ્‍યમ વર્ગના બાળકોને ખાનગી શાળામાં શિક્ષણ મળી રહે તે હેતુ થી રાઈટ ટુ એજયુકેશન યોજના અમલી બનાવવામાં આવી છે. ૨૦૧૨થી આ યોજના અમલમાં આવી 2.ત્‍યારે આ વર્ષે જામનગરમાં પણ ૫૯૨ વિદ્યાર્થીઓને RTE અંતર્ગત પ્રવેશ આપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રાઈટ ટુ એજયુકેશન એક્‍ટ ૨૦૦૯માં અમલી બન્‍યો છે.અને ગુજરાત રાજયમાં ૨૦૧૨થી આ યોજના અમલમાં મુકાઈ છે. આ કાયદા અંતર્ગત રાજયમાં તમામ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા બેઠકો નબળા અને વંચિત જુથના બાળકોને ફાળવવામાં આવે છે. અમીરી અને ગરીબીનો ભેદ દૂર કરીને બાળકોને સમાન શિક્ષણ મળે તે હેતુથી આ કાયદા હેઠળ શિક્ષણ આપવામાં આવે છે. આ કાયદા મુજબ RTE હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોની ફી સરકાર ચૂકવે છે. આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની સરકાર ફી ઉપરાંત દર વર્ષે ગણવેશ, પુસ્‍તકો માટે ૩૦૦ રૂપિયાની અલગથી સહાય આપે છે. આ RTE યોજના અંતર્ગત જામનગર જિલ્લામાં બે તબ્‍બકામાં ૫૯૨ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવ્‍યો છેકેન્‍દ્ર અને રાજય સરકાર દ્વારા દિવસે ને દિવસે લોકોમાં સમાનતા અને નાત - જાતના ભેદભાવો દૂર કરવા પ્રયત્‍નો કરવામાં આવી રહ્યા છે. ત્‍યારે બાળકોમાં શિક્ષણ ના પાયાથી જ ગરીબ - તવંગર અને નાત - જાત ના ભેદભાવો ન રહે તે માટે ગરીબ અને પછાત વર્ગના બાળકોને RTE અંતર્ગત સરકાર દ્વારા ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ અમારા પ્રતિનિધિ કિંજલ કારસરીયા ને જણાવ્‍યા પ્રમાણે જામનગર જિલ્લામાં બે તબ્‍બકામાં RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કે ૫૪૬ અને બીજા તબક્કે ૪૬ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી છે. જામનગરની ધાર્મિક સંસ્‍થા સંચાલિત શહેરના પોશ વિસ્‍તારમાં આવેલી અતિ આધુનિક પ્રણામી સ્‍કુલ માં પણ સરકારની આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્‍યો છે. ત્‍યારે જામનગરમાં રહેતા ગૌસ્‍વામી પરિવારના એક માત્ર પુત્ર અને આર્થિક સ્‍થિતિ નબળી હોવા છતાં પણ સારી શાળામાં સરકારની RTE યોજનાથી પ્રવેશ આપવામાં આવ્‍યો છે. ત્‍યારે ગૌસ્‍વામી પરિવારના મહિલા શીતલબેન પોતાના પુત્ર પ્રિયાંશપરીને એડમિશન મળતા ખુશ ખુશાલ છે.ગુજરાત રાજયમાં અને જામનગર જિલ્લામાં પણ નબળા-ગરીબ વર્ગના વાલીઓના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓના વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને અરજી કરવાની હોય છે. પુરતી ચકાસણી બાદ શિક્ષણાધિકારીની ભલામણને આધારે ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. અને સરકારની ભલામણથી પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની ફી પણ સરકાર દ્વારા ચુકવવામાં આવતી હોય છે. અગાઉ RTE હેઠળ ખાનગી સ્‍કૂલોની સરકાર દ્વારા બાળકોની ફી પેટે ૧૦ હજાર રૂપિયા ચૂકવવામાં અવતા હતા જે હવે વધારીને ૧૩ હજાર રૂપિયા કરવામાં આવ્‍યા છે. RTE ના નિયમ મુજબ સરકારે નક્કી કરેલ ફી અને સ્‍કૂલે નક્કી કરેલ ફી આ બંનેમાંથી જે ફી ઓછી હોય તે મુજબ સરકાર સ્‍કૂલને તે ફી ચૂકવતી હોય છે. ત્‍યારે સરકારની આ યોજના ગરીબ અને મધ્‍યમ વર્ગના બાળકો માટે આશીર્વાદ સમાન ચોક્કસ કહી શકાય.

(1:04 pm IST)