Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

સમુહલગ્નો સામાજિક દાયિત્‍વ - સમરસતાના પ્રતિક : ભૂપેન્‍દ્રભાઇ પટેલ

સુરેન્દ્રનગર ખાતે ગુરૂબ્રાહ્મણ સમાજ દ્વારા આયોજીત સમુહલગ્નમાં ૧૯ નવદંપતિઓને આશિર્વાદ આપતા મુખ્યમંત્રી : દરેક સમાજને વિકાસની મુખ્ય ધારામાં લાવવા સરકાર જરૂરી તમામ મદદ માટે તત્પર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૩ : મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં સુરેન્‍દ્રનગરમાં ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા ચતુર્થ સમૂહ લગ્નોત્‍સવ યોજાયો હતો.

આ પ્રસંગે ૧૯ નવદંપતિઓને આશીર્વાદ આપી દામ્‍પત્‍ય જીવનની શુભકામનાઓ પાઠવતા મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે જણાવ્‍યું કે, સમૂહ લગ્ન આજના સમયની માગ છે. બે કુટુંબનો પ્રસંગ સમૂહ લગ્નના આયોજનથી સમગ્ર સમાજનો પ્રસંગ બને છે. એટલું જ નહીં, દિકરીઓનાં માતા-પિતાની ચિંતા આવી પહેલથી હળવી બને છે. સમૂહ લગ્નપ્રસંગો સામાજિક દાયિત્‍વનું પ્રતિક બની રહ્યા છે.

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે વધુમાં જણાવ્‍યું કે, સામાજિક સમરસતા આપણા સમાજ અને સંસ્‍કૃતિની આગવી વિશેષતા રહી છે. સમાજ પોતાના દરેક વ્‍યક્‍તિ માટે ચિંતિત છે તે આવા પ્રસંગોથી પ્રસ્‍થાપિત થાય છે.

સામાજિક સદભાવના પ્રસરાવતા આવા પ્રસંગોને પ્રશંસનીય પહેલ ગણાવતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે, દરેક સમાજને વિકાસની મુખ્‍ય ધારામાં લાવવા માટે જરૂરી મદદ માટે સરકાર સદાય તત્‍પર છે. શિક્ષણ, સ્‍વાસ્‍થ્‍ય અને સુરક્ષા જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડીને સૌ સમાજ-વર્ગો ક્ષેત્રે આગળ વધી શકે તે સુનિશ્ચિત કરવા સરકાર કટિબદ્ધ છે.

સરકાર હંમેશા લોકોની પડખે ઉભી રહી છે, તેમ જણાવતા મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, કોરોના મહામારી સમયે જયારે દુનિયાના વિકસિત દેશોએ પણ પોતાની પ્રજાને છોડી દીધી હતી ત્‍યારે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળ દેશનાં ૧૩૦ કરોડ માનવીઓને વિનામૂલ્‍યે રસીનું સુરક્ષા કવચ તેમજ વિનામૂલ્‍યે અનાજનું વિતરણ કરવામાં આવ્‍યું હતું, તે આજપર્યંત ચાલુ રહ્યું છે.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગનાં મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારે નવ યુગલોને સુખી દાંપત્‍યજીવનની શુભેચ્‍છા આપતા જણાવ્‍યું હતું કે, રાજય સરકારે છેવાડાના પ્રત્‍યેક વ્‍યક્‍તિની ચિંતા કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વિચરતી વિમુક્‍ત જાતિ સહિતનાં તમામ વર્ગોનાં કલ્‍યાણ માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી દરેક વ્‍યક્‍તિ સુધી તેનાંᅠ લાભો સરળતાથી પહોંચાડ્‍યા છે.ᅠ

મા અમૃતમ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓનાં લાભ વિશે તેમણે વિગતવાર જાણકારી આપી હતી.

પૂર્વ સાંસદશ્રી શંભુપ્રસાદ ટુંડીયાએ અને અગ્રણી શ્રી ગૌતમભાઈ ગેડીયાએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. જાણીતા કલાકારશ્રી કિર્તીદાન ગઢવીએ આ પ્રસંગે દિકરીઓને લગ્નજીવનની શુભેચ્‍છા પાઠવતા ‘લાડલી..' ગીતની પંક્‍તિઓ ગાઈ હતી.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, ધારાસભ્‍યશ્રી ધનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી વીરેન્‍દ્રભાઈ આચાર્ય, જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાત અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, વર્ષાબેન દોશી, જે.વી. શ્રીમાળી, ચંદ્રશેખર દવે, અનિરુદ્ધસિંહ પઢિયાર, રાજભા ઝાલા, મહેન્‍દ્રભાઈ પટેલ, હિતેન્‍દ્રસિંહ ચૌહાણ, જયેશ પટેલ, કીર્તીદાન ગઢવી, ભગવતીપ્રસાદ શ્રીગોડ, હંસાબેન સોલંકી, સી.એન. જોશી, મુળશંકર પંડયા, રવિશંકર પંડયા સહિત મોટી સંખ્‍યામાં ગુરુ બ્રાહ્મણ સમાજના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:11 pm IST)