Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

રાજકોટ જિલ્લામાં મનરેગામાં વિક્રમી રોજગારીઃ ૧૨,૦૦૦થી વધુ શ્રમિકો કાર્યરત

કામની જરૂરીયાત લોકો સંપર્ક કરેઃ નિયામક જે.કે.પટેલ

રાજકોટ,તા.૨૩:કોરોના વૈશ્વિક મહામારીના પ્રવર્તમાન સંજોગોમાં ગ્રામ્ય શ્રમિકોને રોજગારી અને રાહત મળી રહે તે માટે સરકાર દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના - મનરેગા યોજના હેઠળ જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં કામો શરૂ કરવા જણાવેલ છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે, જિલ્લાના ૧૧ તાલુકાના ૯૧ ગામોમાં હાલ મનરેગાના કામો ચાલી રહયા છે. જેમાં ૧૨,૩૫૬ જેટલા શ્રમિકો કામ કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના વધુમાં વધુ શ્રમિકોને હાલના કોરોના મહામારીના સંજોગોમાં ગુજરાન ચલાવવા માટે આજીવિકા મળી રહે તે માટે વધુમાં વધુ શ્રમિકો મનરેગા યોજનામાં જોડાય તે માટે જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના તમામ સદસ્યશ્રીઓને તથા તમામ ગામના સરપંચઓને ખાસ પત્ર લખી તેમના વિસ્તાર/ગામમાં શ્રમિકો ઉપલબ્ધ હોય અને મનરેગા યોજનામાં કામ કરવા ઈચ્છુક હોય તેવા તમામ શ્રમીકોને કામ અપાવવા અનુરોધ કરવામાં આવેલ છે. મનરેગા યોજનાનો લાભ મળી રહે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના તમામ અધિકારીઓ નરેશ બોરીચા, વિરેન્દ્ર બસિયા,  મિલન કાવઠીયા, મીનાક્ષીબેન કાચા, સરોજબેન મારડિયા, ઋષિત અગ્રાવત, ધવલ પોપટ વિગેરે તમામ અધિકારીઓને તાલુકા ફાળવી ફરજ સોંપવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં મનરેગા યોજના હેઠળ કામ શરૂ કરી શકાય છે આ માટે જે કોઈ શ્રમિકોને કામની જરૂરિયાત હોય તેમણે તેમના ગામના સરપંચશ્રી, તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવો. શ્રમિકો તેમના તાલુકાની તાલુકા પંચાયત કચેરીનો અને તાલુકા વિકાસ અધિકારીશ્રીનો પણ સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, જે કોઈ શ્રમિકોને કામની જરૂરિયાત હોય તેઓ  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ફોન નંબર ૦૨૮૧-૨૪૭ ૪૩૦૬  ઉપર સવારના ૧૧ થી સાંજના ૫ દરમિયાન સંપર્ક કરી શકે છે અથવા શ્રમિકો તેમનું નામ, સંપર્ક નંબર, ગામનું નામ અને તાલુકાના નામની વિગત સાથે ફોન નંબર ૯૯૦૪૩ ૪૧૫૫૮ અથવા ૯૯૦૪૯ ૨૧૧૦૦ ઉપર વોટ્સએપ પણ કરી શકે છે.

મનરેગા યોજના હેઠળ જળસંચયના વિવિધ સામૂહિક કામો, ગામની ગૌશાળા, સ્મશાન, હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા તથા જાહેર સ્થળે  વૃક્ષારોપણના કામો, ગામની પ્રાથમિક શાળા, હાઇસ્કુલ, આંગણવાડી, આરોગ્ય પેટા કેન્દ્રમાં પેવર બ્લોકના કામોની સાથે સાથે નાના અને સીમાંત ખેડૂતના વ્યકિતગત કામો જેવા કે ખેત તલાવડી, ખેતરના શેઢા - પાળાનું કામ, કાઢીયાનું કામ, ખેતરમાં બાગાયતી વૃક્ષોનું વાવેતર વગેરે કામો લઈ શકાય છે. મનરેગા યોજના હેઠળ કામો કરવા માટે તાલુકા પંચાયત કચેરી અથવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટનો સંપર્ક કરવા નિયામકશ્રી જે.કે.પટેલે જણાવ્યું છે.

(12:01 pm IST)