Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

સૌરાષ્ટ્રની તમામ બેઠકો ઉપર ભાજપનું બુલડોઝર ફરી વળ્યુ

મોદીની સુનામીમાં કોંગ્રેસનો પંજો ઉડી ગયો : સૌરાષ્ટ્રની સાત લોકસભા બેઠક અને કચ્છની બેઠક પણ ભાજપે કબ્જે કરી કોંગીને જબરદસ્ત આંચકો આપી દીધો

અમદાવાદ,તા. ૨૩ : સૌરાષ્ટ્રની તમામ સાત બેઠકો પર પણ ભાજપનું બુલડોઝર જાણે ફરી વળ્યું હતું અને તેમાં કોંગ્રેસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સૌરાષ્ટ્ર પંથકની રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલીની બેઠકો પર ભાજપના કમળે કમળના પંજાને આંચકાજનક અને અણધારી મ્હાત આપી હતી.  સૌરાષ્ટ્રની લોકસભા બેઠકોની મતગણતરી દરમ્યાન આજે ભારે રસાકસી અને ઉત્તેજનાના દ્રશ્યો જોવા મળ્યા  હતા. જો કે, છેવટે તો ભાજપની છાવણીમાં વિજયોત્સવ અને કોંગ્રેસમાં હતાશા અને નિરાશા છવાયા હતા. જૂનાગઢમાં સવારથી સર્વર ડાઉન હોવાથી ખુબ જ ધીમી ગતિએ મતગણતરી ચાલી રહી હતી. રાજકોટમાં વોર્ડ નંબર-૭માં ઈવીએમ બદલાયા હોવાનો કોંગ્રેસના રણજિત મૂંધવાએ આક્ષેપ કર્યો હતો અને કોંગ્રેસ દ્વારા મતગણતરી અટકાવવાનો પ્રયાસ કરાયો હતો. જો કે, ચૂંટણી અધિકારીઓએ મામલો થાળે પાડયો હતો. જો કે, મતગણતરીના અંતે સૌરાષ્ટ્રની મહત્વની અને પ્રતિષ્ઠાભરી બેઠકો પર પણ ફરી ભાજપનો ભગવો લહેરાયો હતો. જેમાં  રાજકોટમાં મોહન કુંડારિયા, જામનગરમાં પૂનમ માડમ, પોરબંદરમાં રમેશ ધડુક, જૂનાગઢમાં રાજેશ ચૂડાસમા, ભાવનગરમાં ભારતીબેન શિયાળ, સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુંજપરા અને અમરેલીમાં ભાજપના નારણ કાછડિયા એ ભાજપના તમામ ઉમેદવારો જીતી ગયા હતા. કોંગ્રેસના પરેશ ધાનાણી સહિતના દિગ્ગજોએ આંચકાજનક હાર ખાધી હતી.  સૌરાષ્ટ્રની અમરેલી અને જૂનાગઢ બેઠક પર કાંટે કી ટક્કરની સ્થિતિ હતી. રાજકોટમાં કણકોટમાં આવેલી ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે ૧૪ ટેબલ પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી શરૂ થઈ હતી. મહત્વનું છે કે મુખ્યમંત્રીની બેઠક રાજકોટ પશ્ચિમ વિધાનસભા પર ૨,૧૩,૧૬૬ લોકોએ મતદાન કર્યું હતુ. જ્યારે સૌથી ઓછું મતદાન કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તારમાં ૧,૨૭,૭૯૩ લોકોએ કર્યું હતું. રાજકોટ લોકસભા બેઠક પર કુલ ૬૩.૧૪ ટકા મતદાન થયું હતું. અમરેલીમાં મોદી વેવ વચ્ચે પણ ભાજપે વિધાનસભાના પરિણામોમાં ભાજપે પછડાટ ખાધી હતી. સાત વિધાનસભામાં પાંચ બેઠકો કોંગ્રેસના ફાળે ગઇ હતી. હવે લોકસભામાં કોંગ્રેસ પાસે યુવા ચહેરો અને વિપક્ષ નેતા અને લો પ્રોફાઇલની છાપ ધરાવતા અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા ધાનાણી હતા, તો, સામે ભાજપે નારણ કાછડીયા પણ રિપીટ કર્યા હતા. જો કે, કાછડીયાએ ભાજપની મોદી લહેરનો ફાયદો ઉઠાવી વિપક્ષના નેતા પરેશ ધાનાણીને હરાવી દીધા હતા. તો,  જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપે રિપિટ કરી જોખમ તો લીધું હતું અને મેદાને ઉતાર્યા હતા, તેની સામે કોંગ્રેસે ઉનાના ધારાસભ્ય પુંજા વંશને મેદાનમાં ઉતાર્યાં હતા. મોદી લહેરના કારણે આ બેઠક પર પણ ભાજપની લાજ રહી ગઇ હતી અને રાજેશ ચુડાસમા જીતી ગયા હતા. બીજીબાજુ, પોરબંદર બેઠક ભાજપ અને વિઠ્ઠલ રાદડિયાનો ગઢ કહેવાય છે, પરંતુ આ વખતે વિઠ્ઠલભાઇ ચૂંટણી લડી શકે તેમ ન હોવાથી ગોંડલના ઉદ્યોગપતિ અને રાજકારણમાં નવોદિત ગણાતા રમેશ ધડુકને ટિકીટ મળી હતી. સામે વિઠ્ઠલ રાદડિયાના શિષ્ય અને કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપને હંફાવી તો દીધા હતા પરંતુ અહીં પણ છેવટે તો ભાજપનો જ ભગવો લહેરાયો હતો અને રમેશ ધડુક જીત્યા હતા.  સૌરાષ્ટ્ર ભાજપને પરિણામ પહેલા જ રાજકોટમા મોહન કુંડારિયા, જામનગરમા પૂનમ માડમ, ભાવનગરમા ભારતીબેન શિયાળ જીતે તેનો પુરો વિશ્વાસ હતો. આમ ભાજપે પરિણામ પહેલા જ રાહતનો શ્વાસ લઇ લીધો હતો. આ બેઠકો પર તમામ સાંસદને રિપીટ કરાયા હતા. સુરેન્દ્રનગરમાં ભાજપે અહીં દેવજી ફતેપરાનું પત્તું કાપીને નવોદિત ડો. મહેન્દ્ર મુંજપરાને મેદાનમાં ઉતાર્યા હતા. રા.સ્વ.સંઘ સાથે સંકળાયેલા ડો. મુંજપરા તબીબ તરીકે આ વિસ્તારમાં ખાસ્સા લોકપ્રિય હોઇ ભાજપે બાજી ખેલી હતી, જ્યારે તેની સામે કોંગ્રેસે સોમા ગાંડા પટેલને ઉતાર્યાં હતા. જેમાં ભાજપનો દાવ મુંજપરા પર સફળ રહ્યો હતો અને તે વિજયી બન્યા હતા. દરમ્યાન કચ્છ બેઠક પર ભાજપના વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નરેશ એન.મહેશ્વરી લડી રહ્યા છે. ભૂકંપ પછી નરેન્દ્ર મોદીના મુખ્યપ્રધાનપદે અહીં ઔદ્યોગિક પ્રગતિ અને પ્રવાસનમાં આવેલાં ઉછાળાને લીધે કચ્છ ભાજપનો ગઢ ગણાય છે. આ બેઠક માટે અન્ય પ્રભાવશાળી ઉમેદવાર નહી હોવાથી ભાજપે ફરીથી વિનોદ ચાવડાને રિપિટ કર્યા હતા અને તેમણે ભાજપની આશાને સફળ કરી બતાવી હતી.

(8:29 pm IST)