Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાનો બીજી વખત પુંજા વંશ સામે વિજય

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૩: જૂનાગઢ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને સંસદ સભ્ય રાજેશભાઇ ચુડાસમાનો કોંગ્રેસના ઉમેદવાર અને ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશ સામે બીજી વખત વિજય થયો છે.

જૂનાગઢ બેઠક ઉપર ભારે રસાકસી રહી હતી. પરંતુ આજે મતગણતરીના પ્રારંભથી ભાજપના રાજેશ ચુડાસમાએ લીડ જાળવી રાખી હતી.

બપોરે ર.૧પ કલાકે ભાજપના રાજેશભાઇ ચુડાસમાને ૧,૩પ,૧૯૩ મતની લીડ પ્રાપ્ત થઇ હતી.

૧૯૮૦ અને બાદમાં ૧૯૮૪ માં કોંગ્રેસના મોહનભાઇ પટેલ જૂનાગઢ બેઠક ઉપરથી વિજય થયેલ આ પછી ૧૯૮૯માં જનતાદળના ગલોવિંદભાઇ શેખડા વિજેતા થયા હતા બાદમાં ૧૯૯૧ થી ૧૯૯૯ દરમિયાનની ચૂંટણી દરમિયાન ભાજપના સ્વ. ભાવનાબેન ચિખલીયા ચાર વખત વિજેતા થઇને સંસદસભ્ય થયેલ. ર૦૦૪માં કોંગ્રેસના સ્વ. જશુભાઇ બારડ વિજેતા થયેલ પરંતુ ર૦૦૯માં ભાજપના દીનુભાઇ સોલંકીએ કોંગ્રેસ પાસેથી જૂનાગઢ લોકસભા બેઠક ખુંચવી લીધી હતી.

જો કે ર૦૧૪માં ભાજપના રાજેશ ચુડાસમા વિજેતા થયેલ અને તેઓએ ર૦૧૯ ની ચુંટણી દરમિયાન પણ જૂનાગઢ બેઠક ઉપરનું પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને કોંગ્રેસના પુંજાભાઇ વંશને બીજી વાર પરાજય આપતા રાજકીય હલચલ મચી ગઇ છે.

જુનાગઢ લોકસભા બેઠક પરથોી ભાજપનું કમળ ફરી ખીલી ઉઠતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ આતશબાજી કરી અને અરસ-પરસ મોં મીઠા કરાવીને ખુશી વ્યકત કરી હતી.

(4:49 pm IST)