Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

જામનગરમાં ગંદકી ફેલાવવા બદલ દંડ વસુલ કરાયો

જામનગર, તા.૨૩: મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લેતા શહેરમાં વરસાદી પાણીના નાલા-પુલિયા, કેનાલોની પ્રિમોન્સુન સફાઇ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને તમામ નાલા-પુલિયા તથા કેનાલોને જુદા જુદા ૧૦ ભાગોમાં વિભાજીત કરવામાં આવેલ છે અને તમામ ભાગો પર સુપરવાઇઝરો નિયુકત કરી સફાઇ કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

જે અન્વયે સત્યમ કોલોની, દિગ્જામ સર્કલ થઇ રાજય પુરોહિત જ્ઞાતિની વાડી પાસેથી પસાર થતી કેનાલની સફાઇ કામગીરી હાલ ચાલુ હોય, જેમાં રાજય પુરોહિત વિદ્યાર્થીભવન, ખોડીયાર કોલોની દ્વારા એઠવાડ તથા પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરવામાં આવેલ હોય, તેઓ સામે રૂ.૨૦૦૦/ વહીવટી ચાર્જ વસુલાત લેવામાં આવેલ છે અને અગાઉ પણ આ વાડી સામે ન્યુસન્સ કરવા સબબ દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવેલ હતી. તેમજ ડોમીનોઝ પીઝા સામે આવેલ વુડી જહોન્સ પીઝા પાસેથી પણ જાહેરમાં ન્યુસન્સ કરવા સબબ રૂ.૧૦૦૦/ વહીવટી ચાર્જ વસુલાત લેવામાં આવેલ છે. ભવિષ્યે બંને આસામીઓને આ ઘટનાનું પુનરાવર્તન ન કરવા, અન્યથા ધોરણસર દંડનાત્મક આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ તાકીદ કરાયેલ છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ આસામીઓને આ પ્રકારની જાહેર ન્યુસન્સ ફેલાવતા માલુમ થશે તો તેઓની સામે પણ દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની નોંધ લેવા જાણવું. જાહેર આરોગ્ય અને લોકોની સુખાકારી તથા પર્યાવરણની જાળવણી અર્થે શહેરના તમામ નાગરિકોને જાહેરમાં ન્યુસન્સ ન કરવા અનુરોધ કરવામાં આવે છે

(11:56 am IST)