Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

લાઠીના લુવારીયા ગામ પાસે ગેરકાયદેસર લાયન શો કિસ્સામાં ચારની ધરપકડઃ ૩ને જામીન ન મળ્યા

કોર્ટે ચાર આરોપીમાંથી ત્રણ આરોપીને જામીન ન આપતા જેલ હવાલેઃ તપાસમાં મોટુ નેટવર્ક ખુલે તેવી શકયતા

અમરેલી, તા.૨૩: અમરેલી જિલ્લામાં રક્ષિત જંગલ વિસ્તાર અને રેવન્યુ એરિયામાં વસવાટ કરતા સિંહોની પજવણી અને ગેરકાયદેસર લાયન શો કરતા લોકો સામે અમરેલી સામાજીક વનીકરણ વિભાગે કાર્યવાહી કરી છે.

મે ૧૪મી  તારીખે અમરેલી જિલ્લાનાં લાઠી તાલુકાનાં લુવારીયા ગામ પાસે આવેલી લુવાડીયા વિડી વિસ્તારમાં ગેરકાયદેસર લાયન શો કરતો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ વીડિયામાં એવુ જણાતું હતુ કે, એક વ્યકિત તેના બાઇક પાછળ મૃત પશુને બાંધીને બાઇક ચલાવે છે અને આ બાઇક પાછળ સિંહ પણ આવે છે. આ કેટલાક લોકો ગેરકાયેદસર રીતે આ લાયન શો જોવા માટે આવ્યા હોય તેમ જણાય છે.

લાઠી વિસ્તારમાં રહેતા વન્યપ્રાણીઓની દેખભાળની જવાબદારી અહીંયા સામાજીક વનીકરણ વિભાગની છે એટલે કે લાઠીનાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર આ વિસ્તારનાં વાઇલ્ડ લાઇફ વોર્ડન છે અને આ વિસ્તારમાં વન્યપ્રાણીની દેખભાળ અને કોઇ ગૂનાહિત કૃત્ય બને તો તેની સામે પગલા લેવાની જવાબદારી સામાજીક વનીકરણ વિભાગની છે.

ગેરકાયદેસર લાયન શોનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો કે તરત જ વન વિભાગે તપાસ હાથ ધરી. અમરેલીનાં નાયબ વન સરંક્ષક પ્રિયંકા ગેહલોતની રાહબરી હેઠળ તપાસ હાથ ધરવામાં આવી. અત્યાર સુધીમાં અમે આ કેસમાં ચાર આરોપીની ધકપકડ કરી છે જેમાં એક સગીર છે. આ કિસ્સામાં વન વિભાગનો એક ટ્રેકર મેરામણ ઝાપડા પણ સામેલ છે. ટ્રેકર જ બાઇક સાથે મૃત પશુને બાંધીને ગેરકાયદેસર લાયન શો કરાવતો હતો તેવી વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. વન વિભાગ દ્વારા આરોપીઓ સામે વાઇલ્ડલાઇફ પ્રોટેકશન એકટ (૧૯૭૨)ની સેકશન ૯ પ્રમાણે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનો વન્યપ્રાણીનાં શિકાર કરવાનો છે. પકડાયેલા ચાર આરોપીને મંગળવારે લાઠી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચાર આરોપી પૈકી ટ્રેકરને જામીન આપ્યા છે જયારે ત્રણ આરોપીને જામીન આપ્યા નથી. જેમને જામીન નથી મળ્યા તેમાં એક સગીર આરોપીને રાજકોટ ખાતે આવેલા જુવેનાઇલ હોમમાં મોકલી આપવામાં આવ્યો છે અને બે આરોપીને અમરેલી જેલમાં મોકલવામાં આવ્યા છે, વન વિભાગનાં એક અધિકારીએ જણાવ્યું.

સુત્રોનાં જણાવ્યા મુજબ, આરોપીઓમાં કેટલાક આરોપીઓ લુવારીયા ગામનાં છે અને રાજકોટ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપનીમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ કરે છે.

આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ કિસ્સામાં હજુ ચાર આરોપીઓ પકડવાનાં બાકી છે જેમાં અનિલ સૈયા અને દડુભાઇનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ સાંજણટીંબા ગામના વતનીઓ છે અને ગેરકાયદેસર લાયન શોમાં સામેલ છે. નાસતા ફરતા ચાર આરોપીઓમાં બે આરોપીઓ સગીર છે.

અનિલ અને દડુભાઇની ધરપકડ બાદ ગેરકાયદેસર લાયન શોનાં નેટવર્કનો પર્દાફાશ થશે અને વધુ લોકોનાં નામ ખુલશે. ગેરકાયદેસર લાયન શોમાં સામેલ લોકોનાં મોબાઇલ જપ્ત કરી અને તપાસ કરતાં તેમાંથી ઘણી સ્ફોટક વિગતો પણ મળી અને તેની તપાસ ચાલુ છે. વન વિભાગ આ કેસમાં તેના મૂળ સુધી જશે, વન વિભાગનાં અધિકારીએ જણાવ્યું.

વન વિભાગનાં અધિકારીએ જણાવ્યું કે, ગેરકાયદેસર લાયન શો કરતા તત્વોમાં ધાક બેસાડવા માટે અને આ કેસમાં સામેલ આરોપીઓને પકડવા માટે સ્થાનિક વન વિભાગનાં આરોપીઓએ ખુબ મહેનત કરી છે.

સુત્રોનાં જણાવ્યા મુજબ, અમરેલી જિલ્લા (સામાજીક વનીકરણ વિભાગ)નાં નાયબ વન સરંક્ષક તરીકે પ્રિયંકા ગેહલોતે ચાર્જ સંભાળ્યા પછી સિંહોની પજવણી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યા છે.

છેલ્લા એક વર્ષમાં અમરેલી જિલ્લામાં સિંહોને પજવણી કરતી પાંચ જેટલી દ્યટનાઓ સામે આવી, તે તમામ કિસ્સાઓમાં વન વિભાગ દ્વારા દાખલારૂપ કામગીરી કરવામાં આવી છે અને આરોપીઓ પાસેથી દંડ વસૂલવાને બદલે તેમની સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવી છે.

(11:51 am IST)