Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

તળાજાના દાઠા ગામની દીકરીએ ઉજાળીયુ ગરીબ પિતાનું ખોરડું: શાકભાજીની લારી લઈ ફેરી કરતાં પિતાની દીકરીએ મેળવ્યા ૯૭.૬૩ પી.આરઃ બનવુ છે આઈ.એ.એસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) તળાજા, તા.૨૩: તળાજાના દાઠા ગામના મુસ્લિમ પરિવાર ની દીકરી એ ધો.૧૦ માં ૯૭.૬૩ પર્સન્ટેજ મેળવી જવલંત સફળતા હાંસલ કરીછે. સફળતા મેળવનાર નિલોફરના પિતા દાઠા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં શાકભાજીની લારી લઈ ફેરી મારી ઘરનું ગુજરાન ચલાવે છે. નિલોફરને કલેકટર બની ગરીબ લોકોની ખાસ મદદ કરવી છે.

મારી લાડકી દીકરીએ તો અમારા ગરીબ ઘરના ખોરડા ઉજાળી દીધા છે. વ્હાલના દરિયા સમી દીકરી માટે આ શબ્દો છે તળાજાના દાઠા ગામના ઇકબાલભાઈ અગવાન ના. ઇકબાલભાઈ દાઠા અને આસપાસના વિસ્તારમાં શાક બકાલાની લારી લઈને ફેરી કરી ગુજરાન ચલાવે છે. સવારથી રાત સુધી જે આવક આવે તેમાંથી ઘરનો ચૂલો સળગે અને પેટ ઠરે આવી સ્થિતિ સમયે ઘરમાં સૌને મદદ કરતી નિલોફર અગવાને જવલંત સફળતા ૯૭.૬૩ મેળવી હાંસલ કરીછે તે વાવડે આ ગરીબ પરિવારમાં હર્ષનાં આંસુ વહેવડાવી દીધા હતા.

ગરીબ પિતાની સાથે શાકભાજીની લારીએ વટથી ઉભી રહેતી નિલોફર કહે છે ગરીબી તો કિસ્મત નો ખેલ છે.પણ મહેનત કરવાથી કિસ્મત બદલી શકે છે એવાત ચોક્કસ છે. સફળતા પાછળ હાજીપર સ્થિત ઇશ્વરાનંદ સ્કુલમાં અભ્યાસ વેળાએ લેવાતી દરેક ટેસ્ટ માં ભાગ લેવો અને ન સમજાય ત્યાં શિક્ષકોનું અવશ્ય માર્ગદર્શન મળતું રહેતું હતું.

વિદ્યાર્થીઓને શીખ આપતા તેમણે કહયુ હતુંકે જે નસમજાય તે વાત ચોક્કસ જે તે શિક્ષકને પૂછવી જોઈએ. પોતાનો લક્ષ પણ નિશ્ચિત કરતા જણાવ્યું હતું કે આઈએએસ બનીને ખાસ ગરીબ પરિવારોની મદદ કરવી છે.

(11:10 am IST)